અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 19 પોઈન્ટ ઘટી 74,294 બંધ રહ્યો હતો જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 75 પોઈન્ટ વધી 23,346 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 302 પોઈન્ટ વધી 56,358 બંધ થયો હતો. શેરબજારમાં આજે સુધારો આવવાના કયા કારણો? આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? શું ટેકનિકલી માર્કેટ વીક છે? નિફ્ટીએ 23,100 આજુબાજુ સપોર્ટ મેળવ્યો છે? આગામી સપ્તાહે લો લેવલ પર નવી લેવાલી નીકળતાં Share Market India તેજી આવશે? આગામી સપ્તાહના બેસ્ટ બાય?
જૂઓ વીડિયો…
સેન્સેક્સ 19 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 74,575ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 74,728 થઈ અને ટ્રેડિંગ સેશનના અંતભાગમાં ઘટી 74,294.96 બંધ રહ્યો હતો. જે દિવસના લો લેવલ પર ક્લોઝ રહ્યો હતો. ગઈકાલના બંધની સરખામણીએ 19.63નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી ઈન્ડેક્સ 75 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,334ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 23,389 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી નીકળતાં ઘટી 23,286 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,346.40 બંધ થયો હતો, જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 75.80નો ઉછાળો દર્શાવે છે.
આઈટી અને ઓટો શેરો ઘટ્યા
Stock Market India શેરબજારમાં સવારથી મજબૂત વાતાવરણ હતું. બજાર ખૂલ્યા પછી નવી લેવાલી આવી હતી અને શેરોના ભાવ તથા ઈન્ડેક્સ વધુ વધ્યા હતા. જો કે ટ્રેડિંગ સેશનના અંતભાગમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. એકંદરે બજાર મજબૂત રહ્યું હતું. આઈટી અને ઓટો સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ હતી, તે સિવાયના બાકીના સેકટરના શેરોમાં ટેકારૂપી લેવાલીથી મજબૂતી હતી.
શેરબજાર સુધરવાના કારણો
(1) આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં ક્રૂડના ભાવ ઘટ્યા હતા. આજે શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ 2.65 ડૉલર ઘટી 102.18 ડૉલર રહ્યો હતો. ક્રૂડ ઓઈલ 1.91 ડૉલર ઘટી 100 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડના ભાવ ઘટતાં શેરબજારનું સેન્ટિમેન્ટ મજબૂતી તરફી રહ્યું હતું.
(2) ગ્લોબલ માર્કેટના સંકેતો પોઝિટિવ હતા. ક્રૂડના ભાવ ઘટતાં આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર પણ 165 પોઈન્ટ પ્લસ હતો. જેથી Stock Market India ભારતીય શેરોમાં નવી વેચવાલીનો અભાવ રહ્યો હતો અને તેજીવાળા ખેલાડીઓએ સામાન્ય લેવાલી કાઢી હતી.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 8 પૈસા વધી 95.86 પર ટ્રેડ કરતો હતો. રૂપિયાની મજબૂતીને કારણે શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું.
મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળો
આજે શુક્રવારે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં સતત બીજા દિવસે નવી લેવાલી ચાલુ રહી હતી. મીડકેપ ઈન્ડેક્સમાં 759 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 340 પોઈન્ટ વધ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2,388 શેરના ભાવ વધ્યા હતા અને 1154 શેરના ભાવ ઘટ્યા હતા.
152 સ્ટોકમાં અપર સર્કિટ
113 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 86 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 152 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી, જ્યારે 84 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
અદાણી પોર્ટ(4.93 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(3.31 ટકા), ભારતી એરટેલ(3.12 ટકા), એચડીએફસી બેંક(2.52 ટકા) અને બજાજ ફાઈનાન્સ(2.49 ટકા).
સૌથી વધુ ગગડેલા શેર
ટીસીએસ(3.88 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(3.40 ટકા), એસબીઆઈ લાઈફ(2.03 ટકા), કૉલ ઈન્ડિયા(1.94 ટકા) અને મારૂતિ(1.90 ટકા).
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે શેરબજાર બે તરફી વધઘટમાં જ અથડાશે. ટેકનિકલી માર્કેટ હજી વીક છે, જેથી દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. સેન્સેક્સ 74,950, નિફ્ટી 23,450 અને બેંક નિફ્ટી 56,650 કૂદાવશે તો જ તેજી આગળ વધશે. અન્યથા નીચામાં સેન્સેક્સમાં 74,100, નિફ્ટીમાં 23,100 અને બેંક નિફ્ટી 55,700ના સપોર્ટ લેવલ આવે છે.
આ પણ વાંચો…
US 100% Tariff India: અમેરિકાની બેવડી નીતિ, પોતે રશિયાથી આયાત કરે છે, ભારત આયાત કરે તો 100 ટકા ટેરિફ
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

