PM Modi in VGRC 2026: ભારત ડેટા આધારિત ઇનોવેશન, AI રિસર્ચ, સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બની રહ્યું છે

by Investing A2Z
PM Modi in VGRC 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ

રાજકોટ – PM Modi in VGRC 2026 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2026ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ સુખદ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યું હતું કે, આજે ‘વિકાસ અને વિરાસત’ના મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. બે દાયકા પૂર્વે એક સપનાથી શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની યાત્રા આજે એક ગ્લોબલ બેન્ચમાર્ક સાથે અતૂટ ભરોસા સુઘી પહોંચી છે.

વિશ્વને ગુજરાતના સામર્થ્યનો પરિચય

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે(PM Modi in VGRC 2026) અત્યાર સુધીમાં 10 વાઈબ્રન્ટ સમિટ યોજાઈ ચૂકી છે. વાઈબ્રન્ટ સમિટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વને ગુજરાતના સામર્થ્યથી પરિચિત કરાવવાનો હતો, પરંતુ આજે તે રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશીપનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. અહીં કોર્પોરેટ ગ્રુપ, MSME, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કદમથી કદમ મિલાવીને વિકાસના પથ પર આગળ વધી રહી છે.

કોસ્ટલ લાઈનનું સામર્થ્ય

વડાપ્રધાને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની અપાર શક્તિ અને ક્ષમતાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાકાત છે, પછી તે કોસ્ટલ લાઈનનું સામર્થ્ય હોય, ટ્રાયબલ બેલ્ટ હોય, ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર હોય કે ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા હોય. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા આગળ વધી રહ્યું છે.

UPI દુનિયાનું નંબર વન પ્લેટફોર્મ

PM Modi in VGRC 2026 શ્વેતક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદન અને જેનરિક દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છીએ. દુનિયામાં સૌથી વધુ વેક્સિન (રસી) બનાવનાર દેશ ભારત છે. ભારત દેશ આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર છે. આપણું UPI દુનિયાનું નંબર વન રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ છે. ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે અને સોલર પાવર તથા મેટ્રો નેટવર્કમાં પણ આપણે ટોપ ત્રણમાં છીએ.

IMF ભારતને ગ્લોબલ ગ્રોથનું એન્જિન માને છે

તેમણે ઉમેર્યું હતું કે, ‘રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ’ના મંત્રને કારણે આજે વિશ્વની તમામ ગ્લોબલ સંસ્થાઓ ભારતમાં રોકાણ કરવા તત્પર છે. IMF ભારતને ગ્લોબલ ગ્રોથનું એન્જિન માને છે અને ફિચ (Fitch) જેવી રેટિંગ એજન્સીઓ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અભૂતપૂર્વ નિશ્ચિતતા સાથેની ભારતની આર્થિક સ્થિરતાને બિરદાવી રહી છે.

રોકાણકારો માટે પ્રથમ પસંદગી

વડાપ્રધાને ગર્વભેર જણાવ્યું હતું કે,(PM Modi in VGRC 2026) ભારત આજે અસીમ સંભાવનાઓનો દેશ બની ગયો છે, આપણા દેશમાં સ્થિરતા અને નીતિઓમાં સાતત્ય છે. ભારતમાં મધ્યમવર્ગના વ્યાપની સાથે તેઓની ખરીદશક્તિની ક્ષમતાઓ વધી રહી છે. આ તમામ પરિબળોને કારણે ભારત આજે રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે.

આ જ સમય છે, સાચો સમય છે

વડાપ્રધાને આ તકે રોકાણકારો માટે “આ જ સમય છે, સાચો સમય છે” તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જેનું વાઇબ્રન્ટ સમિટ ઉત્તમ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું હતું કે, ભારત દેશ ”વિકસિત ભારત” બનવા તરફ હરણફાળ ગતિએ આગળ ધપી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણકારો રોકાણ કરવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. સૌરાષ્ટ્ર અને કચ્છની આ ધરતી એ શીખવ્યું છે કે, પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, જો ઈમાનદારી અને મહેનતથી મક્કમ રહીએ તો સફળતા જરૂર મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ પરિશ્રમથી તેમનું ભાગ્ય બદલ્યું છે.

હાઈ-ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ

સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભૂમિકા ખૂબ મોટી છે, એમ કહી જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં જ અઢી લાખથી વધુ MSME કાર્યરત છે. રાજકોટમાં સ્ક્રૂ-ડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને રોકેટ સુધીના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રદેશ હાઈ-ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઈનને સપોર્ટ કરે છે.

મોરબી, જામનગર અને રાજકોટ મિની જાપાન

મોરબીની વાત કરતાં વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબી આજે ટાઇલ્સના મોટા ઉત્પાદકોમાનું એક છે અને વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. એક સમયે મેં મોરબી, જામનગર અને રાજકોટના ત્રિકોણને ‘મિની જાપાન’ બનાવવાનું સપનું જોયું હતું, તે આજે હકીકત બની રહ્યું છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન આજે આધુનિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર છે, જ્યાં ભારતની પહેલી સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી તૈયાર થઈ રહી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છ આજે ગ્રીન ગ્રોથ અને એનર્જી સિક્યોરિટીનું પણ હબ બની રહ્યા છે. કચ્છમાં 30 ગીગાવોટની ક્ષમતા ધરાવતો દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, જે પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે.

બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,(PM Modi in VGRC 2026) આજે ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ભારત માત્ર પ્રતિબદ્ધતા જ નહીં, પરંતુ ‘કોમર્શિયલ સ્કેલ રિયાલિટી’ સાથે આગળ વધી રહ્યું છે. ગ્રીન હાઈડ્રોજનના સામર્થ્યથી સૌ પરિચિત છે અને ભારતમાં આ દિશામાં અભૂતપૂર્વ ઝડપી સ્કેલ પર કામ થઈ રહ્યું છે, જેમાં કચ્છ અને જામનગર ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનના મોટા કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. કચ્છમાં સ્થાપિત કરવામાં આવી રહેલી વિશાળ ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’ (BESS) દ્વારા રિન્યુએબલ એનર્જીની સાથે ગ્રીડ સ્ટેબિલિટી અને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

ઓટોમોબાઈલ એક્સપોર્ટના મેજર હબ

સૌરાષ્ટ્ર અને કચ્છના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું કે, આ પ્રદેશ વિશ્વકક્ષાના બંદરોથી સજ્જ છે, જ્યાંથી ભારતની નિકાસનો મોટો હિસ્સો પસાર થાય છે. પિપાવાવ અને મુંદ્રા જેવા બંદરો આજે ભારતના ઓટોમોબાઈલ એક્સપોર્ટના મેજર હબ બની ચૂક્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઉદ્યોગો માટે સજ્જ માનવબળ તૈયાર કરવામાં પણ ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસની આંતરરાષ્ટ્રીય ઈકોસિસ્ટમ ઉપલબ્ધ છે. ગુજરાત સરકારની ‘કોશલ્ય સ્કીલ યુનિવર્સિટી’ ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની યુનિવર્સિટીઓના સહયોગમાં યુવાનોને ફ્યુચર-રેડી સ્કીલ્સ માટે તૈયાર કરી રહી છે.

રોકાણની સાથે ટેલેન્ટ પાઈપલાઈન

આ ઉપરાંત, દેશની પ્રથમ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા રોડ, રેલવે, એરવેઝ, વોટરવેઝ અને લોજિસ્ટિક્સ જેવા દરેક ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની બે અગ્રણી યુનિવર્સિટીઓએ પણ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કર્યા છે, જે દર્શાવે છે કે અહીં રોકાણની સાથે ટેલેન્ટ પાઈપલાઈન પણ સુનિશ્ચિત છે.

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર વિશે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, અહીં નેચર, એડવેન્ચર, કલ્ચર અને હેરિટેજનું અદભૂત મિશ્રણ છે. લોથલમાં બની રહેલું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભારતની સાડા ચાર હજાર વર્ષ જૂની દરિયાઈ વિરાસતનું પ્રતીક છે. કચ્છનું રણોત્સવ અને ત્યાંની ટેન્ટ સિટી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. વન્યજીવ પ્રેમીઓ માટે ગીર ફોરેસ્ટમાં એશિયાટિક સિંહના દર્શનનો અનેરો અનુભવ છે, જ્યાં વર્ષે નવ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ શિવરાજપુર બીચ ઉપરાંત માંડવી, સોમનાથ અને દ્વારકામાં બીચ ટુરિઝમની ઘણી શક્યતાઓ છે, જ્યારે દીવ વોટર સ્પોર્ટ્સ માટે શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બની રહ્યું છે.

સૌરાષ્ટ્રનો વિકાસ

વડાપ્રધાન મોદીએ સૌરાષ્ટ્રના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કરવામાં આવતું દરેક રોકાણ ગુજરાત અને સમગ્ર દેશના વિકાસને નવી ગતિ આપશે.(PM Modi in VGRC 2026) તેમણે રવાંડાના હાઈ કમિશનરની વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારત દ્વારા રવાંડાને ભેટમાં આપવામાં આવેલી 200 ગીર ગાયોએ ત્યાંની ગ્રામીણ અર્થવ્યવસ્થાને એક મોટી તાકાત આપી છે. આજે રવાંડાના હજારો પરિવારો પાસે ગીર ગાયો છે અને ત્યાંના દરેક ઘરમાં તે જોવા મળે છે.

નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ

વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત સરકાર ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક ક્ષેત્રમાં ‘નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ’ લાવવામાં આવ્યા છે. તાજેતરમાં અમલી બનેલા GST સુધારાઓથી ખાસ કરીને MSMEને મોટો ફાયદો થયો છે. આ ઉપરાંત, ઇન્શ્યોરન્સ સેક્ટરમાં 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે, જેથી દેશના દરેક નાગરિકને વીમા કવરેજ મળી શકે. સરકારે છ દાયકા જૂના ઇનકમ ટેક્સ કાયદાને આધુનિક બનાવ્યો છે અને ઐતિહાસિક લેબર કોડ લાગુ કરીને શ્રમિકો તેમજ ઉદ્યોગો બંને માટે એક સમાન માળખું તૈયાર કર્યું છે.

ન્યુક્લિયર પાવર સેક્ટરમાં મોટા સુધારા

ભારત આજે ડેટા આધારિત ઇનોવેશન, AI રિસર્ચ અને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બની રહ્યું છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વધતી જતી પાવર ડિમાન્ડને પહોંચી વળવા માટે ન્યુક્લિયર પાવર સેક્ટરમાં પણ મોટા સુધારા કરવામાં આવ્યા છે અને સિવિલ ન્યુક્લિયર એનર્જીને ખાનગી ભાગીદારી માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જે રોકાણકારો માટે એક મોટી તક છે.

રોકાણની પાઈ-પાઈ શાનદાર વળતર

વડાપ્રધાને રોકાણકારોને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે, ભારતની આ રિફોર્મ જર્ની હવે અટકવાની નથી. તેમણે રોકાણકારો અહીં માત્ર MoU કરવા નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસ અને તેની વિરાસત સાથે જોડાયા છે અને તેમના રોકાણની પાઈ-પાઈ અહીંથી શાનદાર વળતર આપશે. વર્ષ 2027ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ(PM Modi in VGRC 2026) પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટના આયોજન બદલ ગુજરાત સરકારની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિનઃ ભૂપેન્દ્ર પટેલ

આ અવસરે સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યપ્રધાન તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વિઝન સાથે વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવીને ગુજરાતની ઉદ્યોગ સંભાવનાને વિશ્વ સમક્ષ મૂકી હતી. મહાજન, પ્રજાજન અને પ્રશાસનના પ્રયાસો તેમજ શ્રેણીબદ્ધ વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન અને રોકાણ માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે.

અનેક ક્ષેત્રોમાં ગુજરાત આજે હબ

સીએમ પટેલે કહ્યું હતું કે વાઈબ્રન્ટ સમિટની છેલ્લા બે દાયકાની સફળતાના પરિણામે રાજ્યમાં છેલ્લા 20 વર્ષોમાં રૂ. 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસની ઝાંખી આપતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત આજે “ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર” (ભવિષ્ય માટેનું વૈશ્વિક દ્વાર) બન્યું છે અને પ્રગતિના નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે. ઓટો સેક્ટર, સેમીકન્ડક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એ.આઈ., ગ્રીન એનર્જી જેવા ઉભરતા અનેક ક્ષેત્રોમાં ગુજરાત આજે હબ બનવા તરફ જઈ રહ્યું છે.

78 ટકા પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ચૂક્યા

વર્ષ 2024ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 98 હજાર જેટલા MoU થયાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તેમાંથી 25,500 MoU સૌરાષ્ટ્ર-કચ્છના હતા. તેમાંથી 78 ટકા પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ચૂક્યા છે.

જિલ્લાઓના વિકાસને નવી દિશા

કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ કોન્ફરન્સ અંગે તેમણે કહ્યું હતું કે, આ પ્રદેશના 12 જિલ્લાઓ રિન્યુએબલ એનર્જી, વર્લ્ડ ક્લાસ પોર્ટ, શિપ બિલ્ડિંગ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, કેમિકલ, ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી વગેરે જેવા ક્ષેત્રોમાં રોકાણ માટેની સુદ્રઢ ઇકોસિસ્ટમ ધરાવે છે. ગુજરાતમાં જિલ્લાઓ “વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ”ની સંકલ્પના સાકાર કરે તે માટે રાજ્ય સરકાર સ્ટેટ GDPની જેમ જ જિલ્લાના જી.ડી.પી.માં વૃદ્ધિનો કન્સેપ્ટ લાવી છે. જિલ્લાઓના વિકાસને નવી દિશા આપવા રાજ્યમાં છ રીજનલ ગ્રોથ હબ વિકસાવાઈ રહ્યા છે.

મેન્યુફેક્ચરિંગ દિશામાં ખૂબ મોટું પ્રોત્સાહનઃ હર્ષ સંઘવી

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ – સૌરાષ્ટ્ર કચ્છના ઉદઘાટ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક સમયે ઉદ્યોગ ક્ષેત્રેમાં “વાપીથી તાપી” સુધી જ ગુજરાત ઓળખાતું હતું. તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2003માં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ લોન્ચ કરીને ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ દિશામાં ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું છે.

98,000 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે

વાઈબ્રન્ટના કારણે ગુજરાતની ચારેય દિશામાં “મેન્યુફેક્ચરિંગ હબ” તરીકે અનેક સેક્ટર વિકસ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાનો શ્રૈય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આપીને સંઘવીએ જણાવ્યું હતું કે, 80 એમઓયુ સાથે શરૂ થયેલી આ ઇવેન્ટની સફળતાથી આજે 98,000 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે.

16થી વધુ દેશના પ્રતિનિધિઓ

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ વિશે માહિતી આપતાં હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, આજે 400થી વધુ એક્ઝિબિટર્સ કોન્ફરન્સ ભાગ લઈ રહ્યા છે. 16થી વધુ દેશના પ્રતિનિધિઓ રિવર્સ બાયર્સ સેલર્સ મીટમાં સહભાગી બન્યા છે. આ કોન્ફરન્સના આયોજનથી એમ.એસ.એમ.ઈ‌ સહિતના સેક્ટરને મોટો ફાયદો થશે.

Top Trending News

Somnath Swabhiman Parv: PM મોદીએ સોમનાથ દાદાને વિશેષ મરાઠી પાઘ અર્પણ કરી

13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાવરકુંડલા (અમરેલી), ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ સાત જિલ્લામાં 3540 એકરમાં નિર્માણ પામનારા 13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરાઈ હતી. તેમજ વડાપ્રધાનના હસ્તે રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે 336 એકરમાં નવનિર્મિત મેડિકલ ડીવાઈસ પાર્કનું ઇ-લોકાર્પણ કરાયું હતું.

હાલ તને હાલ, સૌરાષ્ટ્ર બતાવું

આ તકે વડાપ્રધાને શાલ અને સ્મૃતિચિહ્ન આપીને, તેમનું અભિવાદન કરાયું હતું. કલાકાર ગીતાબેન રબારીએ સૌરાષ્ટ્ર-કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતું ‘હાલ તને હાલ, સૌરાષ્ટ્ર બતાવું’ ગીત ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. તેમજ ઉપસ્થિતોએ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047’ના સંકલ્પની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી.

સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિ

આ અવસરે કેન્દ્રીય પ્રધાન નીમુબેન બાંભણીયા, સર્વે પ્રધાનો કુંવરજીભાઈ બાવળીયા, ઋષિકેશભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, રીવાબા જાડેજા, સર્વે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સર્વે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ સહિત ધારાસભ્યો, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ પ્રધાન રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, ટાટા કેમિકલ્સના એમ.ડી. આર. મુકુંદન સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ સાહસિકો, વિદેશી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

You will also like

Leave a Comment