અમદાવાદ- Dhirubhai Ambani શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર—પણ જેના મનમાં અડગ વિશ્વાસ, અખૂટ સપના અને કર્મમાં અડોલ શ્રદ્ધા હતી—એ જ યુવાન ભારતના સૌથી મોટા ઉદ્યોગ સામ્રાજ્યનો સ્થાપક બન્યો.(Birth anniversary of Dhirubhai Ambani on 28 December)
સ્વ. ધીરૂભાઈ(Dhirubhai Ambani) સાથેના મારા કાર્યકાળમાં મેં જોયેલા અને અનુભવેલા એમના વાણી , વર્તન અને વ્યવહારના ગુણોનું અનુસંધાન શ્રીમદ ભગવદ ગીતા સાથે કરવાનો પ્રયત્ન કરૂં છું ત્યારે એમ લાગે છે કે જાણે ધીરૂભાઈ અંબાણીનું જીવન એ ગીતાના શ્લોકોનું જીવંત ભાષ્ય છે.તેમણે સાબિત કર્યું કે આધ્યાત્મિક જ્ઞાન અને વ્યવહારિક જીવન વચ્ચે કોઈ અંતર નથી. જ્યારે કર્મ, કરુણા, ધૈર્ય અને દ્રષ્ટિ એકસાથે ચાલે—ત્યારે સામાન્ય માણસ પણ અસાધારણ ઇતિહાસ રચી શકે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અસમંજસમાં સપડાયેલા અર્જુનને ગીતાસાર કહી શકાય તેવો કર્મફળનો સિધ્ધાંત સમજાવતા કહે છે કે, “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન”
અર્થાત્ માનવનો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં.
ધીરૂભાઈના જીવનનું કેન્દ્રબિંદુ આ જ સિદ્ધાંત હતો. સફળતા અને નિષ્ફળતાના ડરથી પરે રહીને તેમણે પોતાનું કર્મ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. યમનમાં નાની નોકરીથી શરૂ કરીને મુંબઈમાં મસાલાની દુકાન અને પછી પોલિયેસ્ટર યાર્ન અને પેટ્રોકેમિકલ્સ સુધીનું સફરનામું, માત્ર કર્મ પર વિશ્વાસ રાખીને રચાયું હતું. ધીરૂભાઈ(Dhirubhai Ambani) હંમેશા કહેતાં કે મોટું વિચારો, ઝડપથી વીચારો અને સમય કરતાં આગળ વિચારો, વિચારો કોઇનો ઇજારો નથી. તેમની દૂરંદેશી અને મોટું વિચારવાની ક્ષમતાને કારણે જ એક જ દિવસે 100 જેટલા વિમલ સ્ટોર્સનાં ઉદ્દઘાટન થયાં, જે એક વિક્રમ બની ગયો.
શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને ધૈર્ય શીખવે છે:
“માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય… તાંસ્તિતિક્ષસ્વ ભારત”
સુખ-દુઃખ, લાભ-હાનિ ક્ષણિક છે—તે સહન કરવાનું શીખ.
ધીરૂભાઈના(Dhirubhai Ambani) જીવનમાં આવેલા અનેક સંઘર્ષો અને ચડાવ-ઉતારથી ભાગ્યે જ કોઇ વાકેફ નહીં હોય. લાઇસન્સ-પરમિટ રાજ, વ્યાવસાયિક હરીફો દ્વારા ઊભી કરવામાં આવેલી અડચણો, શેરબજારના ઉતાર-ચઢાવ, મીડિયા અને તંત્રની શંકા-કુશંકાઓ—આ બધાની વચ્ચે તેઓ ક્યારેય હતાશ થયા નહીં. તેમણે દરેક સંકટને ક્ષણિક માન્યું, અંતિમ સત્ય નહીં. આ જ ધૈર્ય તેમને આગળ ધપાવતું રહ્યું. રિલાયન્સ દ્વારા જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી સ્થાપવા માટે જમીન સંપાદનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું ત્યારે સ્થાપિત હિતો દ્વારા ઊભી કરવામાં આવેલી અડચણોને કારણે જમીન સંપાદન રદ થયું. છતાં પણ તેમણે હાર માની નહીં અને પોતાના પ્રયત્નો છોડ્યા નહીં. એનું જ પરિણામ છે કે તેઓ ભારતને ઓઇલના નેટ ઇમ્પોર્ટરમાંથી નેટ એક્સપોર્ટર બનાવી શક્યા.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જય-પરાજય, સફળતા-નિષ્ફળતામાં સમભાવ રાખવાનો બોધ આપે છે. ધીરૂભાઈ માટે નફો-નુકસાન માત્ર આંકડા હતા, આત્મવિશ્વાસનો માપદંડ નહીં. શેર બજાર ધરાશાયી થયું ત્યારે પણ તેમણે નાના રોકાણકારોને વિશ્વાસ આપ્યો—“આ દેશમાં રોકાણ કરો, ભારત પર વિશ્વાસ રાખો.” કોઇપણ વ્યક્તિના જીવનમાં આવતા પડકારોને તે કઇ રીતે પોતાની કુનેહ અને કોઠાસૂઝથી તકમાં પરીવર્તીત કરે છે, તેના પર જ તેની સફળતાનો આધાર રહેલો હોય છે.
જ્યારે જ્યારે ધીરૂભાઈના(Dhirubhai Ambani) જીવનમાં આવા પડકારો આવ્યા ત્યારે નિષ્ફળતાથી ડર્યા વિના તેમણે તેને આગળ વધવા માટેના માઇલસ્ટોનમાં પરીવર્તીત કર્યા. શેરબજારમાં રિલાયન્સના શેરના ભાવ ગગડાવવા માટે કોલકતા (તે સમયે કલકત્તા)ની બીયર કાર્ટેલે કારસો રચ્યો. પરંતુ ધીરૂભાઈએ તેમને જડબાતોડ જવાબ આપીને પોતાના શેરધારકોનો આત્મવિશ્વાસ વધાર્યો. તેમના હરીફોએ બજારમાં અફવા ફેલાવી કે ધીરૂભાઈને મોટું નુકસાન ગયું છે અને તેઓ લેણદારોને નાણાં ચૂકવી શકે તેમ નથી, તેવા સમયે ધીરૂભાઈ સામેથી લેણદારોને પોતાના નાણાં લઇ જવા માટે આમંત્રણ આપ્યું અને જે લોકો નાણાં લેવા આવ્યા તેમને ચૂકવ્યા પણ ખરા. આ જ કારણે બજારમાં તેમની શાખમાં અત્યંત વધારો થયો અને નાણાં ધીરનારા લોકો તેમને સન્માનની નજરે જોતા થયા.
એવી જ રીતે, સફળતામાં પણ છકી ન જવું એ ધીરૂભાઈનો સ્વભાવ હતો. સફળતાની ઇમારતની ટોચ પર રહેવા છતાં તેમના પગ હંમેશા જમીન પર રહેતા. તેઓ પોતાના ખરાબ સમયમાં સાથ આપનારા વ્યક્તિઓને ક્યારેય ભૂલ્યા ન હતા. આમ સમભાવ જ તેમને લાંબા ગાળાની સફળતા તરફ લઈ ગયો.
ગીતા આત્મવિશ્વાસ વિશે કહે છે:
“આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ”
માનવ પોતાનો મિત્ર પણ છે અને શત્રુ પણ.
Most Watched Video News
Stock Market India: શેરબજારમાં મોટો ઘટાડો, હવે આગામી સપ્તાહે શું થશે?
ધીરૂભાઈ અંબાણીનો(Dhirubhai Ambani) સૌથી મોટો સહારો હતો—પોતે. તેઓ પોતાના વિચારો પર વિશ્વાસ રાખતા. ઘણી વખત નિષ્ણાતોએ કહ્યું—“આ શક્ય નથી.” પરંતુ ધીરૂભાઈએ પોતાના આત્મવિશ્વાસને ક્યારેય કમજોર થવા દીધો નહીં. તેમના શબ્દકોશમાં Impossible શબ્દ નહોતો. ગીતા જે આત્મઉદ્ધારની વાત કરે છે, તે તેમણે જીવનમાં ઉતારી.
નેતૃત્વના ગુણ અંગે ગીતા સ્પષ્ટ કહે છે:
“યદ્ યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ”
શ્રેષ્ઠ વ્યક્તિ જે કરે છે, સમાજ તેને અનુસરે છે.
ધીરૂભાઈ માત્ર ઉદ્યોગપતિ નહોતા, તેઓ પ્રેરક નેતા હતા. તેમણે ભારતીય મધ્યવર્ગને શેરબજાર સાથે જોડ્યો, જેના કારણે કેટલાય લોકોના સંતાનોના લગ્નપ્રસંગો સારી રીતે યોજાયા હોવાના અનેક દાખલા છે. રિલાયન્સ માત્ર કંપની નહીં, પણ તેના નામ પ્રમાણે વિશ્વાસનો પર્યાય બની. તેમના કર્મચારીઓ માટે તેઓ માલિક નહીં, માર્ગદર્શક હતા. તેમના નેતૃત્વમાં આદેશ કરતાં પ્રેરણા વધારે હતી—જે ગીતા દર્શાવેલા આદર્શ નેતૃત્વનું જીવંત ઉદાહરણ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ધીરૂભાઈ અંબાણીનું જીવન—બન્ને આપણને એક જ સંદેશ આપે છે: ફળની ચિંતા છોડો, કર્મ પર વિશ્વાસ રાખો; સંકટોમાં ધૈર્ય રાખો; આત્મવિશ્વાસ અને નિર્ભયતાથી મોટા સપના જુઓ; અને પોતાના આચરણથી સમાજને દિશા આપો.
લેખકઃ પરિમલ નથવાણી
(પરિમલ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભા સાંસદ છે)