Gujarat Budget 2026: નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ નવા કરવેરા વગર રૂ.1184 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું

by Gujarati biz news

ગાંધીનગર- Gujarat Budget 2026 ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ((Gujarat Finance Minister Kanubhai Desai) આજે 18 ફેબ્રુઆરી, 2026ને બુઘવારે બપોરે એક વાગ્યે બજેટ 2026 રજૂ કર્યું છે. આ વર્ષે તેઓ તેમના કાર્યકાળનું પાંચમું બજેટ રજૂ કર્યું છે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કરેલ બજેટની સાઈઝ રૂપિયા 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ કર્યું છે. તેમજ આ બજેટમાં કોઈ જ નવા કરવેરા લાદવામાં આવ્યા નથી, ઉલ્ટાનું 210 કરોડનો કરવેરામાં ઘટાડો કર્યો છે. તે સાથે વર્ષ 2026-27 માટેનું બજેટ રૂપિયા 1184 કરોડની પુરાંતવાળું રજૂ કર્યું છે.

210 કરોડનો કરવેરામાં ઘટાડો

ગ્રીન ગ્રોથને આગળ વધારતાં ઈલેક્ટ્રિક વાહનો પર 6 ટકા સુધી ઉચ્ચક વાહનવેરો અમલમાં હતો. તેવા સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનો પર 1 વર્ષ માટે 5 ટકા સુધી રીબેટ આપી માત્ર એક ટકો વેરાનો દર રાખવામાં આવ્યો હતો. આ નિર્ણયની જાહેરાત માત્ર એક વર્ષ માટે હતો. પણ આ બજેટ 2026-27માં આ રીબેટને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. જેનાથી જનતાને આશરે રૂપિયા 210 કરોડની કરવેરા રાહત મળશે.

Live Update…..

ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ ગુજરાતની સમગ્ર જનતા વતી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન વિકસિત ભારત@૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં જ GST માં કરેલ ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદશકિતમાં વધારો થયેલ છે.  વધુમાં, શ્રમ અધિનિયમમાં કરેલ સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક સાથે તેમના સન્માનમાં વધારો થયો છે.

​આપને જણાવતાં આનંદ થાય છે કે, આપણને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી છે તેનો સંપૂર્ણ યશ ખેલમહાકુંભની શરૂઆત કરાવનાર ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને આપણા વડાપ્રધાન મોદીને જાય છે.

ગુજરાતની સ્થાપનાનાં 75 વર્ષ સને 2035માં પૂર્ણ થઇ રહ્યાં છે. આ અમૃતકાળના સોનેરી અવસરે વિકસિત ગુજરાત@2047ની વિકાસ યાત્રાને વેગ આપવા ગુજરાત@2035ના રોડમેપ સાથે અમે આગળ વધી રહ્યાં છીએ.

​અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલ અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન(PM JANMAN) હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને “બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય” તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2025માં એનાયત કરવામાં આવ્યો છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્‍ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલીમેન્ટેશન ઓફ AI, ઇન્‍ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.

જેનાથી યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે. સેમી કન્‍ડક્ટર્સ અને હાઇ વેલ્યુ મેન્યુફેક્ચરીંગમાં વધુ વેગ આવશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્‍સ વધુ અસરકારક બનશે. તેમજ રીન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક રૂપિયા 3 લાખ 1 હજાર (રૂપિયા 3,01,000) છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60 ટકાથી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવેલ છે.

એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે રૂપિયા 4,272 કરોડની જોગવાઇ સૂચવું છું.

સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 1 લાખ 35 હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ રૂપિયા 869 કરોડની જોગવાઇ કરું છું.

નાગરિકોની અન્નસુરક્ષાના અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા 53 હજારથી વધુ આંગણવાડી કેન્‍દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે રૂપિયા 360 કરોડની જોગવાઇ સૂચવું છું.

​ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. “પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)” યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરેલ છે. જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે રૂપિયા 3,472 કરોડની જોગવાઇ સૂચવું છું.

​ગરીબ અને મધ્યમવર્ગના દંપતીઓને ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર, અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતિકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે.

બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્‍દ્રમાં વધારો કરતાં નવા 121 કેન્‍દ્ર કાર્યરત કરવામાં આવશે. તેમજ શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતાં કુલ 154 ધન્‍વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ રૂપિયા 260 કરોડની જોગવાઇ સૂચવું છું.

VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવેલ છે. જેમાં કામના દિવસો 100થી વધારી 125 કરવામાં આવેલ છે. જેના માટે કુલ રૂપિયા 1500 કરોડનું આયોજન કરેલ છે.

ગુજરાતની વસ્તીમાં 36 ટકા કરતાં વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 5,967 કરોડની જોગવાઇ શિષ્યવૃત્તિ માટે કરું છું.

ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક રૂપિયા 2 લાખ 50 હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 2 લાખ 50 હજારથી વધારીને રૂપિયા 6 લાખ કરવાની જાહેરાત કરું છું.

આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્‍ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય રૂપિયા 2160માં રૂ.340નો વધારો કરી રૂ.2500 કરવાની જાહેરાત કરું છું.

અત્યાધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ 926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.

​“એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય”ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે રૂ. 120 કરોડની જોગવાઇ સૂચવું છું.

​ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં રૂ. 100 કરોડની જોગવાઇ સૂચવું છું. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધેલ છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં 19 ટકા જેટલો વધારો થયેલ છે. જેના માટે રૂ.250 કરોડની જોગવાઇ સૂચવું છું.

​દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્‍સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્‍સ આપવા તેમજ અન્ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે.

અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે. ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા રૂ. 226 કરોડની જોગવાઇ સૂચવું છું.

​યુવાનોને રોજગારી માટે કૌશલ્યપૂર્ણ તાલીમ આપવાના હેતુથી “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ એક લાખથી વધુ એપ્રેન્‍ટીસ તાલીમ મેળવે છે. આ યોજના સેવાક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્‍ટીસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક રૂ.3,000 સુધીની સહાય આપવા રૂ. 80 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઇ.આઇ.ટી.ના મોડલ પર એલ.ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા રૂ. 51 કરોડની જોગવાઇ સૂચવું છું.

અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્‍ટર સ્થાપવામાં આવશે. જેના માટે રૂ. 80 કરોડની જોગવાઇ સૂચવું છું.

સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારની નીતિઓથી યુવાનોને “વિચારથી વ્યવસાય” સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે. યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચી અને સાહસના કારણે અત્યાર સુધી આશરે 16 હજાર જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે. જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા “બેસ્ટ પરફોર્મર સ્ટેટ”નો એવોર્ડ મળેલ છે. જે બદલ રાજ્યના યુવાનોને હું અભિનંદન પાઠવું છું.

​દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે રૂ. 1775 કરોડની જોગવાઇ સૂચવું છું.

​ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં 25 જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં રૂ.1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. 50 કરોડના રોકાણથી 120 મીની GIDCના નવીનીકરણનું આયોજન છે.

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું.

​રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” અંતર્ગત રૂ. 67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે રૂ. 2755 કરોડની જોગવાઇ સૂચવું છું.

​રાષ્ટ્રની માલસામાન નિકાસમાં 26 ટકાથી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરું છું.

​રાજ્યએ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ(જોગવાઇઓમાં સુધારા) અધિનિયમ, 2025 અમલમાં મૂક્યો છે. જેમાં 11 અધિનિયમો તથા 516 જોગવાઇઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યાં છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી અને ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે “વોકલ ફોર લોકલ”ની પહેલ હેઠળ તમામ જિલ્લાઓનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાના અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને “એક જિલ્લો, એક ઉત્પાદન” અંતર્ગત પસંદ કરવામાં આવ્યાં છે. આ ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા રૂ. 11 હજાર કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવેલ છે.

“વાવણીથી વેચાણ સુધી” ખેડૂતની સાથે રહી તેને ચડ-ઉતર થતા બજારના ભાવોમાં મદદ કરવા 9 લાખ 50 હજારથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 18 હજાર કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરેલ છે.

ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂ. 1565 કરોડની જોગવાઇ સૂચવું છું.

વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટીંગ અને બ્રાન્‍ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડીંગ અને સર્ટીફીકેશન સહાય માટે રૂ. 39 કરોડની જોગવાઇ સૂચવું છું.

​રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટે છ (6) સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે રૂ. 12 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યમાં બાગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા બે વર્ષમાં લગભગ બે લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ-શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટનથી વધુ થયું છે. રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતાં “પર ડ્રોપ મોર ક્રોપ” સૂક્ષ્મ સિંચાઇ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 25 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે.

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂ. 1237 કરોડ, સૌની યોજના માટે રૂ. 473 કરોડ તથા કચ્છની યોજના માટે રૂ. 1333 કરોડ એમ કુલ રૂ. 3043 કરોડની જોગવાઇ સૂચવું છું.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે રૂ. 958 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે રૂ. 1340 કરોડની જોગવાઇ સૂચવું છું.

પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10 ટકાથી વધુ લઇ જવાનું આયોજન છે.

​રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે રૂ. 500 કરોડની જોગવાઇ કરું છું.

​ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા રૂ. 1539 કરોડની જોગવાઇ કરું છું.

સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે રૂ. 112 કરોડની જોગવાઇ સૂચવું છું.

મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘લખપતિ દીદી’ અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ-રોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયોને સ્કેલ-અપ કરવા રૂ. 47 કરોડની જોગવાઇ સૂચવું છું.

સખી મંડળ સ્વ-સહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યા છે. સ્વ-સહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલ-અપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય આપવા રૂ. 45 કરોડની જોગવાઇ કરું છું.

3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત રૂ. 972 કરોડની જોગવાઇ સૂચવું છું.

નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે રૂ. 1250 કરોડની જોગવાઇ કરું છું.

મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” જાહેર કરું છું. જેના માટે રૂ. 40 કરોડની જોગવાઇ સૂચવું છું.​

વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે રૂ. 2848 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્ય સરકાર દ્વારા 1091 મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્ટેશનો અને CCTV નેટવર્ક દ્વારા મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.

રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ 6 (છ) ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યાં છે. જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર કરેલ છે. જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે. જેના માટે રૂ. 2,000 કરોડની જોગવાઇ કરું છું.

50 હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફતે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સરકારનો દ્રઢ સંકલ્પ છે. જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં રૂ. 10 હજાર કરોડની જોગવાઇ કરું છું. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબાગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ રૂ. 3,000 કરોડની જોગવાઇ કરું છું. આ પ્રોજેકટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઇવે બની રહેશે.

ધોલેરા SIR ખાતે ફેઝ-1 હેઠળ લોજિસ્ટિક એન્‍ડ ટ્રંક ઇન્‍ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં, ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ તથા સ્માર્ટ ICT સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેનાથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વૈશ્વિક કેન્દ્ર બનશે. જેના માટે વિકસિત ગુજરાત ફંડ સહિત કુલ રૂ. 610 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે રૂ. 150 કરોડની જોગવાઇ કરું છું.

આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે રૂ. 613 કરોડની જોગવાઇ કરું છું.

​તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે રૂ. 300 કરોડની જોગવાઇ સૂચવું છું.

Gujarat Unified Digital Stackની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે રૂ. 100 કરોડનું આયોજન છે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્‍ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન” અંતર્ગત રૂ. 500 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે રૂ. 100 કરોડની જોગવાઇ કરું છું.

​ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે State Disaster Mitigation Fundની વ્યવસ્થા કરેલ છે. જેના માટે રૂ. 1855 કરોડનું આયોજન છે.

​રાજ્યની 48 ટકાથી વધુ વસ્તી શહેરોમાં વસે છે. નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ 17 ટકા જેટલો વધારો કરી રૂ. 16 હજાર 116 કરોડની જોગવાઇ કરું છું.

રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં રૂ. 100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાનું આયોજન છે.

રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્‍ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.

ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે. જેનાથી રમતગમત, પ્રવાસન, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણ વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે. તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબાગાળા માટે નિર્માણ થશે.

​આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ રૂ. 1278 કરોડની જોગવાઇ સૂચવું છું.

ઘર સુધી નિયમિત ગુણવત્તાયુકત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો- “જીવન ધારા” અમલમાં મૂકવામાં આવશે. જેના માટે રૂ. 100 કરોડની જોગવાઇ કરું છું.

ગુજરાત “ડમ્પ ફ્રી” રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત 253 લાખ મેટ્રીક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરેલ છે. તેમજ બાકી રહેતી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે રૂ. 5600 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યના અલગઅલગ વિસ્તારોના આશરે 1155 કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે ઘોષિત કર્યા છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે રૂ. 800 કરોડની જોગવાઇ સૂચવું છું.

ગુજરાત આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025-26માં 22 કરોડથી વધુ પ્રવાસીઓ રાજ્યના મહેમાન બન્યા છે.

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને “ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે ઉજવવાની જાહેરાત કરું છું.

​વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ઉભરી આવ્યું છે. જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે. જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂ. 236 કરોડની જોગવાઇ કરું છું.

અમારી સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કર્યો છે. માનનીય વડાપ્રધાનના ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ના વિઝનને સાકાર કરવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાના આયોજન માટે કુલ રૂ. 95 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે “વેડ ઇન ગુજરાત(Wed in Gujarat)” કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડીંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે.

અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે “અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન” અંતર્ગત રૂ. 300 કરોડની જોગવાઇ સૂચવું છું.

પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ. 55 કરોડની જોગવાઇ સૂચવું છું.

સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. તેમજ વિસાવડા-પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા કુલ રૂ. 60 કરોડની જોગવાઇ કરું છું.

રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે રૂ. 447 કરોડનું આયોજન છે.

જાહેર પરીવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2463 જેટલી નવી બસો, જેમાં 500 AC ઈલેકટ્રીક બસો મૂકવાનું આયોજન છે. તેમજ આદિજાતિ વિસ્તારમાં વસતાં ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ અર્થે આવતા શ્રમિકો માટે 500 મીડી બસ મૂકવામાં માટે કુલ રૂ. 1286 કરોડની જોગવાઇ કરું છું.

​કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્‍બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે રૂ. 97 કરોડની જોગવાઇ સૂચવું છું.

અરવલ્લી પર્વતમાળાની આસપાસ ગ્રીન બેલ્‍ટ બનાવવાના હેતુથી તેમજ રાજ્યની પ્રમુખ નદીઓના બંને કાંઠે વૃક્ષોના સઘન વાવેતર થકી ધોવાણ અટકાવવા માટે રૂ. 32 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે ‘જૂની શરત’ની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે.

​કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલા વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ-112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ આવરી લીધેલ છે. જેથી ઇમરજન્‍સી રિસ્પોન્‍સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું ત્રણ હજાર માનવબળ ઊભુ કરવાનું આયોજન છે.

​ગુજરાત પોલીસ માટે Data Fusion Centre & Centre of Excellence for AI in Policingની સ્થાપના કરવામાં આવશે. જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે. આ પ્રોજેકટ માટે રૂ. 60 કરોડની જોગવાઇ સૂચવું છું.

​રાજ્યના કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજીથી આગામી પાંચ વર્ષમાં 20,444 જેટલા રહેણાક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન છે. જે માટે આ બજેટમાં રૂ. 1571 કરોડની જોગવાઇ સૂચવું છું.

વર્ષ 2026-27નું રૂપિા 4 લાખ 8 હજાર 53 કરોડનું (રૂપિયા 4,08,053 કરોડ) વિક્રમી બજેટ રજૂ થયું છે.

 

8 વર્ષમાં બજેટ સાઈઝમાં 2 ગણો વધારો

ગત વર્ષ 2025ના બજેટમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ખેડૂતોને ધ્યાનમાં રાખીને અનેક જાહેરાતો કરી હતી. ગત વર્ષ રજૂ કરાયેલ બજેટ 3,70,250 કરોડની સાઈઝનું બજેટ રજૂ થયું હતું. જે 11.37 ટકાનો નોંધપાત્ર વધારો કરાયો હતો. છેલ્લા 8 વર્ષમાં બજેટ સાઈઝમાં 2 ગણો વધારો થયો છે. સુત્રોના કહેવા મુજબ(Gujarat Budget 2026) આ વર્ષ 2026નું બજેટની સાઈઝ વધુ વધીને 4 લાખ કરોડ સુધી પહોંચે તો નવાઈ નહી.

સારી આવક અને સારું જીવન

બજેટ 2025 એ સારી આવક અને સારુ જીવન આ બે સ્તંભો પર કેન્દ્રિત હતું. વિકસિત ભારત@2047 અને વિકસિત ગુજરાત 2047ના વીઝનને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ બજેટમાં જણાવ્યું હતું. બજેટ 2025એ જ્ઞાન થીમ પર કેન્દ્રીત બજેટ હતું. ગરીબ, યુવા, અન્નદાતા(ખેડૂત) અને નારી(મહિલા) કેન્દ્રીત બજેટ હતું. દરેક પરિવારને સશક્ત બનાવવું, દરેક જીવનને સમૃદ્ધ બનાવવું. કૌશલ્ય, નવીનતા, આગેવાની દ્વારા આગામી પેઢીને સશક્ત બનાવવી. કૃષિ વિકાસને વેગ આપવો અને ગ્રામીણ સમૃદ્ધિનું નિર્માણ કરવું. મહિલા સશક્તિકરણ કરવું તેમજ સમાવેશી વિકાસને વેગ આપવો જેવા ધ્યેય અને સંકલ્પ સાથે બજેટ(Gujarat Budget 2026) રજૂ કરાયું હતું.

પાંચ વર્ષમાં જીડીપીમાં 1.6 ગણો વધારો

ગુજરાતનું નેશનલ જીડીપીમાં યોગદાન પર નજર કરીએ તો 2000-2001માં ગુજરાતનો જીડીપી 5.1 ટકા હતો, જે 2010-11માં વધીને 6.7 ટકા થયો હતો અને હવે 2025-26માં જીડીપી 8.3 ટકા થયો હતો. જે જીડીપીમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં 1.6 ગણો ગ્રોથ નોંધાયો છે.

બરોજગારી દર ઘટ્યો

ગુજરાતનો બેરોજગારીનો દર 2019-20માં 2.2 ટકા હતો, જે 2023-24માં ઘટીને 1.2 ટકા થયો હતો. જે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો છે. ગુજરાતની માથાદીઠ આવક લગભગ રૂપિયા ત્રણ લાખ અને રાષ્ટ્રીય માથાદીઠ આવક કરતાં 1.5 ગણી વધારે છે.

રાજકોષીય ખાદ્ય મર્યાદા કરતાં ઓછી

ગત 2025ના વર્ષના બજેટના આંકડા મુજબ જોઈએ તો ગુજરાતનો મૂડી ખર્ચ રૂપિયા 1,33,889 કરોડ હતો, જે 22.9 ટકાનો વધારો સુચવે છે. તેમજ ગુજરાતનો મહેસુલી ખર્ચ રૂપિયા 2,31,857 કરોડ હતો, જે 7.7 ટકાનો વધારો દર્શાવે છે. રાજકોષીય ખાદ્ય સતત જીએસડીપીના 3 ટકાની મર્યાદાથી ઓછી 1.96 ટકા નોંધાઈ હતી. છેલ્લા છ વર્ષમાં ગુજરાતની કરવેરાની આવકમાં બે ગણાથી વધુ વધારો નોંધાયો છે.(Gujarat Budget 2026) બજેટ 2026માં જીએસટી રીફોર્મ્સ થયા અને જીએસટીના બે સ્લેબ કાઢી નાંખ્યા પછી ગુજરાતમાં કરવેરાની આવકની સ્થિતિ શું છે, તેનો ચિતાર બજેટમાં જોવા મળશે.

You will also like

Leave a Comment