પવિત્ર નાગા સાધુઓની રવેડીનો રૂટ લંબાવ્યો
ગાંધીનગર- Mahashivratri 2026 ગુજરાતના જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે શુક્રવારે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા.
સંતોની અલૌકિક નગરયાત્રા
આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ(Mahashivratri 2026) મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.
મીની કુંભ
મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં(Mahashivratri 2026) પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ 1.50 કિલોમીટર નો હોય છે, જેમાં 500 મીટરનો વધારો કરીને આ વર્ષે બે કિલોમીટર કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.

ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતાં લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે, જેની સંખ્યા વધારીને આ વર્ષે 2,900થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
જૂનાગઢને રોશનીથી શણગારાશે
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે(Mahashivratri 2026) મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. 300 થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
Top Trending News
Mahashivratri 2026: શું તમારે માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરવી છે?
ગીતનું લોન્ચીંગ કરાયું
આ બેઠકમાં(Mahashivratri 2026) મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યપ્રધાને નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે.
બેઠકમાં સાધુ સંતોની ઉપસ્થિતિ
આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્ય પ્રધાન ડૉ.જયરામ ગામીત, સાધુ સંતો, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.