ગાંધીનગર- Marriage Registration in Gujarat ગુજરાતમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. લવ જેહાદ વિરુદ્ધ ગુજરાત સરકારે વધુ કડક નિયમો બનાવ્યા છે. પ્રેમ લગ્ન પહેલા નવા નિયમો અનુસાર જ લગ્નની નોંધણી કરાવવાની રહેશે.
લાખો માતાની વેદના
ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે શુક્રવારે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર રજૂ કર્યા છે.(Marriage Registration in Gujarat) ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે લગ્ન નોંધણી બાબતે રાજ્યની લાખો માતાઓની વેદનાની વાચા આપવા માટે લગ્ન નોંધણીના નિયમો વધુ કડક કરાયા છે અન સાથે ટ્રાન્સપરન્સી કરી છે.
ધરખમ સુધારા
ગુજરાત વિધાનસભાના ગૃહમાં નાયબ મુખ્ય હર્ષ સંઘવીએ નિયમ ૪૪ હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબત પર નિવેદન આપ્યું હતું. રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને જાળવી રાખવા માટે સરકાર ‘ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006’ના નિયમોમાં રહેલી લગ્ન નોંધણી પ્રક્રિયામાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે.(Marriage Registration in Gujarat ) આ સુધારા અંતર્ગત હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને સામેલ કરવામાં આવ્યા છે.
પ્રેમ જાળમાં ફસાવી બોગસ લગ્નો રોકાશે
લગ્ન નોંધણીમાં ‘છળકપટ’ રોકવા લાવવામાં આવેલા આ સુધારાઓ અંગે નાયબ મુખ્યપ્રધાને ગૃહમાં વેદના સાથે જણાવ્યું હતું કે, રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક છટકબારીને કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પોતાની સાચી ઓળખ છુપાવી, લાલચ આપી કે છળકપટથી રાજ્યની દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે. પંચમહાલ જિલ્લામાં અનેક બોગસ લગ્નો નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પંચમહાલના કંકોડાકોઈ અને નાથકુવા જેવા ગામોમાં, જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, ત્યાં તલાટી-કમ-મંત્રી દ્વારા સેંકડો ‘નિકાહ’ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જે ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
એક કમિટીની રચના થશે
આ નવા નિયમો અંગે રાજ્યના નાગરિકો પાસેથી 30 દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. એક કમિટીની રચના કરવામાં આવશે જે બંધારણીય મર્યાદામાં રહીને યોગ્ય સૂચનો ધ્યાને લઈ તેનો અમલ કરવામાં આવશે.
દીકરી તુલસીનો ક્યારો
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દીકરી જ્યારે જન્મે છે ત્યારે પિતાના આંગણામાં તુલસીનો ક્યારો બનીને ઉછરે છે. લવ-મેરેજનો વિરોધ નથી, પણ ‘છેતરપિંડી’ અને ‘બળજબરી’ સામે આ સરકાર ચોક્કસપણે સખત પગલા લેશે. આ સરકાર દરેક દીકરીના સન્માનની અને આપણી સનાતન પરંપરાની રક્ષક છે.
લવ જેહાદ અંગે ચિંતા
હર્ષ સંઘવીએ ‘લવ જેહાદ’ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઓળખ છુપાવીને થતા લગ્નો એ આપણી સંસ્કૃતિ પરનું આક્રમણ છે. સનાતન પરંપરા અને ભારતની લગ્ન વ્યવસ્થાને બચાવવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, “કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીને ફસાવશે તો આ સરકાર એવા હાલ કરશે કે તે ભવિષ્યમાં કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે.”
30 જેટલી બેઠકો પછી નિર્ણય
રાજ્યની અનેક સામાજિક સંસ્થાઓ સાથે છેલ્લા ત્રણ મહિનામાં કાયદા અને ન્યાય વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન કૌશિક વેકરિયાએ પણ 30 જેટલી બેઠકો યોજીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુચિત નવી લગ્ન નોંધણીની પદ્ધતિ
સ્ટેપ-01
લગ્ન નોંધણીની અરજી બન્ને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અન તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતાં ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.
સ્ટેપ-02(એ)
સરકાર દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકુમત ધરાવતાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમુનો- I (આઈ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.
વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ
વર-વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા
વર-વધુના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઈઝના ફોટા
વર-વધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ
સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઈઝના ફોટા
અરજી સાથે વર-વધુએ તેમના માતા પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન

વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
(1) માતા પિતાનું આધાર કાર્ડ
(2) પિતાનું પુરુ નામ
(3) પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પુરી વિગતો સાથે
(4) પિતાનો મોબાઈલ નંબર
(5) માતાનું પુરુ નામ
(6) માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પુરી વિગતો સાથે
(7) માતાનો મોબાઈલ નંબર
સ્ટેપ-03(એ)
આસિસ્ટન્ટ રજિસ્ટારને ખાતરી-સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમાં વ્યવહારુ શક્ય ને તે રીતે વર-વધુના માતા પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઈલેક્ટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે(સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)
સ્ટેપ-03(બી)
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સંબધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે. રજિસ્ટ્રારને ખાતરી થયેથી પેટા નિયમો(1થી 7)માં દર્શાવ્યા મુજબની પુર્તતા થયા બાદ 30 દિવસ પૂર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે.
સ્ટેપ-04
રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકાર દ્વારા બનાવવામાં આવનાર પોર્ટલ પર મુકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મુકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-2 મુજબ તૈયાર કરવામાં આવશે અને પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો….
Holi in Gujarat: ગુજરાત એસટી નિગમ 1300 વધારાની બસો દોડાવશે, દ્વારકા અને ડાકોર માટે કેટલી બસ મુકાઈ?