સોમનાથ- Somnath Temple History ગુજરાતના પ્રભાસ પાટણની આ પવિત્ર ધરતી અનેક ઐતિહાસિક ધરોહરો અને સભ્યતાઓ સાચવીને બેઠી છે. આ ભૂમિ કેટલી પવિત્ર, સમૃદ્ધ અને સ્વર્ણિમ અતીત ધરાવે છે તેના વૈભવની અહીંના તામ્રપત્રો, અભિલેખો, શિલાલેખો ગવાહી આપે છે. આજે પણ શૌર્ય ગાથાની ગર્વભેર રણગર્જના કરતા પાળિયાઓ આ સોમનાથ ભૂમિના પરાક્રમની સાક્ષી પૂરે છે.
ઈતિહાસના પુરાવા આપતાં શિલાલેખો
પ્રભાસ પાટણ અને સોમનાથ દેવાલયના ઈતિહાસને(Somnath Temple History) ઉજાગર કરતા આભિલેખિક પુરાવા, પ્રમાણભૂત અવશેષો પ્રભાસ ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ આવેલા છે. સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રના દેદીપ્યમાન અમર ઇતિહાસના પુરાવા આપતા શિલાલેખ અને તામ્રપત્ર પ્રભાસ પાટણ મ્યુઝિયમના હસ્તક સચવાયેલા છે. અનેક આક્રમણોથી ધ્વસ્ત મંદિરના અવશેષો શૌર્ય, શક્તિ અને સમર્પણના જીવંત પુરાવા રૂપે આજે પણ મ્યુઝિયમ ખાતે સચવાયેલા છે. હાલ આ મ્યુઝિયમ પ્રભાસ પાટણમાં પૌરાણિક સૂર્યમંદિરમાં કાર્યરત છે.
ભદ્રકાળી મંદિરના ફળિયામાં શિલાલેખ
આ મ્યુઝીયમ હસ્તકનો આવો જ એક શિલાલેખ પ્રભાસ પાટણમાં મ્યુઝિયમની નજીક જુના રામ મંદિરની બાજુમાં ભદ્રકાળી ફળિયામાં આવેલો છે. સોમપુરા બ્રાહ્મણ દીપકભાઈ દવેના નિવાસસ્થાને આ ઐતિહાસિક ધરોહર સચવાયેલી છે.(Somnath Temple History) તેમના આંગણામાં સ્થિત પૌરાણિક ભદ્રકાળી મંદિરની દિવાલ પર આ શિલાલેખ આજે પણ જડિત છે.
પૌરાણિક ઈતિહાસ લિપિબદ્ધ
પ્રભાસ પાટણ મ્યુઝિયમના ક્યુરેટર (સંગ્રહાલયાધ્યક્ષ) તેજલ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઈ.સ. 1169 ( વલભી સંવત 850 અને વિક્રમ સંવત 1255) માં કોતરાવેલ અને હાલ રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત આ શિલાલેખ અણહિલવાડ પાટણના મહારાજાધિરાજ કુમારપાળના ધર્મગુરુ પરમ પાશુપતાચાર્ય શ્રીમદ ભાવબૃહસ્પતિનો પ્રશસ્તિ લેખ છે. આ અભિલેખમાં સોમનાથ મંદિરનો પૌરાણિક અને મધ્યકાલીન ઇતિહાસ લિપિબદ્ધ છે.(Somnath Temple History) આ અભિલેખમાં ચારેય યુગમાં સોમનાથ મહાદેવના નિર્માણનો ઉલ્લેખ છે. જે મુજબ સત્ય યુગમાં ચંદ્ર (સોમે) સોનાનું, ત્રેતા યુગમાં રાવણે રૂપાનું, દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ કાષ્ટનું તથા કળિયુગમાં રાજા ભીમદેવ સોલંકી સુંદર પાષાણનું કલાત્મક દેવાલય બંધાવ્યું હતું.
સુવર્ણકાળની ગરિમાપૂર્ણ પ્રતીતિ
ઇતિહાસના પૃષ્ઠો પર નજર કરીએ તો,(Somnath Temple History) મંદિરના જૂના અવશેષો પર ભીમદેવ સોલંકીએ ચતુર્થ મંદિર બંધાવ્યાની હકીકત પ્રમાણભૂત છે. ત્યારબાદ ઈ.સ. 1169 માં કુમારપાળના પાંચમું મંદિર પણ એ જ સ્થાને બંધાવ્યું હતું. સોલંકી શાસકોના કાળમાં પ્રભાસ પાટણ માત્ર ધાર્મિક જ નહીં, પણ સ્થાપત્ય અને સાહિત્યનું પણ કેન્દ્ર બન્યું હતું. સિદ્ધરાજ જયસિંહની ન્યાયપ્રિયતા અને કુમારપાળની ધર્મનિષ્ઠાએ સોમનાથના શિખરને ગૌરવના ઉચ્ચતમ સોપાન પર સ્થાપિત કર્યું, જે આજે પણ ગુજરાતના ‘સુવર્ણકાળ’ની ગરિમાપૂર્ણ પ્રતીતિ કરાવે છે.
Top Trending News
Gold Silver Market: સોનાચાંદીમાં નવી તેજી, હવે આગામી સપ્તાહ કેવું રહેશે?
પ્રભાસનો દેદીપ્યમાન વારસો
પ્રભાસ પાટણની આ પવિત્ર મૃદિંકા (ધરતી) તેના ઉદરમાં માત્ર અવશેષો નહીં, પણ સનાતન ધર્મનું આત્મગૌરવ સંગ્રહીને બેઠી છે. ભદ્રકાળી ફળિયાના એ ઐતિહાસિક શિલાલેખમાં કંડારાયેલી અક્ષરમાળા આજે પણ સોલંકી શાસકોના સમર્પણ અને ભાવબૃહસ્પતિ જેવા જ્ઞાનીઓના પુરુષાર્થની પ્રતીતિ કરાવે છે.(Somnath Temple History) શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્યના ત્રિવેણી સંગમ સમાન આ ભૂમિ, તેના ઐતિહાસિક વિરાસત દ્વારા આવનારી પેઢીઓને આપણા સ્વર્ણિમ અતીતની ઝાંખી કરાવતી રહેશે. પ્રભાસનો આ દેદીપ્યમાન વારસો અને સોમનાથનું અજેય શિખર એ વાતની પ્રબળ ગવાહી આપે છે કે સમય ગમે તેટલો બળવાન હોય, પરંતુ ભક્તિ અને સ્વાભિમાનના શિખરો સદૈવ અવિનાશી રહે છે.