Stock Market India: ત્રણ દિવસના કડાકા પછી સેન્સેક્સ 899 પોઈન્ટ સુધર્યો, ચાર કારણોથી આવી નવી લેવાલી

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રણ દિવસના કડાકા પછી સુધારો આવ્યો હતો. આઈટી સેકટરને છોડીને નવી લેવાલીથી તમામ સેકટરના શેરોમાં સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 899 પોઈન્ટ વધી 80,015 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 285 પોઈન્ટ વધી 24,765 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 300 પોઈન્ટ વધી 59,055 બંધ હતો. સુધારો આવવા પાછળ ચાર કારણ હતા. યુદ્ધના મેદાનમાંથી આવ્યા પોઝિટિવ સમાચાર આવ્યા છે. કાલે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે? શું આ સુધારો આગળ વધશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં ઈન્ટ્રાડેમાં 1100થી વધુ પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 79,530ના ઊંચા મથાળે ખૂલ્યો હતો. પણ શરૂમાં વેચવાલી નીકળતાં ઘટી 79,201 થયો હતો, જો કે નીચા મથાળે નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 80,303 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 80,015.90 બંધ થયો હતો. ઈન્ટ્રાડેમાં સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જો કે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 899.81નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 285 પોઈન્ટ વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 24,615 ખૂલીને શરૂમાં ઘટી 24,529 થઈ અને ત્યાંથી નવી લેવાલીથી વધી 24,854 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,765.90 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 285.40નો ઉછાળો દર્શાવે છે.

બપોર પછી ઝડપી રીકવરી

આજે ગુરુવારે સવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ખૂલ્યા હતા. જો કે શરૂમાં નવી લેવાલીનો અભાવ હતો, આથી શેરોમાં ભાવ શરૂમાં ઘટ્યા હતા. પણ બપોર બાદ પોઝિટિવ સમાચાર આવતાં શેરોની જાતેજાતમાં નવી લેવાલી આવી હતી. જેથી ઝડપી સુધારો આવ્યો હતો. એક પછી એક પોઝિટિવ સમાચાર આવતાં જ ગયા હતા. આમ ત્રણ દિવસના કડાકા પછી(Stock Market India) શેરબજારમાં ઝડપી રીકવરી જોવા મળી હતી.

સુધારો આવવા પાછળ ચાર કારણો

(1) ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેત આવ્યા હતા. ગત મોડી રાતે અમેરિકન સ્ટોક માર્કેટના ડાઉ જોન્સ અને નેસ્ડક ઉછળીને આવ્યા હતા. તેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ સુધર્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટમાં પણ રીકવરી હતી. આમ ગ્લોબલી સ્ટોક માર્કેટ સુધરીને આવતાં(Stock Market India) ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.

(2) શેરબજારમાં ત્રણ દિવસના ભારે ઘટાડા પછી બ્લૂચિપ શેરો ખૂબ સસ્તા ભાવે મળી રહ્યા છે, જેથી રોકાણકારોએ વેલ્યૂ બાઈંગ કાઢયું હતું. આજે ખાસ કરીને રીયલ્ટી, ઈન્ફ્રા, મેટલ, ઓટોમોબાઈલ, પાવર અને એલ્યુમિનિયમ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી.

(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રણ દિવસના ઉછાળા પછી ક્રૂડ ઓઈલનો ભાવ સ્ટેડી થયો હતો. આજે બ્રેન્ટ ક્રૂડ 82.95 ડૉલર અને ક્રૂડ ઓઈલ 76.38 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જેની ગ્લોબલી સારી અસર જોવાઈ હતી.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 59 પૈસા સુધરીને 91.57 પર ટ્રેડ કરતો હતો.

યુદ્ધના મેદાનથી પોઝિટિવ સમાચાર

ઈરાક, ઈરાન અને અમેરિકા સહિત કુલ 15 દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ મિડલ ઈસ્ટ યુદ્ધમાં પરિવર્તિત થયું છે. જો કે આજે સ્કાય ન્યૂઝના રીપોર્ટ અનુસાર ઈરાનના ઉપવિદેશમંત્રીએ દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ કાર્યક્રમ બંધ કરવા તૈયાર છે. તેમણે વધુમાં એમ કહ્યું હતું કે જો અમેરિકા કોઈ સંતોષજનક વિકલ્પ રજૂ કરે તો ઈરાન પરમાણુ કાર્યક્રમ છોડવા તૈયાર છે. જો કે ઈરાન તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પણ સ્કાય ન્યૂઝના દાવા અનુસાર એમ ગણિત રજૂ કરી શકાય કે શરતોને આધીન ઈરાનની ઓફર છે કે તેનાથી અમેરિકા વાતચીત માટે ટેબલ પર બેસે. આ સમાચારની હાલ વૈશ્વિક સ્ટોક માર્કેટ(Stock Market India) પર પોઝિટિવ અસર પડી હતી.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ

આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 867 પોઈન્ટ પ્લસ હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 257 પોઈન્ટ વધ્યો હતો. પરિણામે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યા હતા. 2210 શેરના ભાવ વધ્યા હતા અને 1039 શેરના ભાવ ઘટ્યા હતા.

27 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 298 શેર બાવન વીક લો પર બંધ હતા.

109 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 58 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

અદાણી પોર્ટ(3.82 ટકા), હિન્દાલકો(3.79 ટકા), લાર્સન ટુબ્રો(3.72 ટકા), બીઈએલ(3.39 ટકા) અને એનટીપીસી(3.18 ટકા)

સૌથી ગગડેલા શેર

ટેક મહિન્દ્રા(1.38 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(0.89 ટકા), એચસીએલ ટેકનોલોજી(0.61 ટકા), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(0.51 ટકા) અને ટીસીએસ(0.49 ટકા)

કાલે શેરબજાર કેવું રહશે

ત્રણ દિવસના કડાકા પછી(Stock Market India) શેરબજારમાં ઝડપી સુધારો આવ્યો છે. જો કે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલુ છે. જેથી આજના સુધારા પર કોઈ વિશ્વાસ મુકી ન શકાય. ટેકનિકલી માર્કેટ ખૂબ જ વીક છે. નીચામાં જોઈએ તો નિફ્ટીમાં 24,300 મજબૂત સપોર્ટ લેવલ છે, તેવી જ રીતે સેન્સેક્સમાં 78,500 સ્ટ્રોંગ સપોર્ટ લેવલ આવે છે. જો આ સપોર્ટ લેવલ તૂટશે તો નિફ્ટી નીચામાં 24,000 અને 23,500 સુધીના લેવલ બતાવી શકે છે. તેમજ સેન્સેક્સ પણ નીચામાં 78,500 તોડશે તો 78,000 સુધીના લેવલ બતાવી શકે છે.

Top Trending News

Middle East War: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છઠ્ઠા દિવસે યુદ્ધ ચાલુ, જાણો લેટેસ્ટ અપડેટ….

You will also like

Leave a Comment