Stock Market India: ત્રણ દિવસના ઉછાળા પછી શેરબજારનો સેન્સેક્સ 503 પોઈન્ટ ઘટ્યો, ટ્રેન્ડ કેવો રહેશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રણ દિવસની તેજી પછી આજે ગુરુવારે નરમાઈ રહી હતી. ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 503 પોઈન્ટ ઘટી 83,313 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 133 પોઈન્ટ વધી 25,642 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 174 પોઈન્ટ ઘટી 60,063 બંધ થયો હતો. શેરબજારમાં આજે વેચવાલી આવવાના કયા કારણો? અને આગામી દિવસે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલ વ્યૂ શું કહે છે? આવો જાણીએ સ્ટોક માર્કેટના આ રીપોર્ટમાં….

સેન્સેક્સ 503 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,757ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 83,784 થઈ અને વેચવાલી ફરી વળતાં ઘટી 83,151 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,313.93 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 503.76નો ઘટાડો દર્શાવે છે.

એનએસઈ નિફ્ટી 133 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,755ના લો લેવલે ખૂલીને શરૂમાં સામાન્ય વધી 25,757 થઈ અને વેચવાલી આવતાં ઘટી 25,579 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,642.80 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 133.20નો ઘટાડો દર્શાવે છે.

ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ

પહેલી ફેબ્રુઆરીને રવિવારે બજેટ રજૂ થયું તે દિવસે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. સોમવારે શેરબજાર રીબાઉન્ડ થયું હતું. સોમવારે મોડી રાતે યુએસ ભારત વચ્ચે ટ્રેડી ડીલની સત્તાવાર જાહેરાત થઈ અને ટ્રમ્પે ભારત પરનો ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો હતો. જેને પગલે મંગળવાર અને બુધવારે નવી લેવાલી નીકળતાં ભારેખમ ઉછાળો આવ્યો હતો. આમ ત્રણ દિવસની તેજી પછી આજે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી, જેથી બજાર વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું.

શેરબજાર ઘટવાના કારણ

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં મેટલના ભાવ તૂટ્યા છે, જેથી મેટલ શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા, જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જો કે છેલ્લા ત્રણ દિવસમાં મેટલ સેકટરમાં 6 ટકા તેજી થઈ હતી.

(2) ત્રણ દિવસના ભારે ઉછાળા પછી આજે નફારૂપી વેચવાલીનું જનરલ માનસ હતું.

(3) વૈશ્વિક સ્ટોક માર્કેટમાં નરમાઈ હતી. યુએસ ડાઉ અને નેસ્ડેક વધુ ઘટ્યા હતા. જેની પાછળ યુરોપિયન અને એશિયાઈ સ્ટોક માર્કેટ પણ ઘટ્યા હતા. આમ ગ્લોબલ સંકેત નેગેટિવ હતા.

(4) એફઆઈઆઈની ધીમી કામગીરી રહી છે. ગઈકાલ 4 ફેબ્રુઆરીએ એફઆઈઆઈએ માત્ર 29.79 કરોડનું જ નેટ ખરીદી કરી હતી.

(5) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પૉલીસીની બેઠક શરૂ થઈ ગઈ છે. આવતીકાલ 6 ફેબ્રુઆરીએ આરબીઆઈ પોલીસી ડિસિઝન જાહેર કરશે. રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો થાય તેવી ધારણા છે. પણ પૉલીસી પહેલા શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ હતું.

(6) આજે ગુરુવારે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી. જેથી તેજીવાળા ખેલાડીઓની ઉભી પોઝીશન સ્કેવરઓફ કરવારૂપી વેચવાલી હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે ગુરુવારે નિફ્ટી મીડેકપ ઈન્ડેક્સ 166 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 221 પોઈન્ટ ઘટ્યા હતા. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1114 શેરના ભાવ વધ્યા હતા અને 2034 શેરના ભાવ ઘટ્યા હતા.

27 શેર બાવન વીક હાઈ પર બંધ હતા તો 62 શેર બાવન વીક લો પર બંધ હતા.

75 સ્ટોરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 39 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

ટ્રેન્ટ(2.98 ટકા), મેક્સ હેલ્થકેર(1.22 ટકા), તાતા સ્ટીલ(1.13 ટકા), જેએસડબલ્યૂ સ્ટીલ(1.04 ટકા) અને ગ્રાસિમ 0.92 ટકા)

ટોપ લુઝર્સ

હિન્દાલકો(3.00 ટકા), ઈટરનલ(2.41 ટકા), ભારતી એરટેલ(1.66 ટકા), બીઈએલ(1.53 ટકા) અને આઈટીસી(1.19 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

ત્રણ દિવસના ઉછાળા પછી આજે પ્રોફિટ બુકિંગ આવવાની ધારણા હતી. તે મુજબ જ આજે વેચવાલી આવી હતી. જો કે ટેકનિકલી બજાર હજી વીક છે. ભલે બજેટના કડાકાના આંચકામાંથી શેરબજાર બહાર નીકળ્યું છે. પણ જ્યાં સુધી સેન્સેક્સ 83,810 અને નિફ્ટી 25,800ની ઉપર બંધ ન આવે અને તે લેવલ પર ટકી જાય તો તેજીની આગેકૂચ રહેશે. અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવશે. બેંક નિફ્ટી 59,800 ઉપર બંધ છે, જે તેજીમાં આવી ગઈ છે. જેથી બેંક શેરોમાં તેજી આગળ વધશે.

You will also like

Leave a Comment