સોનાના ભાવ સતત કેમ વધી રહ્યા છે?

by Gujarati biz news

સોનાના ભાવમાં જબરો ઉછાળો નોંધાયો છે, સોના પાછળ ચાંદી પણ ઊંચકાઈ છે. સોનુંચાંદીમાં એકાએક ડિમાન્ડ નીકળી અને ફ્યુચરમાં પણ હેવી બાઈંગ આવ્યું હતું. પરિણામે વીતેલા સપ્તાહે છેલ્લા 8 મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાયો છે. સોનાના ભાવ સતત સાત સેશનથી વધી રહ્યા છે. હાલ કોમેક્સ અને નાયમેક્સમાં ગોલ્ડનો ભાવ લાઈફ ટાઈમ હાઈ પર છે. અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનું દસ ગ્રામે 43,000ની સપાટીઓ પહોંચી ગયું છે.  સોનામાં કયા કારણોસર ઉછાળો આવ્યો, અને આગામી દિવસોમાં સોનાના ભાવ હજી વધુ કેટલા ઊંચકાશે?

ભારત માટે સોનાના ભાવ વધે તે આંચકારૂપ જ હોય છે, લગ્નસરાની ખરીદી કરનારા પર બોજો વધે છે, અને લગ્ન કરનારાના ખર્ચના બજેટમાં અનેકગણો વધારો થાય છે, જેને પગલે પોસાય તેવા લોકો ખરીદી કરી લે છે, પણ જેમની સગવડ નથી તેઓ સોનું ખરીદવાની કોન્ટિટી ઘટાડે છે.  જો કે જેમજેમ સોનાના ભાવ વધતા જઈ રહ્યા છે તેમતેમ જ્વેલર્સના શોરૂમમાં નવી ઘરાકી ઘટતી જઈ રહી છે. સોનાચાંદીનો બિઝનેસ નબળો પડી રહ્યો છે. સોનાચાંદીની આયાત પણ ઘટી રહી છે. ભાવે વધતા જાય છે તેમ બિઝનેસનું વોલ્યૂમ ઘટતું જાય છે. ઘરેણા બનાવતાં કારીગરો પણ બેકાર થઈ રહ્યા છે.

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે 2200થી વધુ દર્દીઓના મોત થયા છે, અને 76,000થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાયો હોવાના સમાચાર આવ્યા છે, આમ કોરોના વાયરસને પગલે આર્થિક મુશ્કેલી ઉભી થવાની શક્યતા જોવાઈ રહી છે. ચીન, હોંગકોંગ, કોરિયા સહિતના દેશો સાથે તમામ વ્યવહારો, ફ્લાઈટની આવનજાવન બંધ કરી દેવાઈ છે. જેને કારણે આયાત નિકાસ અને આર્થિક બિઝનેસ પર વિપરીત અસર પડશે. ચીનથી થતી નિકાસ અટકી છે, જેની એશિયાઈ દેશોની ઈકોનોમી પર ગંભીર અસર પડશે. બેલેન્સશીટ ખોરવાઈ જશે, જીડીપી વધુ ઘટશે. જે ચિંતા પાછળ સોનામાં સલામત રોકાણ હોવાથી નવી ખરીદી નિકળી છે. સ્ટોક માર્કેટ સતત ઘટી રહ્યા છે, સ્ટોક માર્કેટમાં પ્રોફિટ બુકિંગ કરીને તે નાણાનું સીધુ રોકાણ ગોલ્ડમાં થઈ રહ્યું છે. જેથી ગોલ્ડના ભાવ વધ્યા છે.

બીજી તરફ અમેરિકાનો ઈકોનોમીક ડેટા નબળો આવ્યો છે, અને સરકારી બોન્ડનું યીલ્ડ સાધારણ ઘટ્યું છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ સતત વધીને 1649 ડૉલર લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી. એક વર્ષમાં ગોલ્ડના ભાવમાં 24 ટકાનો ઉછાળો નોંધાયો છે. તેમજ સિલ્વરનો ભાવ 18.50-52 ડૉલર રહ્યો હતો., જ્યારે સિલ્વરના ભાવમાં એક વર્ષમાં 19 ટકાનો ઉછાળો આવ્યો છે.   મલ્ટી કોમોડીટી એક્સચેન્જ (એમસીએક્સ)માં સોનાનો ભાવ રૂપિયા 42,790 રહ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. સોના પાછળ ચાંદીમાં તેજી થઈ હતી. અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 42,850-43,850 રહ્યો હતો, તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂપિયા 48,200-49,200 રહ્યો હતો.

આ વખતે એપ્રિલથી જાન્યુઆરીમાં સોનાની આયાત 9 ટકા ઘટી 24.64 અબજ ડૉલર થઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં પણ ઘટાડો થયો છે. એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં નિકાસ 1.5 ટકા ઘટી 25.11 અબજ ડૉલર રહી છે.

ટેકનિકલી વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ 1650 ડૉલરએ અતિમહત્વનું રેઝિસ્ટન્સ લેવલ આવે છે. ત્યાં પ્રોફિટ બુકિંગ આવશે, પણ 1655 ડૉલર ઉપર બંધ આવશે તો 1675 ડૉલરનો ભાવ થવાની શક્યતા છે. લાંબાગાળે ગોલ્ડમાં તેજીનો ટોન જોવાશે. બન્ને તરફી વધઘટે સોનાના ભાવ વધશે. એટલે જ્યારે સોનાના ભાવ ઘટે ત્યારે ખરીદી લેવામાં શાણપણ સમજીને ખરીદી કરી જ લેવી. સોનું એ સલામત રોકાણનો વિકલ્પ છે, જેથી તેમાં રોકાણ કરનારાની ઓટ આવતી જ નથી. ભારતનો દરેક માનવી પોતાની કમાણીમાં કેટલોક ભાગ સલામત રોકાણ કરીને સોનું ખરીદીને મુકી રાખે છે, જે કયારેક ખરાબ સમયમાં સોનું કામમાં આવે છે. જ્યારે જ્યારે દેશ અને દુનિયાની ઈકોનોમીમાં મંદી આવી છે, ત્યારે સોનાના ભાવ સતત ઊંચકાયા છે. હાલ પણ દેશ અને દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ છે, એટલે જે સોનાના ભાવ વધી રહ્યા છે.

You will also like

Leave a Comment