અમદાવાદ- Mata ni Pachedi Heritage ગુજરાતના અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા ‘માતાની પછેડી’એ આજે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી છે. એક સમયે મંદિરમાં પ્રવેશબંધી સામે ભક્તિના પર્યાય તરીકે જન્મેલા આ “હરતાં-ફરતાં મંદિરો” હવે કાયદાકીય રક્ષણ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ચમકશે. ભાનુભાઈ ચિતારાનો પરિવાર આઠ પેઢીથી આ પરંપરાને જાળવે છે. મળીએ, આ પરિવારને..
સામાજિક ભેદભાવના યુગમાં જ્યારે મંદિરોના દ્વાર બંધ હતા, ત્યારે દેવીપૂજક સમુદાયે સુતરાઉ કાપડ પર માતાજીના ચિત્રો કંડારી ભક્તિનો નવો માર્ગ શોધ્યો હતો. લાલ, કાળા અને સફેદ કુદરતી રંગોથી તૈયાર થતી આ ‘માતાની પછેડી’(Mata ni Pachedi Heritage) આજે અમદાવાદની વિશિષ્ટ બૌદ્ધિક સંપત્તિ છે. GI ટેગ મળવાથી હવે તેના આર્થિક લાભો સીધા મૂળ કારીગરો સુધી પહોંચશે.
માતાની પછેડી કલાકાર ભાનુભાઈ ચિતારાએ જણાવ્ય્યું હતું કે અમને આ કામ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. ત્યાર પછી પદમશ્રી પણ મળ્યો છે અને હવે જીઆઈ ટેગ મળ્યો છે. હવે અમને રોજીરોટી મળશે અને નવી પેઢીને પણ નવી તક મળશે.

માતાની પછેડી બનાવનાર અન્ય કલાકાર મહેશભાઈ ચિતારાએ કહ્યું હતું કે ગુજરાતમાં હજી દેવી દેવતાને માનવાવાળા છે. નવરાત્રિમાં માતાજીની પૂજા કરવી હોય તે માટે અમારા વડવાઓએ માતાજીના પછેડી બનાવી હતી. જે પછેડીને મંદિર કે માતાજીના મઢમાં લગાવીને પૂજા કરાય છે. માતાની પછેડીએ મોબાઈલ ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે.
લોખંડનો કાટ, ગોળ અને મજીઠના મૂળ જેવા કુદરતી તત્વોમાંથી તૈયાર થતા રંગો એ આ કળાની મુખ્ય વિશેષતા છે. કાપડની મધ્યમાં બિરાજમાન આદ્યશક્તિ અને તેમની આસપાસ કંડારાયેલા પૌરાણિક પ્રસંગો દરેક પછેડીને જીવંત વાર્તામાં પરિવર્તિત કરે છે. વિયેના અને ઓસ્ટ્રિયાના મ્યુઝિયમ સુધી પહોંચેલી આ વિરાસતને હવે હસ્તકળા વિભાગ દ્વારા આધુનિક માર્કેટિંગ અને સ્કીલ અપગ્રેડેશનના નવા આયામ મળી રહ્યા છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)ના સલાહકાર અને સભ્ય સચિવ ડૉ. નરોત્તમ સાહુએ જણાવ્યું હતું કે અમે માતાજીની પછેડીના પ્રદર્શન રાખીયે છીએ. હેન્ડિક્રાફટ ડીપાર્ટમેન્ટ, ગ્રામોદ્યોગ વિભાગ હોય છે, ભારત સરકારનું સ્કીલ ડેવલપમેન્ટ વિભાગ છે, તે અલગઅલગ પોલીસીના માધ્યમ દ્વારા આવા કલાકારોની સ્કીલ ડેવલપમેન્ટની સાથે કેવી રીતે અપગ્રેડેશન કરી શકીએ છીએ. તેમના માર્કેટિંગના પૈસા વધારી શકીએ છીએ. તેમજ તેમનું સેલ્ફ હેલ્પ ગ્રૂપ હોય છે, તેમના પરિવાર સાથે અમારો સતત સંપર્ક રહેતો હોય છે.


