LPG Price Hike 2026: કીમતમાં વધારો છતાં એલપીજી સિલીન્ડર દીઠ 700 રૂપિયાનું નુકસાન

by Gujarati biz news
LPG Price Hike 2026

LPG Price Hike 2026નવી દિલ્હી- LPG Price Hike 2026 ભારતમાં ફરી એક વખત રસોઈ ગેસ એલપીજીનો સિલીન્ડર મોંઘો થયો છે. પેટ્રોલ, ડીઝલ, કોમર્શિયલ ગેસ સિલીન્ડર પછી હવે રસોઈ ગેસના ભાવમાં વધારો કર્યો છે. જેનાથી ગૃહિણીના ઘરના બજેટ ખર્ચમાં વધારો થયો છે. તેલ કંપનીઓએ એલપીજીના ભાવમાં રૂપિયા 29નો વધારો કર્યો છે.

LPG સિલીન્ડરમાં રૂ.29નો વધારો 

કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓએ આ પહેલા કોમર્શિયલ એલપીજી સિલીન્ડરની કીમતોમાં વારંવાર વધારો કર્યો છે, પણ હવે ઘરમાં રસોઈ ગેસ એલપીજીની કીમતમાં 29 રૂપિયાના વધારો કરવામાં આવ્યો છે.(LPG Price Hike 2026) આ નવા વધારા પછી દિલ્હીમાં 14 કિલોગ્રામવાળા ગેસ સિલીન્ડની કીમત રૂપિયા 913થી વધીને રૂપિયા 943 થઈ છે. જ્યારે અમદાવાદમાં એલપીજી સિલીન્ડર રૂપિયા 920થી વધીને રૂપિયા 949 થઈ છે. એલપીજીના ભાવ વધારા પછી સરકાર તરફથી નિવેદન પણ આવ્યું છે, તેની પાછળના કારણો જણાવ્યા છે અને કીમતમાં વધારા પછી પણ તેલ કંપનીઓને એલપીજી સિલીન્ડરમાં નુકસાન થઈ રહ્યું છે.

ગ્લોબલ એનર્જિ સપ્લાય ચેન ખોરવાઈ

મિડલ ઈસ્ટ દેશોમાં ચાલી રહેલ તંગદિલીને કારણે તેલ અને ગેસની સમસ્યા ઉભી થઈ છે. વીતેલા કેટલાક મહિનાઓમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલીન્ડરની કીમતોમાં અનેક વખત વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ઘરેલું રસોઈ એલપીજીના ભાવમાં ત્રણ મહિનામાં આ બીજો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 7 માર્ચે પ્રતિ સિલીન્ડરે રૂપિયા 60નો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે વેસ્ટ એશિયામાં સંઘર્ષને કારણે ગ્લોબલ એનર્જિ સપ્લાય ચેન ખોરવાઈ ગઈ હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્યૂલના ભાવમાં વધારો થયો હતો.

ભારતમાં LPGની સૌથી ઓછી કીમત

LPG Price Hike 2026 એલપીજી ભાવ વધારો કર્યા પછી સરકારનું નિવેદવ આવ્યું છે અને તેમાં જણાવ્યું છે કે ભારતીય ઘરોમાં રસોઈ ગેસની કીમતો દુનિયામાં સૌથી ઓછી છે. તેમજ ફક્ત ભારતમાં જ સિલીન્ડરની કીમતો પાડોશી દેશોની તુલનામાં સૌથી ઓછી છે. જ્યારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત દેશોની સરખામણીએ દેશમાં એલપીજી સિલીન્ડરની કીમત ખૂબ જ ઓછી છે. વીતેલા કેટલાય વર્ષોથી તમામ ભારતીય ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય બજારમાં જે કીમતો છે, તેના કરતાં ઓછી કીમતમાં એલપીજી મળી રહ્યો છે. ભારતીય પરિવાર હાલ પણ પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના પરિવારોની સરખામણીએ ઘણી ઓછી કીમત ચુકવી રહ્યા છે.

અંડર રીકવરી નુકસાન

સરકારે જણાવ્યું છે કે એક સિલીન્ડરની સપ્લાયની પડતર રૂપિયા 1600થી વધુ થાય છે. જેમાં દરેક ઘરેલું સિલીન્ડર પર અંદાજે 700 રૂપિયાનું(અંડર રીકવરી) નુકસાન થઈ રહ્યું છે. ફેબ્રુઆરી અને જૂન 2026ની વચ્ચે એલપીજી માટે સઉદી કોન્ટ્રેક્ટ પ્રાઈઝ બેંચમાર્કમાં લગભગ 46 ટકાનો વધારો થયો હતો. કારણ કે હોર્મુઝમાં સપ્લાય ચેન ખોરવાઈ જતાં ખાડી દેશોમાં જ સપ્લાય ઘટી ગયો હતો.(LPG Price Hike 2026 ) જેમાં 14.2 કિલોગ્રામવાળા સિલીન્ડરની સપ્લાયની પડતર ખૂબ જ વધી ગઈ છે. અને તેને કારણે ગ્રાહકો માટે રિટેઈલ કીમત વધીને રૂપિયા 949 કરી દેવાઈ છે.

રૂ.60,000 કરોડ અંડર રીકવરી

અત્રે નોંધનીય છે કે અંડર રિકવરી સબસીડીથી અલગ છે. આ આંતરરાષ્ટ્રીય પડતર અને નક્કી કરેલ રિટેઈલ કીમતની વચ્ચેનું અંતર છે. ઘરેલુ એલપીજી પર આ અનુમાનિત રકમ વીતેલા પુરા વર્ષ દરમિયાન રૂપિયા 60,000 કરોડની નજીક પહોંચી ગઈ હતી. જો કે તેના આગલા વર્ષે આ રકમ રૂપિયા 41,338 કરોડ હતી.

પેટ્રો પેદાશોની કોઈ અછત નથી

સરકારના નિવેદનમાં કહેવાયું છે કે ભારત એવા કેટલાય દેશોમાંથી એક રહ્યું છે કે જેણે અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધ પછી હોર્મુઝ બંધ થયા પછી પણ આ જરૂરી સમુદ્ર રૂટ પર એનર્જિ કાર્ગોની અવરજવર ચાલુ રાખી છે અને દેશમાં કોઈપણ પેટ્રોલિયમ પેદાશોની કોઈ અછત ઉભી થવા દીધી નથી.

You will also like

Leave a Comment