BAPS 2026: મહંતસ્વામી મહારાજે 33 યુવાનોએ ભાગવતી દીક્ષા પ્રદાન કરી, જાણો આ 33 યુવાનો અંગે

by Gujarati biz news
BAPS 2026

સારંગપુર- BAPS 2026 સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન નિશ્રામાં વધુ એક ઐતિહાસિક ‘ભાગવતી દીક્ષા (સંત દીક્ષા) મહોત્સવ’ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે 33 નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પ.પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સંત દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી. આ 33 યુવાનોએ બે વર્ષ પૂર્વે પાર્ષદી દીક્ષા પ્રાપ્ત કરી હતી.(Swaminarayan Mandir Sarangpur)

33 યુવાનોનું શિક્ષણ

BAPS 2026 દીક્ષિત થયેલા આ 33 યુવાનો ભૌતિક અને શૈક્ષણિક રીતે અત્યંત સમૃદ્ધ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જેમાં 13 એન્જિનિયર્સ, 11 ગ્રેજ્યુએટ્સ, 3 માસ્ટર્સ ડિગ્રી ધારક,  એક ડોક્ટર, એક આર્કિટેક્ટ અને અન્ય ઉચ્ચ અભ્યાસ ધરાવતા ચાર યુવાનોનો સમાવેશ થાય છે. આ નવદીક્ષિત સંતોમાં કેનેડામાં ઉછરેલા ચાર NRI યુવાનોનો પણ સમાવેશ થાય છે. તેઓએ પોતાની ઉજ્જવળ કારકિર્દી અને ભૌતિક સુખોને તિલાંજલિ આપીને ભારતીય સંસ્કૃતિની મહાન ત્યાગ પરંપરા સહર્ષ અપનાવી છે. આ યુવાનોનું સમર્પણ આજના ભૌતિકવાદી યુગમાં સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.

દીક્ષા મહોત્ત્સવ કેવી રીતે થયો?

દીક્ષા મહોત્સવનો પ્રારંભ આજે બુધવારે વહેલી સવારે છ વાગ્યે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો. દીક્ષા સમારોહ અંતર્ગત વરિષ્ઠ સંતોએ નવદીક્ષિતોને કંઠી, ઉપવસ્ત્ર અને પાઘ ધારણ કરાવી હતી. તેમજ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા કરી હતી. ત્યારબાદ, BAPS 2026 પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે નવદીક્ષિત સંતોને ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ (અર્થાત્: હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું) નો ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઐતિહાસિક સભામાં દીક્ષાર્થી પાર્ષદોના પિતાઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા અને માતાઓનું વરિષ્ઠ મહિલા અગ્રણીઓ સન્માનિત કરવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલા 29 યુવાનો પાર્ષદી દીક્ષા

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે BAPS 2026 મહંતસ્વામી મહારાજે 29 યુવાનોને પાર્ષદી દીક્ષા આપી હતી. આજની દીક્ષા સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે અત્યાર સુધીમાં કુલ 352 યુવાનો દીક્ષિત થયા છે. આ સાથે જ BAPS સંસ્થાના સંતોની કુલ સંખ્યા 1234 ના આંકડા પર પહોંચી છે.

ગુરુની આજ્ઞા મુજબ સેવા અને ભક્તિ

સંયુક્ત રાષ્ટ્ર (UN) માં માન્યતા ધરાવતી BAPS સંસ્થાના આ ઉચ્ચ શિક્ષિત સંતો એક પણ દિવસની રજા કે કોઈપણ પ્રકારના વેતન વિના સમગ્ર જીવન ગુરુની આજ્ઞા મુજબ સેવા અને ભક્તિમાં વિતાવે છે. આ સંતો ચારિત્ર્યવાન, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક રીતે જાગૃત એવા સમાજના નિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે છે. એટલું જ નહીં, ભૂકંપ, સુનામી, પૂર કે યુક્રેન-રશિયા યુદ્ધ જેવી વૈશ્વિક આફતો હોય, કે પછી સમાજમાં વ્યસનમુક્તિ અને પર્યાવરણ જતનનું કાર્ય હોય – આ સંતોના નેતૃત્વમાં BAPS સંસ્થાએ વૈશ્વિક સ્તરે માનવ સેવાની ભાગીરથી વહાવી છે. સનાતન ધર્મનાં મૂલ્યો આજે પણ જીવંત છે, તેની પ્રતીતિ આ યુવાન સંતોના અદભુત સમર્પણ પરથી થાય છે.

આ પણ વાંચો…. 

Gujarat Yatra Dham 2026: યાત્રાધામોના વિકાસ માટે 28થી વધુ કરોડના કામોને મંજૂરી

You will also like

Leave a Comment