Papmochani Ekadashi 2026: પાપમોચની એકાદશી 14 કે 15 માર્ચે, જાણો અગિયારસનું મહત્ત્વ

by Gujarati biz news
Papmochani Ekadashi 2026

અમદાવાદ- Papmochani Ekadashi 2026 ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ફાગણ વદ 11ના દિવસે પાપમોચની એકાદશી વ્રત(ઉપવાસ) રાખવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ એકાદશી તિથિ પર ભક્તો ઉપવાસ કરે છે. આખો દિવસ અન્ન-જળનો ત્યાગ કરે છે અને બીજા દિવસે દ્વાદશી(બારસ) તિથિએ ઉપવાસ તોડે છે.

પાપમાંથી મુક્તિ મળે

આ વર્ષે ફાગણ વદમાં પાપમોચની એકાદશી(Papmochani Ekadashi 2026) પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો આ વ્રત સંપૂર્ણ ભક્તિભાવથી કરે છે, તેઓએ જાણતા-અજાણતા કરેલા પાપમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ કે આ વર્ષે એકાદશી ક્યારે આવશે, પૂજાનો શુભ સમય, કયા શુભ યોગો બની રહ્યા છે અને આ વ્રતનું ધાર્મિક મહત્વ શું છે?

ઉદય તિથિના આધારે 15 માર્ચે અગિયારસ

Papmochani Ekadashi 2026 ગુજરાતી કેલેન્ડર મુજબ પાપમોચની એકાદશી વ્રત ફાગણ વદ(કૃષ્ણ પક્ષ) અગિયારસે રાખવામાં આવે છે. આ વર્ષે, ફાગણ વદ એકાદશી તિથિ 14 માર્ચ, 2026ના રોજ સવારે 8.10 વાગ્યે શરૂ થશે અને 15 માર્ચે સવારે 9.16 વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિના આધારે પાપમોચની એકાદશી વ્રત 15 માર્ચ, રવિવારના રોજ રાખવામાં આવશે.(તમારી નજીકના મંદિરમાં જાણીને એકાદશી વ્રત રાખવું)

ત્રણ શુભ યોગ

આ વર્ષે પાપમોચની એકાદશી પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે. તે દિવસે પરિઘ યોગ, શિવ યોગ અને દ્વિપુષ્કર યોગ બની રહ્યા છે. વ્રતના દિવસે, શ્રવણ નક્ષત્ર 16 માર્ચના રોજ સવારના 5.56 વાગ્યા સુધી છે, ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્ર બેસી જશે.

પરિઘ યોગ: સવારના 10.25 વાગ્યા સુધી

શિવયોગ: સવારે 10.25થી મધ્યરાત્રિ

દ્વિપુષ્કર યોગ: 16 માર્ચ, સવારે 5.56થી 6.30 વાગ્યા સુધી

એકાદશી પૂજા મુહૂર્ત

પાપમોચની એકાદશી(Papmochani Ekadashi 2026) વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા સવારે 8.01 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા દરમિયાન કરી શકાય છે. લાભ મુહૂર્ત સવારે 9.31 વાગ્યાથી 11.00 વાગ્યા સુધી છે. જ્યારે અમૃત મુહૂર્ત સવારે 11.00 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી છે. એકાદશી પર બ્રહ્મ મુહૂર્ત સવારે 4.55 વાગ્યાથી 5.43 વાગ્યા સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12.06 વાગ્યાથી 12.54 વાગ્યા સુધી છે. સ્નાન માટે બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે અભિજીત મુહૂર્ત દિવસનો શુભ સમય છે.

એકાદશી વ્રત છોડવું

પાપમોચની એકાદશી વ્રત 16 માર્ચ, સોમવારના રોજ છોડવાનું રહેશે. તમે તે દિવસે સવારે 6.30 વાગ્યાથી 8.54 વાગ્યાની વચ્ચે ઉપવાસ છોડી શકો છો. બારસ તે જ દિવસે સવારે 9.40 વાગ્યે સમાપ્ત થશે.

વ્રતનું ધાર્મિક મહત્વ

આ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તેથી પાપમોચની એકાદશીનું વ્રત રાખવાથી બધા પાપોનો નાશ થાય છે. આ વ્રત રાખવાથી હજાર ગાયોનું દાન થયું હોય તેટલું પુષ્ણ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આ પણ વાંચો….

Ambaji Temple: અંબાજી મંદિરની મોબાઈલ એપ લોન્ચ કરાઈ, એક ક્લિકમાં તમામ સુવિધા

You will also like

Leave a Comment