અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે શરૂના નવા કડાકા પછી સુધારો આવ્યો હતો. બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે લો લેવલથી સેન્સેક્સમાં 1856 પોઈન્ટની રીકવરી આવી હતી અને લો લેવલથી નિફ્ટીમાં 547 પોઈન્ટની રીકવરી આવી રહી હતી. માર્કેટ બંધ થયું ત્યારે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 938 પોઈન્ટ વધી 75,502 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 257 પોઈન્ટ વધી 23,408 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 655 પોઈન્ટ વધી 54,413 બંધ હતો. સુધારો આવવા પાછળ કયા કારણો? કાલે શેરબજારમાં(Share Market India) સુધારો આગળ વધશે? ટેકનિકલ લેવલ અંગે જાણીશું.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 938 પોઈન્ટ ઉછળ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 74,415ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ તૂટી 73,949ની લો બનાવીને અને ત્યાં નવેસરથી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 75,805 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 75,502.85 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 938.93નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 257 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,116ના નીચા લેવલે ખૂલીને શરૂમાં વધુ ઘટી 23,000ની અતિમહત્ત્વની સપાટી તોડીને 22,955 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી વધી 23,502 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,408.80 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 257.70નો ઉછાળો દર્શાવે છે.
ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં ભારે લેવાલી
આજે સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે સવારે શેરબજાર નીચા મથાળે ગેપમાં જ ખૂલ્યું હતું. શરૂમાં નવી લેવાલીનો અભાવ હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હતા અને મિડલ ઈસ્ટ વોર ચાલુ છે. તેમજ એફઆઈઆઈની સતત વેચવાલી ચાલુ રહી છે. આ સંજોગોમાં નવી વેચવાલી નીકળતાં સેન્સેક્સ અને નિફ્ટી વધુ ઘટ્યા હતા. જો કે ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં નવી લેવાલી નીકળતાં ઝડપી રીકવરી જોવા મળી હતી. લો લેવલથી સેન્સેક્સમાં 1856 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને લો લેવલથી નિફ્ટીમાં 547 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી
વીતેલા સપ્તાહે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. ગત સપ્તાહે સેન્સેક્સ 4,355 પોઈન્ટનો કડાકો હતો. નિફ્ટી 1299 પોઈન્ટ તૂટ્યો હતો અને બેંક નિફ્ટી 4026 પોઈન્ટ ગબડ્યો હતો. આમ એકતરફી તૂટ્યા પછી આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડામાં નવી વેચવાલી અટકી ગઈ હતી. અને ઘટાડે નવી લેવાલી નીકળી હતી. ખાસ કરીને બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 146 પોઈન્ટ ઘટ્યો હતો અને સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 84 પોઈન્ટ માઈનસ બંધ હતો. પરિણામે આજે 1075 શેરના ભાવ વધ્યા હતા અને 2213 શેરના ભાવ ઘટ્યા હતા.
18 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 782 શેર બાવન વીક લૉ પર બંધ હતા.
52 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 149 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
અલ્ટ્રાટેક સીમેન્ટ(4.46 ટકા), ગ્રાસિમ(3.44 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(3.34 ટકા), ઈટરનલ(3.16 ટકા) અને ટ્રેન્ટ(2.68 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
બીઈએલ(2.48 ટકા), મેક્સ હેલ્થકેર(2.32 ટકા), વિપ્રો(1.79 ટકા), કૉલ ઈન્ડિયા(1.71 ટકા) અને ઓએનજીસી(1.51 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
આજે માત્ર ટેકનિકલી કરેક્શન જ હતું. બજારમાં હજી નેગેટિવ ફેકટર ઉભા છે. ક્રૂડના ભાવ વધ્યા છે. ઈરાન વૉર ચાલુ છે. એફઆઈઆઈ હેવી નેટ સેલર છે. 13 માર્ચને શુક્રવારે એફઆઈઆઈએ રૂપિયા 10,716 કરોડનું નેટ સેલ કર્યું છે. જેથી હાલ શેરબજારમાં તેજી થાય તેવા કોઈ કારણો નથી. દરેક ઉછાળે વેચવાલી આવશે. અથવા સાંકડી વધઘટમાં અથડાઈ શકે છે. પણ જ્યાં સુધી વોર ચાલુ છે અને ક્રૂડના ભાવ વધે છે, ત્યાં સુધી શેરબજારમાં તેજી શક્ય નથી. જો કે બીજી તરફ આજે સેન્સેક્સમાં 73,949 અને નિફ્ટીમાં 22,955ના લૉનો સ્ટોપલોસ રાખીને રોકાણકારો રોકાણ કરી શકે છે. પણ લાંબાગાળાના રોકાણકારો માટેે આ સુવર્ણ તક છે.

