વડોદરા- ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં યુવા શક્તિ દ્વારા રાષ્ટ્ર ભક્તિ અને શૈક્ષણિક તેમજ સામાજિક સેવાનાં કાર્યો કરતી પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા(Patriot Club of India) દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિના માનવ કલાકોની બેન્ક” (Global Patriot Human Hours Bank) નો વડોદરામાં શુભારંભ કરવામાં આવ્યો છે.
આ અનોખી બેંક છે શું?
આપે પૈસાની બેન્ક વિશે સાંભળ્યું હશે, બ્લડ બેન્ક વિશે સાંભળ્યું હશે, પરંતુ સેવા માટે વપરાતા માનવ કલાકોની(Patriot Human Hours Bank) બેન્ક વિશે નહી સાંભળ્યું હોય. પરંતુ હવે છેલ્લા 26 વર્ષોથી બાળકોમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સંસ્કાર સિંચનનું કાર્ય કરતી વિવેક ક્લબના સ્થાપના દિવસના રોજ “સેવાયોગ” સ્વરૂપે વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિના માનવ કલાકોની બેન્ક (Global Patriot Human Hours Bank)નો ગુજરાતના વડોદરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિશિષ્ટ બેંકનું ઑનલાઈન લોન્ચિંગ
“સેવાયોગ” રૂપી આ વિશિષ્ટ બેંકનો પ્રારંભ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ- વડોદરાના સચીવ પૂજ્ય સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવી રહેલ ગુજરાત સરકારના અધિક કલેક્ટર નારાયણ માધુજી, ભારત સરકારના ભૂતપૂર્વ મુખ્ય માહિતી કમિશનર અને “સેવ ક્લચર સેવ ઈન્ડિયા” ના સંસ્થાપક ઉદય માહુકરજી, પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયાના સંસ્થાપક ડો. કમલેશ શાહ તેમજ વિવેક ક્લબના સંસ્થાપક શ્રીમતી પલ્લવી શાહ દ્વારા ઑનલાઇન લોન્ચિંગથી કરવામાં આવ્યો છે.
સેવાકીય પ્રવૃત્તિની નોંધ થશે
સેવાયોગનાં ઓનલાઇન લોન્ચિંગના આ શુભ અવસરે ક્લબના સૌ પદાધિકારીઓ, સલાહકાર સમિતિના સભ્યો, ક્લબના કાર્યકર્તા મિત્રો તેમજ સૌ શુભેચ્છકોએ હાજરી આપી હતી. આ બેન્ક માં ખાતું ખોલાવનાર સૌ સભ્યોની સેવાકીય પ્રવૃત્તિની નોંધ રાખવા અને “સેવાયોગ” નાં સફળ વ્યવસ્થાપન માટે ક્લબના જ સભ્ય પિયુષભાઈ પંચાલ દ્વારા ખાસ એપ્લિકેશન તૈયાર કરવામા આવી છે, જેનું નિર્દેશન કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ વિશિષ્ટ બેન્કને ખુલ્લી મુકવામાં આવી હતી.
રાષ્ટ્રભક્તિના માનવ કલાકો
“SEVAYOG”- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિનાં માનવ કલાકો ની બેન્કના ઓનલાઇન લોન્ચિંગ કાર્યક્રમનું સંચાલન મંથન સોલંકી તેમજ ક્લબના પ્રદેશ મંત્રી નિલેશ કનાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. દુનિયાના કોઈપણ ભાગમાં સ્વૈચ્છિક રીતે માનવ સેવાનું કાર્ય કરવા ઈચ્છતી કોઈપણ વ્યક્તિ આ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરી આ વિશિષ્ટ બેન્કમાં પોતાનું ખાતું ખોલાવી શકશે.
માનવ કલાકોની સેવાકીય પ્રવૃત્તિ
નક્કી કરેલ ક્ષેત્રમાં જેટલાં માનવ કલાકોની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હશે, તેનાં સ્થળ, તારીખ, સમય અને શક્ય હોય તો પ્રવૃત્તિના ફોટાની ખરાઇ કર્યા બાદ બેન્ક દ્વારા તેટલાં માનવ કલાકો સેવા સાધકના ખાતામાં જમા (Credit) કરવામાં આવશે. ભવિષ્યમા જયારે ખાતાધારકને આવી સમય આધારિત મદદની જરૂરિયાત ઉભી થતાં બેન્કના અન્ય ખાતા ધારકો દ્વારા આ મદદ પૂરી પાડવામાં આવશે અને એ સમયે મદદ સ્વીકારનારના ખાતામાંથી એટલાં માનવ કલાકો બાદ (Debit)કરવામાં આવશે અને સેવા આપનાર ખાતાં ધારકના નામે એટલાં જ માનવ કલાકો જમા કરવામાં આવશે.
રાહ કોની જૂઓ છો જોડાઈ જાવો બેંકમાં…
છે ને મજેદાર બેંક… આપ પણ વિચારી રહ્યા હશો કે મારે પણ આમાં ભાગ લેવો જોઈએ. હું સીનીયર સીટીઝન છું. શરીરની તંદુરસ્તી ખૂબ સારી છે, તો સેવાયોગ બેંકમાં જોડાઈને અન્યને મદદ કરવાની ભાવના ઉભી થશે અને તે સેવાયોગમાં કરેલા માનવ કલાકો તમારા ખાતામાં જમા થશે. યુવાનો કે યુવતીઓ પણ પોતાનો સ્પેર સમય આવી સેવાયોગ બેન્કમાં આપી શકે છે, અને અન્યની સેવા કરવાનો મોકો મળે તેનાથી રુડુ શું. તો વિચારી શું રહ્યા છો. જોડાઈ જ જાવ.
સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિના માનવ કલાકોની બેન્કમાં નીચેની લિંક દ્વારા જોડાવા અમારું આમંત્રણ https://sevayog.tplabs.in
આ પણ વાંચો….
Publish a Book 2026: Network Marketing Champion in 30 Days પ્રેરણાદાયી અને માર્ગદર્શક પુસ્તક