અમદાવાદ- Vishwakarma Samaj શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન – ગુજરાત (VNF) દ્વારા આગામી સમયમાં યોજાનાર “પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન – સંમેલન” ના સુચારુ આયોજનના ભાગરૂપે તારીખ 05 જુલાઈ, 2026ના રોજ અમદાવાદના નારણપુરામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન (GSC બેન્ક)માં એક મહત્ત્વની પૂર્વ તૈયારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિશ્વકર્મા સમાજમાં પ્રવર્તી 6 સમસ્યા દૂર કરવાનો સંકલ્પ લેવાયો હતો અને સમાજ માટે બંધારણ ઘડવા સહમતિ થઈ હતી.
વિશ્વકર્મા સમાજના તમામ ગોળના આગેવાનોની ઉપસ્થિતિ
આ બેઠકમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી(Vishwakarma Samaj) સમસ્ત વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના વિવિધ ગોળ, ટ્રસ્ટ અને મંડળોના પ્રમુખો, મંત્રીઓ, સામાજિક અગ્રણીઓ, મહિલા આગેવાનો, ઉદ્યોગપતિઓ અને શિક્ષણવિદો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનોએ શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા યોજાનાર મહિલા અધિવેશનની સરાહના કરી હતી અને ખૂબ સુંદર વિચારને વધાવ્યો હતો. આ મહિલા અધિવેશનમાં સમાજના આગેવાનોએ કેટલાક સૂચનો પણ કર્યા હતા.
એક નેજા હેઠળ આવવા હાકલ
શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના કન્વિનર સુનિલભાઈ પંચાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ગુજરાતના તમામ પંચાલ, લુહાર, સુથાર અને વિશ્વકર્મા સમાજના વિવિધ ગોળ, ટ્રસ્ટીઓ અને પ્રમુખ તેમજ આગેવાનો પધાર્યા હતા, તેમનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અને વિશ્વકર્મા સમાજના એક નેજા હેઠળ આવવા હાકલ કરી હતી. તેમજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત નારી શક્તિનું પણ સ્વાગત કર્યું હતું.
હવે ચિંતન કરવાનો સમય પાકી ગયો છેઃ વિરેન્દ્રભાઈ પંચાલ
શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ પંચાલે જણાવ્યું હતું કે અમારા વડાદરોમાં (Vishwakarma Samaj) 27 મંડળો છે. તેમનું એક જ સ્ટીરીયો ટાઈપ કામ, દર વર્ષે ચોપડા વિતરણ, વાડી બનાવવી, ટોપ આવનાર વિદ્યાર્થીઓનું સમ્માન કરવું. આ કાર્ય તો કરવું જ જોઈએ. પણ હવે કંઈક વધુ આગળ વિચારવાનો સમય આવી ગયો છે. વિશ્વકર્મા સમાજમાં મુખ્ય છ સમસ્યાનો સામનો કરી રહ્યુ છે, તેના પર સમાજે ચિંતન કરવાની તાતી જરૂરિયાત છે. ઘટતી જતી વસ્તી, પરિવારો તૂટતા જાય છે, મોડી ઉંમરે લગ્ન અને છૂટાછેડાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મુળ સમસ્યાઓ છે તેના માટે આપણે કંઈક કરવું પડશે. જેથી આપણે બધા ભેગા થયા છીએ. આપ આપના વિચારો અને સુચનો રજૂ કરો.
સમાજ માટે બંધારણ જરૂરીઃ સંજયભાઈ પંચાલ
શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના પ્રમુખ સંજયભાઈ પંચાલે આ બેઠકમાં કહ્યું હતું કે હવે સમાજ માટે કંઈક કરવાની ભાવના છે. અત્યારે નહી કરીએ તો બહુ મોડુ થઈ જશે. આવનારી પેઢી આપણને માફ નહી કરે. આપણે વિશ્વકર્મા સમાજને નડતી છ સમસ્યાઓના ઉકેલ માટે ભેગા થયા છીએ અને 22 નવેમ્બરે જે મહિલા અધિવેશન યોજાવાનું છે, તેમાં પણ આ આ મુદ્દા પર ગંભીર રીતે વિચાર કરાશે. તેના નિષ્કર્ષરૂપે આપણે સમાજ માટે એક ગાઈડલાઈન અને બંધારણ બનાવવું છે. આ બંધારણ એવું બનશે કે જે સમાજ માટે જીવન માર્ગદર્શિકા બનશે. તેના નિમિત્ત આપણે બધાએ બનવાનું છે. શિક્ષણ વધ્યું છે, તેની સાથે હવે આપણે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિને જાળવવા માટે નવી પેઢી માટે નવો રસ્તો કંડારવો છે.
ધર્મિષ્ઠા બહેન ગજ્જરે વિચારો રજૂ કર્યા
તેમજ ગુજરાત રાજ્ય બાળઅધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠા બહેન ગજ્જરએ શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના વિચારોને સમર્થન આપ્યું હતું. તે સાથે તેમણે Vishwakarma Samaj સમાજને આગળ લઈ જવા માટેના તેમના વિચારો રજૂ કર્યા હતા અને કેટલાક સૂચનો પણ કર્યા હતા.
સમાજની અગ્રણી બહેનો
વિશ્વકર્મા સમાજની(Vishwakarma Samaj) બહેનોમાં નિલમબહેન પંચાલ(હારીજવાળા), શ્રદ્ધાબહેન આકાશ પંચાલ, નિલમબહેન ચુનીલાલ પંચાલ, કિંજલબહેન પંચાલ, નિલેશ્વરી બહેન પંચાલ(દાહોદ), વર્ષાબહેન મારૂ(પોરબંદર) સમાજની સમસ્યા પર પોતાના વિચારો અને તેનું સમાધાન રજૂ કર્યું હતું.
બહેનો દ્વારા સમાજ માટે કંઈક કરવાની રજૂઆત
કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી સંસ્થાના પ્રમુખ સંજયભાઈ પંચાલ, ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પંચાલ અને કન્વિનર સુનિલભાઈ પંચાલ દ્વારા આગામી સંમેલનની રૂપરેખા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ સ્ટેજ પરથી ઉપસ્થિત બહેનો દ્વારા પણ સમાજના ઉત્થાન અને મહિલા સશક્તિકરણ અંગે ખૂબ જ સુંદર અને પ્રભાવશાળી રજૂઆતો કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન (એન્કરિંગ) જીગરભાઈ પંચાલ દ્વારા ખૂબ જ સુંદર અને રસપ્રદ શૈલીમાં કરવામાં આવ્યું હતું.
22 નવેમ્બરને રવિવારે મહિલા અધિવેશન
શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આગામી 22 નવેમ્બર, 2026ને રવિવારના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સમસ્ત ગુજરાત પંચાલ લુહાર સમાજની બહેનોના ઉત્થાન અને એકતા માટે પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. (Vishwakarma Samaj) આ મહા-સંમેલન અંતર્ગત સમાજની શક્તિ, સંસ્કાર અને પ્રગતિની નવી ગાથા લખવા માટે નીચે મુજબના મુખ્ય 6 મુદ્દાઓ પર વિશેષ ચિંતન અને કાર્ય કરવામાં આવશે.
છ સમસ્યાઓ પર ફોક્સ
1. સમાજની ઘટતી જતી જનસંખ્યા અને વિઘટિત સમાજ અંગે જાગૃતિ લાવવી.
2. બહેનોના કૌશલ્ય વિકાસ (Skill Development) માટે ખુલ્લું મંચ પૂરું પાડવું.
3. દીકરા-દીકરીઓના મોડા થતા લગ્નની સમસ્યાનું યોગ્ય નિવારણ લાવવું.
4. સમાજમાં છૂટાછેડાના વધતા જતા પ્રમાણ પર ચિંતન કરવું.
5. નાની ઉંમરે સમાજના યુવાનો માટે શિક્ષણની સાથે સાથે રોજગારની તકો ઊભી કરવી.
6. સામાજિક દેખાદેખીમાં થતા બિનજરૂરી ખર્ચાઓને અટકાવવા.
સ્ત્રી શક્તિને ઓળખો
મહિલા અધિવેશનની પૂર્વ તૈયારી મિટિંગની અભૂતપૂર્વ સફળતા બાદ, સંસ્થાના હોદ્દેદારોએ નારી શક્તિને ઓળખીને હવે તેમને સમ્માન સાથે સમાજમાં સુધારા કરવાની એક પહેલ કરી છે, તેને બિરદાવી હતી. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા તમામ સામાજિક આગેવાનો, ઉદ્યોગકારો અને ખાસ કરીને માતૃશક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને નવેમ્બર મહિનામાં યોજાનારા મુખ્ય કાર્યક્રમને પણ ઐતિહાસિક બનાવવા માટે આહ્વાન કર્યું હતું.
- ભરત પંચાલ, એડિટર

