ગાંધીનગર- Power shortage in Gujarat ગુજરાત રાજ્યમાં ઊર્જા ક્ષેત્રે સતત વધી રહેલી વીજ માંગ અને પુરવઠાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં વીજળીની ખેંચ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરીને તાત્કાલિક પગલા ભરવા આદેશ આપ્યા હતા.
ભવિષ્યના સુદ્રઢ આયોજન અંગે ચર્ચા
આ સર્વગ્રાહી સમીક્ષા બેઠક મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ હતી. જેમાં ઊર્જાપ્રધાન ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના પ્રધાન કૌશિકભાઈ વેકરીયા, અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે લીધેલાં તાત્કાલિક પગલાં અને ભવિષ્યના સુદ્રઢ આયોજન અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
વીજ માંગ 36 ટકાથી વધુ વધી
Power shortage in Gujarat તાજેતરમાં નોંધાયેલી વીજ માંગને પહોંચી વળવા સરકાર દ્વારા જે સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. તે અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમા પ્રસ્તૃત કરવામા આવ્યું હતું. વીજ માંગ અંગેના મુખ્ય કારણોની વિગતોમાં જણાવવામાં આવ્યું કે, તારીખ 16-10-2026 ના રોજ રાજ્યમાં અત્યાર સુધીની સર્વોચ્ચ 29,822 મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી. આ માંગ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં નોંધાયેલી 21,822 મેગાવોટની સરખામણીએ 36.6 ટકા વધુ છે.
વીજ વપરાશમાં 27 ટકા વધારો
એટલું જ નહિં, તારીખ 16-10-2026 ના રોજ રાજ્યનો દૈનિક વીજ વપરાશ 574 મિલિયન યુનિટ રહ્યો હતો, તે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં આ વપરાશ 457 મિલિયન યુનિટ હતો. તે દર્શાવે છે કે વીજ વપરાશમાં 27 ટકા જેટલો વધારો થયો છે. રાજ્યમાં કુલ સપ્લાય કરવામાં આવેલી વીજળીમાંથી PGVCL માં અંદાજે 30 ટકા, DGVCL માં 22 ટકા, UGVCL માં 22 ટકા, MGVCL માં 10 ટકા અને અન્ય ડિસ્કોમમાં 16 ટકાનો વપરાશ થયો છે, તેમ પણ જણાવવામાં આવ્યું હતું. આ બધા પરિબળોને પરિણામે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમિયાન રાજ્યની વીજ માંગ ગત વર્ષોની સરખામણીએ આશરે 12 ટકા (આશરે 4,000 મેગાવોટ) જેટલી વધી છે.
વીજ વિતરણ કંપનીઓ રાત-દિવસ સતત કાર્યરત
Power shortage in Gujarat સાંજના 5 થી રાત્રે 11 વાગ્યા સુધી સૂર્યાસ્ત બાદ સોલાર ઉત્પાદન શૂન્ય થતાં અને પવન ઊર્જા અનિયમિત હોવાથી, માંગને પહોંચી વળવા કોલસા અને ગેસ આધારિત પ્લાન્ટ્સમાંથી અવિરત પુરવઠો સરકાર આપી રહી છે. સાથો-સાથ ગ્રીડની ફ્રીક્વન્સી અને સંતુલન જાળવવા રાજ્યમાં લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) અને વીજ વિતરણ કંપનીઓ રાત-દિવસ સતત કાર્યરત છે.
અલનિનોની અસરના કારણે તાપમાન ઊંચું
ચાલુ વર્ષે નબળા ચોમાસા બાદ અને અલનિનોની અસરના કારણે તાપમાન સતત ઊંચું રહે છે તેથી રા કૂલિંગ લોડમાં મોટો વધારો નોંધાયો છે. આમ છતાં ખેડૂતોના ઊભા પાકને સિંચાઈનું પૂરતું પાણી પૂરું પાડવા માટે સરકાર દ્વારા પૂરતા કલાકો વીજળી આપવામાં આવી રહી છે, જેના કારણે કૃષિ લોડ વધીને દૈનિક મહત્તમ 12,000 મેગાવોટ સુધી રહ્યો છે. આગામી દિવાળીના તહેવારોને કારણે રાજ્યની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમતી થતાં વીજ માંગમાં વધારો થયો છે.
હાઇડ્રો પાવર ઉત્પાદન ઘટ્યું
Power shortage in Gujarat સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં હાયડ્રો પાવર ઉત્પાદન મહત્તમ મળતું હોય છે પરંતુ ગુજરાત અને પાડોશી રાજ્યોમાં ઓછા વરસાદને કારણે હાઇડ્રો પાવર ઉત્પાદન ઘટ્યું છે. તેમજ પવનની ગતિ ઓછી રહેવાને કારણે પવન ઊર્જાના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. તેમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આવી પરિસ્થિતી વચ્ચે પણ કોઈપણ વિક્ષેપ વિના વીજળી પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારના સંકલનથી અનેક સકારાત્મક અને સક્રિય પગલાં લીધા છે. તે અંગેની ઝીણવટપૂર્વકની સમીક્ષા મુખ્યપ્રધાને કરી હતી.
કોલસાનો પુરવઠો વધારાશે
આ સંદર્ભમાં વધુ વિગતો આપતા ઊર્જા વિભાગના પ્રઝન્ટેશનમાં જણાવવામાં આવ્યુ હતું કે, કોલસાનો પુરવઠો સુનિશ્ચિત કરવા GSECL ને જરૂરી કોલસાના રેક ઉપલબ્ધ કરાવવા માટે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવામાં આવી હતી. તદઅનુસાર કેન્દ્રીય કોલસા મંત્રાલયે નવેમ્બર સુધી રોજના 10 થી 11 રેલવે રેક અને નવેમ્બરથી રોજના 13 થી 14 રેકનો પુરવઠો સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે. રાજ્યનાં વીજ મથકોમાં કોલસાનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કરારની મુદત એક વર્ષ વધારી
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ કરાયેલી રજૂઆતના ભાગરૂપે, NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી નવેમ્બર માસ માટે 329 મેગાવોટ વીજળી ફાળવવામાં આવી છે. આસામના કેન્દ્ર સરકારના પાવર જનરેશનના ફાળામાંથી લાંબા ગાળા માટે 551 મેગાવોટ વીજળી પ્રાપ્ત થઈ છે. હાલમાં કરારિત NTPC ના બાઢ-I અને દાદરી-I થર્મલ પાવર સ્ટેશનના 716 મેગાવોટના કરારની મુદત એક વર્ષ વધારીને માર્ચ 2028 સુધીની કરવામાં આવી છે.
500 મેગાવોટની વધારાની ફાળવણી માટે માંગણી
Power shortage in Gujarat કેન્દ્ર સરકાર હસ્તકના પાવર જનરેશનના અન-એલોકેટેડ ફાળામાંથી 500 મેગાવોટની વધારાની ફાળવણી માટે રાજ્ય દ્વારા માંગણી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્પન્ન થતી આશરે 12,000 મેગાવોટ સોલાર ઊર્જાનો દિવસ દરમિયાન મહત્તમ ઉપયોગ થાય અને ખેતીવાડી લોડ માત્ર દિવસના સૌર કલાકોમાં જ વપરાય તેવું સુદ્રઢ આયોજન પણ કરવામાં આવ્યું છે તેમ ચર્ચામાં જણાવાયું હતું.
ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ પર કામ શરૂ
મુખ્યપ્રધાને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અને લાંબા ગાળાનું આયોજન અંગે ઊર્જા વિભાગે કરેલા આયોજનની વિગતો આપતા ઊર્જા અગ્ર સચિવે કહ્યુ કે, સાંજના પીક અવર્સની માંગને પહોંચી વળવા માટે વિભાગે અત્યાધુનિક ટેકનોલોજી અને ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી દીધું છે.
ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે
દિવસની સોલાર ઊર્જાનો સંગ્રહ કરી સાંજે તેનો ઉપયોગ કરવા માટે કાયમી ઉકેલ તરીકે BESS ક્ષમતા વધારવામાં આવી રહી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, રાજ્યમાં હાલ 192 મેગાવોટની BESS સિસ્ટમ કાર્યરત છે. 2742 મેગાવોટ / 5517 મેગાવોટ-કલાક ક્ષમતા માટેના નવા કરારો પૂર્ણ થઈ ચૂક્યા છે. માર્ચ 2027 સુધીમાં 500 મેગાવોટ / 1000 મેગાવોટ-કલાકની ક્ષમતા કાર્યરત થઈ જશે. 1000 મેગાવોટ / 4000 મેગાવોટ-કલાકની ક્ષમતાના પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
લોંગ ટર્મ આયોજન – કેન્દ્રિય ફાળવણી
ગુજરાત રાજ્યમાં વીજ પુરવઠો અને ઉત્પાદન અંગે લાંબાગાળાનું જે આયોજન કેન્દ્ર સરકારના સહયોગથી કરવામા આવ્યું છે તે અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ થયાં હતા. તેમાં જણાવવામાં આવ્યું હતુ કે,સેન્ટ્રલ જનરેટિંગ થર્મલ સ્ટેશનમાંથી 1300 + મેગાવોટ રાજ્યને ફાળવવામાં આવ્યું છે અને તે વર્ષ 2028-29 થી તબક્કાવાર ઉપલબ્ધ થશે.સેન્ટ્રલ જનરેટિંગ હાઇડ્રો સ્ટેશનમાંથી પણ 1200 + મેગાવોટ વીજળીની ફાળવણી કરવામાં આવી છે,તે પણ 2028-29 થી મળશે. 2031-32 ની વીજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ જનરેટિંગ થર્મલ સ્ટેશનમાંથી વધુ 5000 + મેગાવોટ વીજળી ફાળવવા કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે.
4000 મેગાવોટ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડાશે
રાજ્યમાં નવા પ્રોજેક્ટ્સ અને ટેન્ડરિંગ સંદર્ભમાં આ બેઠકની ચર્ચાઓમાં જણાવવામાં આવ્યુ હતુ કે, GUVNL દ્વારા SHAKTI સ્કીમ હેઠળ 4000 મેગાવોટ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે, તેનાથી 2030-31 થી વીજળી પ્રાપ્ત થશે. NPCIL સાથે 4200 મેગાવોટના ન્યુક્લીઅર પાવર પ્રોજેક્ટ માટે MoU કરવામાં આવ્યા છે, તેનું પ્રથમ યુનિટ 2032 માં કાર્યરત થવાની સંભાવના છે.
સીએમના દિશાનિર્દેશો
આ ઉપરાંત ઉકાઈ ખાતે 800 મેગાવોટનો નવો થર્મલ પ્લાન્ટ નિર્માણાધીન છે તે સપ્ટેમ્બર 2029 થી વીજ ઉત્પાદન શરૂ કરશે. તેમજ સિનોર, વણાકબોરી અને ગાંધીનગર ખાતે નવા થર્મલ પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે જમીન સંપાદન અને સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ બેઠકમાં સમગ્રતયા રાજ્યની વીજ માંગ અને પુરવઠાની ઉપલ્બધી તથા ભાવિ કાર્ય આયોજન અંગે થયેલી ગહન ચર્ચાઓ બાબતે ઊર્જા વિભાગને વધુ ગતિથી આગળ વધવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.
બેઠકમાં ઉપસ્થિત
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યપ્રધાનના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ સહિત પાવર સેક્ટરના અન્ય ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

