
Image Generated by AI
અમદાવાદ- Navratri Special Maa Mahagauri મહાશક્તિની આરાધનાના અતિ પવિત્ર એવા નવલા નોરતાં તેના અંતિમ ચરણમાં છે ત્યારે નવરાત્રીમાં માતા નવદુર્ગાનું અષ્ટમ સ્વરુપ એવાં માતા મહાગૌરીની પૂજાઅર્ચના શક્તિ પ્રદાન કરે છે. આવો જાણીએ માતા મહાગૌરીનો મહિમા…
દેવીનો વર્ણ ગૌર છે…
માતા મહાગૌરીના પૂજનઅર્ચન કરતાં માતાનું દર્શન આનંદમય બને છે. માતા મહાગૌરીની ચાર ભૂજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. માતા મહાગૌરી વૃષભ પર બેઠેલાં છે એટલે તેમને “વૃષારુઢા”તરીકે પણ ઓળખાય છે. દેવીનો વર્ણ ગૌર છે, જેથી તેઓ મહાગૌરી કહેવાયા છે. વસ્ત્ર આભૂષણ પણ શ્વેત છે એટલે “શ્વેતાંબરધરા”તરીકે પણ ઓળખાય છે. માતા મહાગૌરીની મુખમુદ્રા અત્યંત શાંત છે.
માતા મહાગૌરીનું નામ કેવી રીતે મળ્યું?
Navratri Special Maa Mahagauri માતા પાર્વતી આદ્યશક્તિ તરીકે વિવિધ સ્વરૂપે પૂજાયાં છે, જેનો ઈતિહાસ આપણાં ગ્રંથોમાં અને લોકમુખે જાણવા મળે છે. માતા મહાગૌરીની કથા પણ માતા પાર્વતી સાથે અનુસંધાન સાધે છે. માતા પાર્વતીએ ભગવાન શંકરની અતિ કઠિન ઉપાસના કરી, તપ કર્યું. અતિ તપના કારણે માતાનું વદન શ્યામવર્ણ થઈ ગયું હતું. કૃશકાય બની ગયેલાં મા પાર્વતી પર ભોળાનાથ પ્રસન્ન થયાં અને તેમની તપશ્ચર્યા પૂર્ણ કરાવી. આ સમયે ભગવાને માતા પાર્વતીને ગંગાજળથી સ્નાન કરાવ્યું હતું. આ સાથે જ માતા પાર્વતી અતિ કાંતિમય સ્વરુપ ધારણ કર્યું અને શુભ્રવર્ણા બન્યાં. જેથી તેમને મહાગૌરી એવું નામ મળ્યું. માતા મહાગૌરી અત્યંત પ્રસન્ન મુદ્રામાં ભક્તોને માંગ્યા મનોરથ પૂર્ણ કરનારાં અને સ્મરણ કર્યે સાદ પૂરનારાં કહેવાયાં છે.
અષ્ઠમીએ હવનનું મહત્ત્વ
નવરાત્રીના આઠમાં નોરતાંને ઉમાષ્ટમી તરીકે પણ ઓળખાય છે અને સમગ્ર નવરાત્રીના અનુષ્ઠાન સંદર્ભે આ દિવસે હવન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. આજના આઠમના દિવસે દરેક શક્તિ મંદિરમાં હવન થાય છે. ગુજરાતમાં તો શક્તિપીઠ અંબાજી સહિતના મોટા મંદિરોમાં આજના દિવસે વિશેષ હવન યોજાય અને
માતાજીને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે. હવનનો નભમાં જતી ધૂમ્રસેરોથી સમગ્ર વાતાવરણ સુગંધિત, પવિત્ર અને શુદ્ધ થઈ જતું હોય છે. જે જીવમાત્રને માટે ખૂબ જ સ્વાસ્થ્ય પ્રદાન કરનાર હોય છે. નભોમંડળમાં અલૌકિક તેજ વ્યાપે છે અને પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરવા, કષ્ટ કાપવા મા મહાગૌરી આશીર્વાદ આપે છે.
દુર્ગા સપ્તશતી-ચંડીપાઠ
Navratri Special Maa Mahagauri આઠમના દિવસે દુર્ગા સપ્તશતી-ચંડીપાઠના શ્લોકોનું સ્મરણ કરીએ તો અનેરો આનંદ મળે છે. સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. માતા પાસે બાળક બનીને યાચી રહેલો ભક્ત તેના મનમાં પ્રાર્થના કરે છે કે હે મા સમગ્ર વિશ્વનું કલ્યાણ કરજે અને સદબુદ્ધિ આપજે કે તું તારી ભક્તિ કરી શકું. ભવદુઃખ કાપજો, ત્રિવિધ તાપ ટાળજો.
માર્કંડેય પુરાણ, દેવી ભાગવત
દુર્ગા સપ્તશતીનું અધ્યયન મુખ્ય માનવામાં આવ્યું છે. માર્કંડેય પુરાણ, દેવી ભાગવત પણ તેના મુખ્ય ગ્રંથ છે. તો અન્ય પુરાણોમાં પણ દેવીનું કોઇને કોઇ કથાનક હોય છે. માતા મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળીના ત્રિરુપની ઉપાસના તેના ઉપાસકને કોઇ વાતે વંચિત રહેવા દેતાં નથી, એવો તેમનો મહિમા ગવાયો છે.
આઠમે નૈવેધ ધરાવાય છે
નવરાત્રીની આઠમે કુળદેવીના નૈવેધ ધરાવાય છે અને કુળદેવી માતાજીના માંડવા પણ નંખાય છે. આ દિવસે માતાજી સાક્ષાત હોય છે, અને તે દિવસે માંગેલ વરદાન અક્ષય ફળ આપે છે. માની કૃપા મેળવવા માટે આઠમને વધુ શ્રેષ્ઠ કહેવાઈ છે, જેથીને મહાષ્ટમી કહેવાય છે.
મહાગૌરીને નમન
આપણે સૌ મહાશક્તિ નવદુર્ગાના નોરતાંની ભલે ઘરમાં રહીને ઉપાસના કરી રહ્યાં હોઇએ પણ આપણાં મનઃચિત્તમાં માતા ભગવતીની અપરંપાર અનુકંપા અને આશીર્વાદની અનુભૂતિ સાથે મહાગૌરીને શત શત નમન કરીએ.
- પારુલ રાવલ, વરિષ્ઠ પ્રત્રકાર, અમદાવાદ

