Navratri Special Maa Siddhidatri: નવમાં નોરતે મા સિદ્ધિદાત્રીનો મહિમા જાણીએ

by Gujarati biz news
Navratri Special Maa Siddhidatri
Navratri Special Maa Siddhidatri

Image Generated by AI

અમદાવાદ- Navratri Special Maa Siddhidatri નવરાત્રીના આઠ દિવસ મા ની ભક્તિ કરતા કરતાં જોતજોતામાં પસાર થઈ ગયા અને આજે નવમાં નોરતે નવરાત્રીની પૂર્ણાહૂતિના દિવસે માતા નવદુર્ગાના નવમાં સ્વરુપ સિદ્ધિદાત્રીનો મહિમા જાણીએ.

સફળતા સ્વયં એક સિદ્ધિ

Navratri Special Maa Siddhidatri માતા સિદ્ધિદાત્રી બધા પ્રકારની સિદ્ધિઓ આપનાર છે. અનુષ્ઠાનપૂર્વક, સાધનાના વિધિવિધાન અને ભક્તિભાવથી સાધના કરનાર સાધક માટે મા સિદ્ધિદાત્રી ઘણી સિદ્ધિઓ મેળવી શકતાં હોય છે. સંસારના પુરુષાર્થને પામવા અનેક પ્રકારના સામર્થ્યની જરુર હોય છે ત્યારે સફળતા સ્વયં એક સિદ્ધિ છે જે હરકોઇની વાંછના હોય છે એ ભલે પછી વૈરાગી હોય. તેને પણ અનાશક્તિની વાંછના રહે છે. તો વળી સંસારીની અનેક સમસ્યાઓ વચ્ચે ઘૂમતાં રહેતાં ગૃહસ્થો માટે શું કહેવું? માતા સિદ્ધિદાત્રીની ઉપાસના, મનવચન અને કર્મથી કરેલી ભક્તિ કદી વિફળ થઈ શકતી નથી અને માતાની અનુપમ કૃપા આવી મળે છે. નવરાત્રિના નવમા દિવસે આપણે માતાજીનું ધ્યાન ધરીએ.

માતા સિદ્ધિદાત્રીનું પ્રાક્ટ્ય

દેવી ભાગવત્‌ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી હતી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ
ધરાવતાં ન હતાં. જેથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યાં હતાં. દેવીપુરાણ અનુસાર ભગવાન શિવે તેમની
કૃપાથી જ સર્વસિદ્ધિઓ મેળવી હતી. સિદ્ધિદાત્રીના સમાવેશથી જ ભગવાન શિવનું અડધું શરીર નારીરુપા એટલે કે અર્ધનારેશ્વરનું બન્યું હતું.

મા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ

Navratri Special Maa Siddhidatri માતા સિધ્ધિદાત્રી ચતુર્ભૂજ છે. માતા સિદ્ધિદાત્રીની સિંહ પર સવારી કરે છે. કમળનું ફૂલ માતાનું આસન છે. તો  તેમના એક હસ્તમાં કમળનું ફૂલ છે. તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે.  જેઓને વિશેષપણે કેતુ ગ્રહની બાધા નડતી હોય તેમને માટે માતા સિદ્ધિદાત્રી સર્વપ્રકારે સુખદાતા મનાયાં છે, કેતુગ્રહથી થતી તમામ મુશ્કેલીઓનું નિવારણ માતા સિદ્ધિદાત્રીની ભક્તિમાં છે. માતા સિદ્ધિદાત્રીની ભક્તિ મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસૂર અને સિદ્ધ પણ કરે છે.

ઓમ્ ઐઁ, હ્રીઁ, સિદ્ધિદાત્રયૈ મમ્ સુખ-શાંતિ દેહિ દેહિ સ્વાહા

આ પ્રકારે મા સિદ્ધિદાત્રીનું સ્મરણ કરવામાં આવે છે. મા સિદ્ધિદાત્રીની વિશેષ ભક્તિ અર્થે આજે શ્રીસૂક્તનો પાઠ કરવાનું ઉત્તમ માનવામાં આવ્યું છે. ઘણાં ભક્તો આજે શક્રાદય સ્તુતિનો પાઠ પણ કરે છે અને માનો મહિમા જાણીને નમન કરીને કૃતાર્થ થાય છે.

જગતજનનીની માતૃવંદના

Navratri Special Maa Siddhidatri નવરાત્રીની નવ રાત્રીઓની આરાધના કરતાં આપણે પણ આ વર્ષના અંતિમ પડાવ પર છીએ ત્યારે મનુષ્ય જીવનની સંપૂર્ણતાને પામીએ, સ્વસ્થ જીવન પામીએ. ત્રિદેવના- સર્જનના સ્વામી પણ મહામાયા મહાશક્તિને ભજનારાં છે. અનંત બ્રહ્માંડની  કારણ શક્તિ, આધારશક્તિ અને પરાશક્તિ પણ એ પરમેશ્વરી જ છે. જગદંબા જગતજનનીની માતૃવંદના કરીને આપણી ભૂલોની ક્ષમા યાચીએ.

  • પારૂલ રાવલ, વરિષ્ઠ પત્રકાર, અમદાવાદ

You will also like

Leave a Comment