શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજીમાં આગામી તારીખ 23 થી 29 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. ભાદરવી મહાકુંભ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના નેતૃત્વ અને અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર મેળો યોજવા સજ્જ બન્યું છે. આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વોટર પ્રુફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રસાદ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા પુરવઠા અધિકારી એચ. કે. ગઢવીએ જણાવ્યું કે, ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને પ્રસાદ મેળવવામાં કોઇપણ પ્રકારની અગવડ ન પડે તથા માઇભક્તોને પુરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે આજે અંબાજીમાં ગણેશ ચુતર્થીના પવિત્ર દિવસથી પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. મેળામાં આવતા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન 40 લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરીયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામા આવશે. આ માટે એજન્સીને અગાઉના દિવસે પ્રસાદ બનાવવાની જાણ કરવામાં આવશે. પ્રસાદ વ્યવસ્થા વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ રહેશે. જેના માટે પુરવઠા વિભાગનો સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે. પુરતા પ્રમાણમાં સીધુ-સામાન, પ્રસાદની ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાશે. ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે.




