અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે બે તરફી વધઘટ બાદ ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 372 પોઈન્ટ ઘટી 76,728 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 109 પોઈન્ટ ઘટી 23,946 બંઘ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 340 પોઈન્ટ ઘટી 57,727 બંધ થયો હતો. દરેક ઊંચા લેવલ પર પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. શેરબજારમાં ઘટાડો આવવાના કયા કારણો? કાલે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી જોઈએ તો સપોર્ટ લેવલ તૂટ્યા છે? શેરબજારમાં(Share Market India) તેજી કયારે આવશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 372 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 77,055ના નરમ મથાળે ખૂલીને શરૂમાં નવી લેવાલી નીકળતાં ઉછળી 77,252 થયો હતો, ત્યાં નફારૂપી વેચવાલીથી ઘટી 76,621 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,728.37 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 372.10નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 24,000 નીચે બંધ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,061ના મથાળે ખૂલીને શરૂમાં વધી 24,120 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલીથી ઘટી 23,924 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે23,946.25 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 109.75નો ઘટાડો દર્શાવે છે.
ઊંચા મથાળે નફારૂપી વેચવાલી
શુક્રવારે વૈશ્વિક સ્ટોક માર્કેટ ભારે ડાઉન હતા, જેથી આજે સવારે ભારતીય શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. જો કે શરૂમાં નવી લેવાલીથી ઉછાળો પણ આવ્યો હતો. જો કે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી ફરી વળી હતી, જેથી શેરોના ભાવ ઘટ્યા હતા. આજે ઓટોમોબાઈલ, બેંક, ડીફેન્સ, આઈટી, મીડિયા, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલીથી ઘટાડો હતો. જ્યારે ફાર્મા અને મેટલ સેકટરના શેરોમાં નવી લેવાલીના ટેકાથી સુધારો આવ્યો હતો.
વેચવાલી આવવાના કારણો
(1) શુક્રવારે મોડી રાત્રે યુએસ ઈરાન વચ્ચે ફરીથી તંગદિલી સર્જાઈ છે. સીઝફાયરનો ભંગ થયો છે. યુએસે ઈરાન પર હૂમલો કર્યો છે. ઈરાને મીડલઈસ્ટ દેશોમાં યુએસના આર્મી બેઝ પર ડ્રોન હૂમલો કર્યો છે. આમ ફરીથી પીસ ડીલ પર પ્રશ્નાર્થ સર્જાયો છે.
(2) ઈરાન સાથે યુદ્ધના સમાચારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ વધીને 72.72 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ ક્રૂડ ઓઈલ 1 ડૉલર વધીને 70.28 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડ વધીને આવતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(3) ભારતમાં ચોમાસું નબળું રહ્યું છે. જૂન મહિનામાં અત્યાર સુધીમાં થયેલો વરસાદ ખૂબ ઓછો છે. ચોમાસું મોડુ અને નબળું રહેતાં ચિંતાનો વિષય છે. જેથી તેજીવાળા ખેલાડીઓએ નફો બુક કર્યો હતો.
(4) કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જે અગાઉ મોટાભાગે પ્રોફિટ બુકિંગ રહ્યું હતું અને બે તરફી વધઘટમાં ઉભી પોઝિશન સ્કેવરઓફ અને રોલઓવર થઈ હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 228 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 117 પોઈન્ટ માઈનસ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1330 શેરના ભાવ વધ્યા હતા અને 2036 શેરના ભાવ ઘટ્યા હતા.
130 સ્ટોકમાં લોઅર સર્કિટ
112 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 61 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 95 શેરમાં અપર સર્કિટ અને 130 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
મેક્સ હેલ્થકેર(2.37 ટકા), ડૉ. રેડ્ડી લેબ(2.26 ટકા), કૉલ ઈન્ડિયા(1.72 ટકા), ઈટરનલ(1.57 ટકા) અને બીઈએલ(1.55 ટકા)
ટોપ લુઝર્સ
કોટક બેંક(2.93 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(2.43 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.24 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(2.10 ટકા) અને ઈન્ડિગો
કાલે શેરબજાર કેવું રહેશે?
કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેથી બે તરફી વધઘટ જોવાઈ શકે છે. પણ ટેકનિકલી હજી માર્કેટ મજબૂત છે. નિફ્ટી 23,850ના સ્ટ્રોંગ સપોર્ટ લેવલ ઉપર છે, ત્યાં સુધી તેજી કરી શકાય અથવા ઘટાડે લઈને વેચાણ કરી શકાય. નિફ્ટી 24,000 અને 24,200 કૂદાવશે તો નવી તેજી થશે. તેવી જ રીતે સેન્સેક્સમાં 76,200નું સપોર્ટ લેવલ છે અને ઉપરમાં 77,300 કૂદાવશે તો સારી તેજી થશે. બેંક નિફ્ટીમાં 57,600નું સપોર્ટ લેવલ આવે છે. તેમજ 58,300 કૂદાવતાં 59,000 સુધીનું લેવલ બતાવી શકે છે.

