Navratri Special Mata Kushmanda: ઉદરથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારાં માતા કુષ્માંડા, જાણો માતાજીના ચતુર્થ સ્વરુપનો મહિમા…

by Gujarati biz news
Navratri Special Mata Kushmanda
    Navratri Special Mata KushmandaImage Generated by AI

અમદાવાદ– Navratri Special Mata Kushmanda મા જગદંબા અંબાના નવ નવ રાતના મહાશક્તિની ભક્તિના અહોરાત્ર ચાલી રહ્યાં છે. નવરાત્રીમાં ચાચર ચોકમાં ઢબૂકતાં ઢોલ અને રુમઝુમતી ગુજરાતણ  નાર ગરબે ઘૂમીને માતાજીની આરાધનામાં લીન છે. માના સ્મરણ સાથે યથાશક્તિ પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી રહી છે. મા નવદુર્ગાના નવ સ્વરુપોમાં આજે નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાના સ્વરૂપનો મહિમાં જાણીએ…

માતાનું આ સ્વરુપ રોગો નષ્ટ કરનાર

આજે આસો સુદ ચોથના ચોથા દિવસે માતાના ભક્તો મા નવદુર્ગાના જે સ્વરુપને ભજે છે તે છે માતા કુષ્માડાંનું સ્વરુપ. માતા કુષ્માંડાએ પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્તપન્ન કરવાના કારણે મા નવદુર્ગાનું આ ચોથું સ્વરુપ કુષ્માંડા તરીકે પૂજાય છે. મા કુષ્માંડાના પૂજનઅર્ચનથી અનાહત ચક્ર જાગૃત કરીને સિદ્ધયોગીઓ અનેક ફળ મેળવે છે. માતાનું આ સ્વરુપ બધાં જ રોગો અને કષ્ટોનો નાશ કરનાર માનવામાં આવ્યું છે, તેમ જ તેમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની પણ વૃદ્ધિ થાય છે.

મા કુષ્માંડાનું આ સ્વરુપમાં ધ્યાન ધરો

Navratri Special Mata Kushmanda નવરાત્રીના ચોથા દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે, તેથી આ દિવસે ખૂબ પવિત્ર અને સ્થિર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાનું કાર્ય સંપન્ન કરવું જોઇએ. માના સ્વરુપનું ધ્યાન ધરીએ તો  મા કુષ્માંડાની આઠ ભૂજાઓ છે. તેથી તે અષ્ટભૂજા દેવીના નામથી વિખ્યાત છે. માતાના હસ્તમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. માના આઠમાં હાથમાં બધી સિદ્ધિ-નિધિ આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે. મા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે.  તેમની ભક્તિથી દીર્ઘાયુષની સાથે યશ, બળ, અને આરોગ્યની
વૃદ્ધિ થાય છે.

પરમ પદની પ્રાપ્તિ

મા કૂષ્માંડા સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારાં છે. જો મનુષ્ય સાચા હૃદયથી તેમને શરણે જાય તો મા અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ કરાવે છે.  લૌકિક, પારલૌકિક ઉન્નતિ ઈચ્છતાં લોકોએ મા કુષ્માંડાની ભક્તિ કરતાં તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.

કળિયુગમાં સત્વરે ફળદાયી પંચદેવમાં એક છે મા નવદુર્ગા

Navratri Special Mata Kushmanda આપણે નવરાત્રીમાં મા નવદુર્ગાના નવ સ્વરુપ જાણી રહ્યાં છીએ ત્યારે એ પણ જાણવું જોઇએ કે કળિયુગમાં સૌથી વધુ પ્રભાવી જે પાંચ દૈવશક્તિ જણાવવામાં આવ્યાં છે, તેમાં  દેવી દુર્ગા પંચદેવોમાંથી એક છે. ગણેશજી, શિવજી, વિષ્ણુજી, સૂર્યદેવ અને દેવી દુર્ગા આ પંચદેવ માનવામાં આવે છે. આથી તેમની પૂજા રોજે જ કરવી જોઇએ. કોઇપણ શુભ કામની શરૂઆત પંચદેવોના પૂજનથી જ થાય છે.

માતા નવદુર્ગાના પૂજન માટે કરો આટલું

દેવી દુર્ગાની પૂજા માટે થોડી ખાસ વસ્તુઓની જરૂર પડતી હોય છે. માતાની, મૂર્તિ હોય તો માતાને સ્નાન કરાવવા માટે તાંબાનું પાત્ર, કળશ.  દૂધ, મૂર્તિને અર્પણ કરવામાં આવતાં લાલ વસ્ત્ર, આભૂષણ, ચોખા, કંકુ, દીવો, તેલ, રૂ, અગરબત્તી, અષ્ટગંધ, ફૂલ, નારિયેળ, મીઠાઈ, પંચામૃત, સૂકો મેવો, ખાંડ, પાન, દક્ષિણા વગેરે. દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવવું જોઇએ. દેવી પૂજામાં આ બધી વસ્તુઓ અર્પણ કરવી જોઇએ. માની પૂજામાં ધૂપ અને દીપ પ્રગટાવો. લાલ ફૂલ, વસ્ત્ર વગેરે અર્પણ કરો. ચોખા ચઢાવો. નારિયેળ અર્પણ કરો. ભોગ ધરાવો. આરતી કરો. આરતી પછી પરિક્રમા કરો. દેવીને પૂજનસામગ્રી અર્પણ કરો. માતા દુર્ગાના નામનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો. પૂજામાં કોઇને કોઇ અશુદ્ધિ રહી હોય તો માતા સમક્ષ દીનહૃદયે માફી માંગવી.

ચોથા દિવસે માતાજીનો મંત્ર

નવરાત્રીના ચોથા દિવસે “ॐ देवी कूष्माण्डायै नमः॥” આ મંત્રનો જાપ કરવો જોઈએ…

કષ્ટોને કાપનાર માતાજી

મા ભગવતી નવદુર્ગા કષ્ટોને કાપનાર, આસુરીવૃત્તિઓને હણનાર, સર્વદા યશોદાયિની, મનોકામના પૂર્ણ કરનારાં છે ત્યારે નવરાત્રીની કરેલી શક્તિભક્તિ સાધક ઉપાસકને પોતાના જીવનની મુશ્કેલીએ કષ્ટોમાં રાહત આપનાર નીવડી રહે તેવી સૌ ભક્તોને શુભેચ્છા.

  • પારુલ રાવલ, વરિષ્ઠ પત્રકાર, અમદાવાદ

You will also like

Leave a Comment