
Image Generated by AI
અમદાવાદ- Navratri Special Maa Kaalratri નવરાત્રીના સાતમાં દિવસે માતા નવદુર્ગાના સાતમું સ્વરુપ કાલરાત્રિની પૂજા થાય છે. અશુભના સંહાર માટે અભયંકરીએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. જેથી તેઓ કાલરાત્રિ તરીકે ઓળખાયા છે. મહાભય અને મહાકષ્ટમાંથી મુક્તિ આપતાં માતા કાલરાત્રિ છે. જેથી આવો આપણે નવરાત્રી સ્પેશિયલમાં મા કાલરાત્રિનો મહિમા જાણીએ.
અભયંકરી માતા કાલરાત્રિ
નવરાત્રીના સાતમાં નોરતે જેમનું સ્વરુપ દર્શન પ્રથમ દ્રષ્ટિએ ભયંકર લાગે છે પણ જેઓ છે અભયંકરી એવાં માતા કાલરાત્રિ, તેમનું પૂજનઅર્ચન, યજનભજન કરવાનો સમય છે. મા કાલરાત્રિને પ્રસાદમાં ગોળ ધરાવાય છે. ગોળ તેમની ખૂબ પ્રિય છે. માતા કાલરાત્રિની આરાધના સાચા મનથી કરી હોય તો માતાજી તેની સર્વ મનોકામના પૂર્ણ કરે છે.
માતા કાલરાત્રિનું શાસ્ત્રોક્ત વર્ણન
Navratri Special Maa Kaalratri આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ માતા નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમની ચાર ભૂજાઓ દર્શાવાઈ છે. માતાએ એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહઅસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. માતા દેખાવે કૃષ્ણવર્ણનાં છે. તેમનું વાહન ગદર્ભ છે. માતા કાલરાત્રિને ત્રણ નેત્રોવાળાં દર્શાવાયાં છે. છે. ગળામાં અલૌકિક માળા ધારણ કરેલી છે. શ્વાસોચ્છ્વાસમાં અગ્નિ જવાળાઓ પ્રકટે છે.
મા કાલરાત્રિના ભયંકર સ્વરુપનું વર્ણન
નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજનઅર્ચન કરાય છે. પ્રચલિત પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના બે મહાકષ્ટકારી અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બંને દૈત્યોએ ઇન્દ્રના ત્રણ લોક અને યજ્ઞભાગ પડાવી લીધાં હતાં. સૂર્યચંદ્ર અને દેવો સહિત તમામ દેવના અધિકારો હણી લીધાં હતાં અને તેમને સ્વર્ગમાંથી બહાર કરી દીધાં હતાં. ત્યારે તેઓએ હિમાલયના ઊંચા શિખરો પરથી માતા મહાદેવીને પ્રાર્થના કરતાં દીર્ઘસ્તુતિ કરી હતી. આ સમયે માતા પાર્વતી ત્યાં ગંગાસ્નાન માટે પધાર્યાં હોય છે. તેથી દેવોની સ્તુતિ સાંભળી અનુકંપિત થઈને મા ભગવતીએ પૃચ્છા કરવાની સાથે તેમણે પોતાનામાંથી એક શક્તિ ઉત્પન્ન કરી. તે દેવી કૌશિકી-કૃષ્ણવર્ણનાં હોઈ દેવોએ તેમને કાલિકા કહ્યાં તેમને શુંભનિશુંભનો નાશ કરવા પ્રાર્થનાઓ કરી. દેવી ભાગવતમાં આ યુદ્ધની શરુઆતમાં ચંડમુંડનો દેવી દ્વારા નાશની કથા પણ આવે છે.
શુંભનિશુંભનો વધ
Navratri Special Maa Kaalratri દુર્ગા સપ્તસતીથી પરિચિત લોકો પણ ભગવતીના એ અપ્રતિમ સાહસ અને શૌર્યની ગાથા જાણે છે અને દેવીએ કેવા ભયંકર પ્રકોપ અને ક્રોધપૂર્વ શુંભનિશુંભનો નાશ કર્યો તેનું રોચક અને સહૃદયોને શાતા આપનારું કથાનક નવરાત્રિના આ સાતમાં સ્વરુપ માતા કાલરાત્રિના મહિમાનું સ્મરણ કરવામાં આવે છે.
માતાનું એક નામ શુભંકરી
દૈત્યોના નાશ કરી સદતત્વનું રક્ષણ કરવા માટે માતા નવદુર્ગાએ પોતાના અલૌકિક શુભ્ર, મમતાભર્યાં સ્વરુપને બદલે અભક્તોને ભય પમાડનારું સ્વરુપ ધારણ કર્યું છે. ત્યારે માતાનું એક નામ શુભંકરી પણ પડ્યું છે. આ સ્વરુપની ઉપાસના કરનાર સાધકને અભય પ્રાપ્ત થાય છે.
કાલરાત્રિ શનિગ્રહના કષ્ટ કાપે છે
માતા કાલરાત્રિની ઉપાસના ભક્તને બનાવે છે ગુણસંપન્ન અને સુરક્ષિત. મા કાલરાત્રિ આપણે જાણ્યું તેમ ઉગ્રસ્વરુપા છે તેથી દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે માતાના સ્મરણ માત્રથી મનુષ્યથી દૂર થઈ જાય છે. માતા કાલરાત્રિ શનિગ્રહના કષ્ટ કાપે છે. તમામ ગ્રહબાધાઓને પણ દૂર કરનારાં છે. માતા કાલરાત્રિના ઉપાસકો ક્યારેય અગ્નિનો ભય રહેતો નથી. જળનો ભય રહ્તો નથી, જંતુનો ભય અને, રાત્રિનો ભય પણ રહેતો નથી.
સમર્પિતભાવથી ઉપાસના કરવી
Navratri Special Maa Kaalratri માતા કાલરાત્રિ શિસ્તબદ્ધતા લાવનાર શક્તિ છે, સંયમમાં લાવનાર શક્તિ છે, અતંત્રતાને હણનાર શક્તિ છે, ત્યારે માતા કાલરાત્રિની પ્રસન્નતા મેળવવા માટે સાધક ભક્ત પણ નિયમબદ્ધ બની જાય છે. મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને ધ્યાનસ્મરણમાં લાવી તેમની સમર્પિતભાવથી ઉપાસના કરવી જોઈએ. યમનિયમ, સંયમનું પૂર્ણપાલન કરી મન, વચન અને કાયાની પવિત્રતા જળવાય તેવા પ્રયત્ન કરવા જોઇએ.
ભયને ભગાડવા મા કાલરાત્રિની પૂજા કરો
માતા કાલરાત્રિ ખૂબ દયાળુ અને કરુણાભર્યાં છે તેથી જ દેવોના કષ્ટ કાપવા તરત જ રણમેદાને દૈત્યોના સંહાર માટે ભયંકર સ્વરુપ અને શસ્ત્ર ધારણ કરી દોડ્યાં હતાં.
ભક્ત પોતાના ચિત્તની આસુરીવૃત્તિઓને ડામવા અને ભયને ભગાડવા માટે હંમેશા માતા કાલરાત્રિનું ધ્યાન, પૂજન અને સ્મરણ કરતાં રહે છે.
મા કાલરાત્રિનો મંત્ર
નવરાત્રીના સાતમાં નોરતે “ઓં એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે ઓં કાલરાત્રિ દેવ્યૈ નમઃ” મંત્રનો જાપ કરવામાં આવે છે.
- પારુલ રાવલ, વરિષ્ઠ પત્રકાર, અમદાવાદ

