VGRC 2026: ગુજરાત સ્થાપના દિને સુરતમાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, કયા સેકટર પર રહેશે ફોક્સ?

by Gujarati biz news
VGRC 2026

ગાંધીનગર- VGRC 2026 દક્ષિણ અને મધ્ય ગુજરાતના પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે આગામી 01 અને 02 મે, 2026 ના રોજ સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC 2026)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્તરે ઔદ્યોગિક રોકાણોને આકર્ષવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડી વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવાનો છે. 01 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનારી આ કોન્ફરન્સ રાજ્યના આર્થિક પરિદૃશ્યમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.(Vibrant Gujarat Regional Conference to be held in Surat on Gujarat Foundation Day)

16 જિલ્લાને આવરી લેવાશે

આ મહત્વપૂર્ણ(VGRC 2026) કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમ માત્ર પ્રાદેશિક સિદ્ધિઓના પ્રદર્શન પૂરતો મર્યાદિત ન રહેતા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને વ્યૂહાત્મક રોકાણો દ્વારા રાજ્યની વિકાસગાથાને વધુ મજબૂત બનાવવાના સબળ માધ્યમ તરીકે કાર્ય કરશે. VGRCના સફળ પરિણામોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પર પણ પ્રદર્શિત કરવામાં આવશે.

આ સેકટર પર વિશેષ ભાર

VGRC 2026 કોન્ફરન્સ દરમિયાન વિવિધ ક્ષેત્ર-વિશિષ્ટ સેમિનારોનું આયોજન કરવામાં આવશે, જેમાં રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, કાપડ, જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, અને આઈટી જેવા ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, એરોસ્પેસ, સંરક્ષણ, ફિનટેક, બાયોટેક/બાયોફાર્મા, ESDM, IT & ITeS અને એમ.એસ.એમ.ઈ જેવા ક્ષેત્રોમાં રહેલી વિપુલ તકો વિશે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પૂરું પડાશે

આ કાર્યક્રમની સાથે જ એક વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે, જેમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઉદ્યમી મેળા અને ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ જેવા આકર્ષણો સ્થાનિક ઉદ્યોગસાહસિકોને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પૂરું પાડશે.

મહેસાણા અને રાજકોટની સફળતા પછી સુરત

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા(VGRC 2026) સંતુલિત પ્રાદેશિક વિકાસના અભિગમ સાથે અગાઉ તારીખ 09-10 ઓક્ટોબર 2025 માં મહેસાણામાં ઉત્તર ગુજરાત અને તારીખ 11-12 જાન્યુઆરી 2026 માં રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ માટે સફળતાપૂર્વક આવી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે યોજાયેલી પરિષદમાં જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન જેવા દેશોએ ભાગીદાર તરીકે જોડાઈને વૈશ્વિક સહયોગના દ્વાર ખોલ્યા હતા. હવે સુરત ખાતે યોજાનારી આગામી કોન્ફરન્સ દક્ષિણ અને મધ્ય ગુજરાતના પાયાના ઉદ્યોગોને સશક્ત બનાવીને રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં નવું પ્રકરણ ઉમેરશે.

આ પણ વાંચો….

PM Modi in VGRC 2026: ભારત ડેટા આધારિત ઇનોવેશન, AI રિસર્ચ, સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બની રહ્યું છે

You will also like

Leave a Comment