ગાંધીનગર- ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી અને વાહન વ્યવહારના નિયમોના અસરકારક અમલીકરણના હેતુથી હવે ખાનગી વાહનોમાં પણ ઈ-ડિટેક્શન (E-Detection) સીસ્ટમ દ્વારા વાહનોનાં જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
ટોલ પ્લાઝા પર ચકાસણી
અત્યાર સુધી રાજ્યમાં હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર ઈ-ડિટેક્શન સીસ્ટમ મારફતે મુખ્યત્વે કોમર્શિયલ વાહનો જેવા કે ટ્રક, બસ અને માલવાહક વાહનોનાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતી હતી. હવે આ વ્યવસ્થાનો વ્યાપ વધારી ખાનગી વાહનોને પણ તેમાં આવરી લેવામાં આવશે. ઈ-ડિટેક્શન સીસ્ટમ અંતર્ગત હાઈવે પરથી પસાર થતાં વાહનોની નંબર પ્લેટ ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ સીસ્ટમ મારફતે વાહનના જરૂરી દસ્તાવેજોની માન્યતા અને તેની સમયમર્યાદાની ચકાસણી કરવામાં આવશે.
વાહનચાલકોએ આ ત્રણ દસ્તાવેજો અપડેટ રાખવા જરૂરી
ઈ-ડિટેક્શન સીસ્ટમની અમલવારીને ધ્યાનમાં રાખીને તમામ ખાનગી વાહનચાલકોએ પોતાના વાહનના નીચે મુજબના જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા અપીલ કરાઈ છે.
1. PUC (Pollution Under Control): વાહનનું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જોઈએ.
2. Insurance: વાહનનો વીમો ચાલુ અને માન્ય હોવો જોઈએ.
3. Registration: વાહનનું રજિસ્ટ્રેશન માન્ય હોવું જોઈએ.
દસ્તાવેજો અમાન્ય હશે તો ઈ-ચલણની કાર્યવાહી
ઈ-ડિટેક્શન સીસ્ટમ દ્વારા વાહનના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન કોઈ જરૂરી દસ્તાવેજની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય અથવા તે માન્ય નહી હોય તો સંબંધિત વાહનચાલકને નિયમો મુજબ ઈ-ચલણ (E-Challan) મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે. આથી તમામ ખાનગી વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના વાહનના જરૂરી દસ્તાવેજોની સમયમર્યાદા અગાઉથી તપાસી લે અને સમયસર તેનું નવીનીકરણ કરાવે, જેથી હાઈવે પર મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી કે ઈ-ચલણની કાર્યવાહીનો સામનો કરવો ન પડે.
વાહન વ્યવહાર કમિશનરની અપીલ
વાહનના તમામ જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા ગુજરાત વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
જાતિ દર્શાવતાં શબ્દો લખી શકાશે નહી
ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો લખીને કે ચિહ્નો પ્રદર્શિત કરીને જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. હવે ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર કે બસ અથવા ટ્રક સહિત તમામ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ માટે ગુજરાત સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરીને આ અંગે સ્પષ્ટ જોગવાઈ કરી છે.
નિયમોમાં સુધારો
રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે ગત 17 નવેમ્બર, 2026ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કર્યા છે. આ સુધારા હેઠળ નિયમ 125ના પેટાનિયમ (1)માં ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, વાહનો પર જાહેરાતનાં ઉપકરણો અને આકૃતિઓ અંગેની જોગવાઈમાં હવે જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે.
કોઈપણ પ્રકારનું લખાણ
આ ઉપરાંત નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. આ નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આથી વાહનો પર જાતિસૂચક શબ્દો લખવાની અને જાતિ દર્શાવતા સંકેતો કે લખાણ મૂકવાની બાબતને નિયમન હેઠળ આવરી લેવામાં આવી છે.
આ પણ વાંચો….
શું તમે શિયાળુ વાવેતર કરવાની તૈયારીઓ કરી રહ્યા છો? આટલું ધ્યાનમાં રાખજો…

