અમદાવાદ- શેરબજારમાં તોફાની તેજીની આગેકૂચ રહી હતી. શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ બાઈંગ આવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 897 પોઈન્ટ ઉછળી 83,919 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 286 પોઈન્ટ ઉછળી 25,800 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 1572 પોઈન્ટ ઉછાળી 64,635 બંધ રહ્યો હતો. આગામી સપ્તાહે શેરબજારમાં ટ્રેન્ડ કેવો રહેશે?આગામી સપ્તાહે શેરબજારની તેજી કેટલી આગળ વધશે? શું હવે રોકાણકારોએ સાવધાન રહેવાની જરૂર છે? ટેકનિકલી માર્કેટ ઓવરબોટ થયું છે? આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય?
જૂઓ વીડિયો….
સેન્સેક્સે 84,000ની સપાટી કૂદાવી
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 82,558ના નીચા મથાળે ખૂલ્યો હતો, શરૂમાં વધુ ઘટી 82,403 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 84,000ની સપાટી કૂદાવીને 84,037ની હાઈ બનાવી હતી અને ટ્રેડિંગ સેશનને અંતે 83,919.71 બંધ થયો હતો, જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 897 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટીમાં 286 પોઈન્ટનો ઉછાળો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 25,368 ખૂલીને શરૂમાં ઘટી 25,345 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 25,808ની હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 25,800.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 286.30નો ઉછાળો દર્શાવે છે.
માર્કેટ કેપમાં 2.25 લાખ કરોડનો વધારો
બીજી તરફ શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે તોફાની તેજી થઈ હતી. શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ લેવાલી ફરી વળી હતી, અને નવો ઉછાળો આવ્યો હતો. બેંક નિફ્ટી 1572 પોઈન્ટનો મોટો ઉછાળો આવી 64,635 ઑલ ટાઈમ હાઈનું નવું લેવલ બતાવ્યું હતું. માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 2.25 લાખ કરોડનો વધારો નોંધાયો હતો એટલે કે રોકાણકારોની મૂડીમાં રૂપિયા 2.25 લાખ કરોડનો વધારો થયો હતો.
એફઆઈઆઈની ધૂમ લેવાલી
ભારતીય શેરબજારમાં એફઆઈઆઈનું જંગી બાઈંગ ચાલુ રહ્યું છે. માત્ર 13 ટ્રેડિંગ સેશનમાં જ એફઆઈઆઈએ કુલ રૂપિયા 1,01,640 કરોડનું ઐતિહાસિક ખરીદી કરી છે. જેને પગલે ભારતીય શેરબજારમાં એકતરફી તેજી આગળ વધી રહી છે.
ક્રૂડમાં ઘટાડો, રૂપિયો મજબૂત થયો
ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઘટીને 90 ડૉલર અને ક્રૂડ ઓઈલ ઘટીને 80 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 65 પૈસા વધી 92.64 પર સ્ટ્રોંગ રહ્યો હતો. રૂપિયો સાત મહિનાની ઊંચા સપાટીએ આવ્યો હતો. જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું.
વૈશ્વિક સ્ટોક માર્કેટમાં કડાકો
જો કે છેલ્લા ત્રણ દિવસથી વૈશ્વિક સ્ટોક માર્કેટમાં ગાબડા પડ્યા છે. એઆઈનો બબલ ફૂટશે તેવી આશંકા વચ્ચે શુક્રવારે પણ અમેરિકા, યુરોપિયન અને એશિયાઈ સ્ટોક માર્કેટમાં નવા ગાબડા પડ્યા હતા. પરંતુ ભારતીય શેરબજાર પર તેની નેગેટિવ અસર પડી ન હતી. તેમજ સાઉદી અરબની રાજધાની રિયાધ પર હૂથીઓએ હૂમલો કર્યો છે અને હોર્મુઝ પર ટેન્કરોને અટકાવી છે, એવા સમાચાર હતા. પરિણામે આગામી દિવસોમાં ક્રૂડના સપ્લાય પર અસર પડે તેવી ગણતરી મુકાતી હતી. પણ ભારતીય શેરબજારે તમામ નેગેટિવ ફેક્ટરની અવગણના કરી છે.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
મીડકેપ ઈન્ડેક્સ 406 પોઈન્ટ ઉછળ્યો હતો, જો કે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 24 પોઈન્ટ માઈનસ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. આજે 1414 શેરના ભાવ વધ્યા હતા અને 2205 શેરના ભાવ ઘટ્યા હતા.
સૌથી વધુ ઊંચકાયેલા શેરો
એપોલો હોસ્પિટલ(5.29 ટકા), એક્સિસ બેંક(4.72 ટકા), મેક્સ હેલ્થકેર(3.88 ટકા), મારૂતિ(3.11 ટકા) અને અલ્ટ્રાટેક સીમેન્ટ(3.02 ટકા).
આગામી સપ્તાહે શેરબજારમાં નવી તેજી થશે?
જ્યાં સુધી એફઆઈઆઈનું બાઈંગ ચાલુ છે, ત્યાં સુધી શેરબજારમાં વધઘટે તેજીની આગેકૂચ રહેશે. જો કે હવે શેરબજારની તેજી તોફાની બની છે. જેટલી ઝડપે વધી રહ્યું છે, તેટલી ઝડપે ઘટાડો પણ આવી શકે છે. જેથી સાવચેતી સાથે ટ્રેડ કરવો જરૂરી છે. દરેક ઘટાડે નવી લેવાલી કરવી જોઈએ. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. નિફ્ટીમાં 25,500 સપોર્ટ લેવલ રાખીને દરેક ઘટાડે ખરીદી કરી શકાય. ઉપરમાં 25,800 ઉપર ટ્રેડ કરશે તો 26,200 અને 26,400 સુધીના લેવલ બતાવી શકે છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.
આ પણ વાંચો….
FII ની ભારતીય શેરબજારમાં નવેમ્બરમાં 1,01,000 કરોડ રૂપિયાની ઐતિહાસિક ખરીદી

