શું તમે શિયાળુ વાવેતર કરવાની તૈયારીઓ કરી રહ્યા છો? આટલું ધ્યાનમાં રાખજો…

by Gujarati biz news

ગાંધીનગર- ગુજરાત રાજ્યના ખેડૂતોએ આગામી શિયાળુ સિઝનમાં પાક વાવેતર માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. ખેતી નિયામકના જણાવ્યા અનુસાર ખેડૂતોએ હંમેશાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા નોંધાયેલા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

છેતરપીંડીથી બચો

છેતરપિંડીથી બચવા માટે કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ન ધરાવતી વ્યક્તિઓ, પેઢીઓ, ફેરીયાઓ અથવા શંકાસ્પદ તત્વો પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવી નહીં. વધુમાં જણાવ્યા અનુસાર બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ અને લોટ નંબર જેવી તમામ વિગતો દર્શાવતું પાકું બિલ સહી સાથે મેળવી લેવું અનિવાર્ય છે. આ ઉપરાંત, કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થઈ ગઈ હોય તેવા ઇનપુટની ખરીદી કે વાવેતર કરવું નહીં.

વૈજ્ઞાનિક ભલામણ મુજબ દવાઓનો ઉપયોગ

ખેડૂતોએ હંમેશાં વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો ક્યાંય પણ અધિકૃત અથવા પ્રચલિત નામથી મળતાં આવતાં અમાન્ય કે નકલી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવે, તો તાત્કાલિક ધોરણે સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને આ બાબતની જાણ કરવા ખેતી નિયામક કચેરીએ જણાવ્યું છે.

પાણીનું આયોજન

પાકની પસંદગી અને પાણીનું આયોજન ખાસ કરવું જોઈએ, તે પછી જ આપે શિયાળુ વાવેતર કરવું જોઈએ. તેમજ જમીનનો પ્રકાર પણ જાણી લેવો જોઈએ. પાણીની ઉપલબ્ધતા અને સિંચાઈના ખર્ચનું બજેટ તૈયાર કરવું જોઈએ, તેમજ ઓછા પાણી અને ઓછા ખર્ચમાં પાકતાં વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.

વાવેતર કયારે કરવું?

વાવેતર કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. બિયારણને સારી ઉગાડવા માટે હવામાન અને તાપમાનની સ્થિતી પર નજર રાખવી જોઈએ. સામાન્ય રીતે તાપમાન 30 સેલ્શિયસ ડિગ્રીની નીચે જાય ત્યારે વાવતેર કરવું હિતાવહ રહેશે. પાક વાવ્યા પછી તબક્કાવાર પાણી, ખાતર અને જરૂરી દવાઓનો સમયસર ઉપયોગ કરવો જોઈએ, જેથી પાકમાં વધારો થાય અને સારી ઉપજ મેળવી શકાય.

આ પણ વાંચો…

દેવઉઠી એકાદશી કયારે છે, 20 કે 21 નવેમ્બરે… પૂજા અને પારણાનો શુભ સમય જાણો

You will also like

Leave a Comment