સુરત- Japan at VGRC 2026 સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા જાપાનના ભારત સ્થિત રાજદૂત ઓનો કેઈચીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Gujarat CM Bhupendra Patel) સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન દ્વિપક્ષીય આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.(Japanese companies keen to invest in Gujarat’s semiconductor sector)
જાપાનના રાજદૂતે આભાર માન્યો
જાપાનના રાજદૂતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સફળ આયોજન બદલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે ગુજરાત સાથે આર્થિક સહકાર વધારવા માટે જાપાનની પ્રતિબદ્ધતા પુનઃદોહરાવી હતી. ખાસ કરીને(Japan at VGRC 2026) સેમિકન્ડક્ટર સેક્ટરમાં જાપાનીઝ કંપનીઓ ગુજરાત સાથે ભાગીદારી કરવા આતુર છે તે તેમણે જણાવ્યું હતું. જાપાન રાજદૂતે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે આવશ્યક સહાયક ઉદ્યોગોના વિકાસ માટે સપ્લાય પાર્ક સ્થાપવાની જરૂરિયાત અંગે પણ સરકારના સહયોગ માટે અપેક્ષા વ્યક્ત કરી હતી.
મજબૂત સ્કિલ ઇકોસિસ્ટમ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉપલબ્ધ કુશળ માનવ સંસાધન અને મજબૂત સ્કિલ ઇકોસિસ્ટમ અંગે જાણકારી આપી હતી. તેમણે ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે જાપાન રાજદૂતને માહિતગાર કરતાં કહ્યું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે શરૂ થતાં અમદાવાદ એરપોર્ટ સુધીનો સમય હવે માત્ર 1.5 કલાક રહ્યો છે.

બેઠક દરમિયાન(Japan at VGRC 2026) જાપાનના રાજદૂતે ગુજરાત સરકાર સાથે કામ કરવાનો સકારાત્મક અનુભવ વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં વધુ સહયોગ માટે આતુરતા દર્શાવી હતી. આ ઉપરાંત બલ્ક ડ્રગ પાર્ક અને મેડિકલ ડિવાઇસ પાર્ક ક્ષેત્રોમાં નવી તકો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જાપાનના રાજદૂત ગુજરાતી ભાષામાં બોલ્યા
Japan at VGRC 2026 ભારત ખાતેના જાપાનના રાજદૂત કેઈચી ઓનોએ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતી ભાષાથી કરતાં જણાવ્યું કે, 2009માં જાપાન પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગીદાર દેશ તરીકે જોડાયું ત્યારથી અમે સતત ગુજરાતના પાર્ટનર કન્ટ્રી રહ્યા છીએ, તેનું અમને ખૂબ ગૌરવ છે. તેમણે કહ્યું કે, સુરત એ ભારતના અગ્રણી વેપારી શહેરોમાંનું એક છે, તેમજ ડાયમંડ પ્રોસેસિંગના વૈશ્વિક કેન્દ્ર સ્થાન તરીકે ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. જાપાન – ભારતના સંબંધોના સંદર્ભમાં હાઇસ્પીડ રેલવે ટ્રેન પ્રોજેક્ટના મહત્વના હબ તરીકે પણ સુરતનું ખૂબ મહત્વ છે.
હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ
તેમણે કહ્યું કે, હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં સુરત એક મેજર હબ છે અને જાપાન સરકાર તેનું મજબૂતીથી સમર્થન કરી રહી છે. નજીકના ભવિષ્યમાં આ શહેરમાં આકાર પામી રહેલા જાપાન-ઇન્ડિયા જોઇન્ટ પ્રોજેક્ટના નક્કર પરિણામો આપણને જોવા મળશે.
ગાયના છાણમાંથી બાયોગેસ
તેમણે જણાવ્યું કે, મારૂતિ સુઝુકી ગાયના છાણમાંથી બાયોગેસ બનાવવા માટેના એક પ્લાન્ટના કન્સ્ટ્રક્શન પર કામ કરી રહી છે. આ પહેલથી માત્ર પર્યાવરણ પરની અસર જ નથી ઘટાડતી, પરંતુ ઊર્જાક્ષેત્રે આત્મનિર્ભરતા વધારે છે તેમજ ખેડૂતો માટેની આજીવિકા વધારવામાં પણ યોગદાન આપે છે.
જાપાન ભારતના સંબધોને 75 વર્ષ
તેમણે કહ્યું કે, ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતના કારણે બંને દેશો વચ્ચેની આ વિશેષ વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારીએ એક નવા યુગના સુવર્ણ પ્રકરણમાં પ્રવેશ કર્યો છે. આગામી 2027નું વર્ષ, જાપાન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાનું 75મું વર્ષ છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે, હું આ વિશેષ વર્ષ 2027ની ઉજવણી માટે ભારતની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વેપારી સમુદાયો સાથે મળીને ફક્ત દિલ્હીમાં જ નહીં, પરંતુ ભારતના ઘણા ભાગોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવા માંગુ છું. 75મા વર્ષને ખરેખર યાદગાર અને ખાસ બનાવવા માટે હું ગુજરાત રાજ્ય સાથે કામ કરવા આતુરતા વ્યક્ત કરીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
જાપાનના ઉચ્ચ અધિકારીઓ
Japan at VGRC 2026 મુખ્યપ્રધાન સાથેની જાપાનના રાજદુત સાથેની મુલાકાત વેળાએ મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યપ્રધાનના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર તેમજ જાપાનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો….
Multi-Lane Free Flow: ગુજરાતમાં ભારતની પ્રથમ બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ લોન્ચ, ક્યા શરૂ થઈ?

