Stock Market India: નફારૂપી વેચવાલી વચ્ચે શેરબજારમાં પાંચમાં દિવસે તેજી, સેન્સેક્સ 254 પોઈન્ટ વધ્યો

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજી આગળ વધી હતી. લેવાલી અને વેચવાલીના બે તરફી કામકાજ છતાં તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 254 પોઈન્ટ વધી 77,409 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nift) 82 પોઈન્ટ વધી 24,168 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 378 પોઈન્ટ વધી 57,963 બંધ થયો હતો. શેરબજારમાં ઈન્ટ્રા-ડેમાં પ્રોફિટ બુકિંગ આવી જાય છે અને ઈન્ટ્રા-ડેમાં જ રીએક્શન આવી જાય છે.પાંચમાં દિવસે તેજી થવાના કયા પાંચ કારણો? આ તેજી કેટલી આગળ વધશે? ટેકનિકલ સંકેત શું કહી રહ્યા છે?નિફટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સ ઉપરમાં કયા લેવલ બતાવશે? કાલે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ વધુ 254 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 77,131ના સામાન્ય નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 76,953 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 77,492 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,409.98 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 254.36 વધ્યો હતો.

નિફ્ટી 82 પોઈન્ટ પ્લસ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,073ના લો લેવલ પર ખૂલીને શરૂમાં વધુ ઘટી 24,36 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળીને 24,189 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,168 બંધ થયો હતો. જે 82.30નો ઉછાળો દર્શાવે છે.

બેંક શેરોની આગેવાની હેઠળ તેજી 

ચાર દિવસની તેજી પછી આજે સવારે સેન્સેક્સ અને નિફ્ટી નીચા મથાળે ખૂલ્યા હતા. સવારથી બપોર સુધી લેવાલી અને વેચવાલી એમ બે તરફી કામકાજ હતા. બે તરફી વધઘટ બાદ બપોર પછી એકતરફી નવી લેવાલી જળવાઈ રહેતાં તેજી આગળ વધી હતી. બેંક શેરોની આગેવાની હેઠળ મીડિયા, ફાર્મા અને રીયલ્ટી શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. જ્યારે આઈટી, એનર્જિ અને મેટલ સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી.

પાંચમાં દિવસે તેજીના પાંચ કારણો

(1) યુએસ ફેડરલ રીઝર્વની મોનેટરી પૉલીસી અંગે બુઘવાર મોડી રાતે બેઠક મળી હતી. જેમા ફેડના નવા વરાયેલા ચેરમેન કેવિન વોર્શની પ્રથમ બેઠક હતી. તેમણે અમેરિકામાં વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા પર ભાર આપ્યો હતો અને ફેડ રેટ યથાવત રાખ્યો હતો. જો કે ફેડની બેઠક પહેલા ફેડ રેટમાં વધારો થશે તેવી મક્કમ ધારણા હતી. પણ ફેડ રેટ સ્થિર રખાયો છે. જેથી યુએસ ડાઉ જોન્સ 507 પોઈન્ટ અને નેસ્ડેક 354 પોઈન્ટ તૂટ્યા હતા. જો કે ફેડ રેટ સ્થિર રહેતા ભારતીય શેરબજાર પર તેની પોઝિટિવ અસર પડી હતી.

(2) બીજી તરફ પેરિસમાં જી7 દેશોની બેઠક ચાલી રહી હતી, જે દરમિયાન યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ માટેના એમઓયુ પર વર્ચ્યુલી હસ્તાક્ષર થઈ ગયા છે. જેમાં 14 મુદ્દા આધારિત એમઓયુ થયા છે. જે અનુસાર હોર્મુઝ તાત્કાલિક ખોલાશે અને અમેરિકામાં હોર્મુઝમાંથી નાકાબંધી હટાવશે. જેની વિશ્વના સ્ટોક માર્કેટ પર પોઝિટિવ અસર પડી હતી.

(3) ઉપરોક્ત સમાચારને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 1.52 ડૉલર ઘટી 78.05 ડૉલર પર ટ્રેડ કરતો હતો અને ક્રૂડ ઓઈલ 1.93 ડૉલર વધુ ઘટી 74.86 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં મજબૂત થયો હતો. રૂપિયો 21 પૈસા વધી 94.32 પર ટ્રેડ કરતો હતો.

(5) એફઆઈઆઈએ 17 જૂને ભારતીય શેરબજારમાં રૂપિયા 101 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ ઉપરોક્ત પાંચ કારણોથી શેરબજારમાં પાંચમાં દિવસે તેજી આગળ વધી હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

મીડકેપ ઈન્ડેક્સ 255 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 82 પોઈન્ટ વધ્યા હતા. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1902 શેરના ભાવ વધ્યા હતા અને 1384 શેરના ભાવ ઘટ્યા હતા.

136 સ્ટોકમાં અપર સર્કિટ

133 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 25 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 136 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 66 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

મેક્સ હેલ્થ(6.46 ટકા), ઈન્ડિગો(.278 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.71 ટકા), ટ્રેન્ટ(2.55 ટકા) અને બીઈએલ(1.96 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

ઈન્ફોસીસ(2.62 ટકા), તાતા કન્ઝ્યુમર(1.20 ટકા), ટેક મહિન્દ્રા(1.00 ટકા), ટીસીએસ(0.92 ટકા) અને મારૂતિ(0.92 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

પાંચ દિવસની એકતરફી તેજી પછી રીએક્સન આવવું જોઈએ. જો કે ટેકનિકલી માર્કેટ ખૂબ સ્ટ્રોંગ થયું છે. નિફ્ટી 24,050 કૂદાવશે તો 24,200 થશે. આજે ગુરુવારે જ 24,050 કૂદાવતાં નિફ્ટી 24,200ની બિલકુલ નજીક આવી ગયો છે. હવે 24,200નું લેવલ કૂદાવતાં 24,500 થઈ શકે છે. બેંક નિફ્ટીમાં 57,500 કૂદાવતાં 58,000 થશે, જે આજે બેંક નિફ્ટી વધીને 58,000ની સપાટી કૂદાવી ગયો હતો. હવે 58,000 ઉપર 60,000 થઈ શકે છે.

You will also like

Leave a Comment