અમદાવાદ- WPI Inflation Rate 2026 જૂનમાં જથ્થાબંધ મોંઘવારીનો દર વધીને 9.87 ટકા આવ્યો છે. ખાવા પીવા અને તેની સાથે જોડાયેલી ચીજોની કીમતોમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. ડબલ્યૂપીઆઈ મોંઘવારી દરમાં ઝડપી વધારા પાછળ મીડલ ઈસ્ટ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધની અસર જોવા મળી છે. ભારતમાં કાચુ તેલ મોટાભાગે હોર્મુઝના રસ્તે આવે છે, જેને પગલે જથ્થાબંધ મોંઘવારી દર વધીને આવ્યો છે.
મિનરલ ઓઈલની કીમતોમાં ઉછાળો
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ(WPI) એટલે કે જથ્થાબંધ મોંઘવારી દરના(WPI Inflation Rate 2026) આંકડા જાહેર કરતાં કહ્યું હતું કે જૂન, 2026માં જથ્થાબંધ મોંઘવારી દર વધવા પાછળ મુખ્ય કારણ મિનરલ ઓઈલ(જેમાં પેટ્રોલિયમ ઉત્પાદનો સામેલ છે) ખાદ્ય ચીજવસ્તુઓ, બેઝિક મેટલનું નિર્માણ અને કેમિકલ તેમજ કેમિકલ ઉત્પાદનોના નિર્માણની કીમતો વધી છે. જથ્થાબંધ મોંઘવારી દરની ગણના માટે આધાર વર્ષ 2022-23 છે.
ઈંધણ અને વીજળીનો દર ઘટ્યો
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આંકડા અનુસાર જૂનમાં ઈંધણ અને વીજળીમાં જથ્થાબંધ મોંઘવારી દર 27.41 ટકા આવ્યો છે. જ્યારે તે મે મહિનામા 30.33 ટકા હતો.
ખાદ્ય ચીજ વસ્તુઓ વધુ મોંઘી થઈ
WPI Inflation Rate 2026 જૂનમાં ખાદ્ય ચીજ વસ્તુઓનો મોંઘવારી દર 5.49 ટકા રહ્યો છે. જે મે મહિનામાં 3.60 ટકા હતો. તે ઉપરાંત અન્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર 11.07 ટકા રહ્યો છે. જે મે મહિનામાં 9.45 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોમાં મોંઘવારી દર મે મહિના જેટલો જ 7.48 ટકા સ્થિર રહ્યો છે.
રીટેઈલ મોંઘવારી દર 17 મહિનાની ઊંચાઈએ
બીજી તરફ રીટેઈલ મોંઘવારી દર એટલે કે સીપીઆઈ ડેટા જૂનમાં વધીને 17 મહિનાના ઊંચા સ્તરે 4.38 ટકા પહોંચી ગયો છે. જે વીતેલા મહિને 3.93 ટકા રહ્યો હતો.
આરબીઆઈનો નિર્દેશ
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સરકારને તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશન આપ્યો છે કે હેડલાઈન મોંઘવારી દર 4 ટકા પર રહ્યો છે. જેમાં બન્ને તરફ 2 ટકા માર્જિન હોય. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારી દરનું અનુમાન 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કરી દીધું છે. તેનું મુખ્ય કારણ ઈનપુટ પડતરમાં વધારો છે.
આરબીઆઈની સમીક્ષા
જૂનમાં દેશમાં રીટેઈલ મોંઘવારી દર વધીને 4.38 ટકા પહોંચી ગયો છે, જે મે મહિનામાં 3.93 ટકા હતો. આરબીઆઈ ધીરાણ નીતિની સમીક્ષા કરે છે ત્યારે તે રીટેઈલ મોંઘવારી દરને ધ્યાનમાં લે છે.

