Stock Market India: નીચા મથાળે વેલ્યૂ બાઈંગ આવતાં સેન્સેક્સમાં 332 પોઈન્ટનો પ્રત્યાઘાતી સુધારો

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે બુધવારે પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 332 પોઈન્ટ વધી 74,336 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 99 પોઈન્ટ વધી 23,217 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 497 પોઈન્ટ ઉછળી 56,292 બંધ થયો હતો. બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, પરિણામે ગઈકાલના કડાકા પછી આજે પ્રત્યાઘાતી સુધારો નોંધાયો હતો.

સેન્સેક્સ 332 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 74,249.31ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 73,981.33 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 74,505.86 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,336.45 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 332.63ની મજબૂતી દર્શાવે છે.

નિફ્ટી 99 પોઈન્ટ ઊંચકાયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,201.60ના ઊંચા લેવલે ગેપમાં ખૂલીને શરૂમાં ઘટી 23,116.10 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં વધી 23,284.75 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,217.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 99 પોઈન્ટની મજબૂતી દર્શાવે છે.

ફેડરલ રીઝર્વની બેઠક

ગઈકાલ મંગળવારના કડાકા પછી આજે સવારે(Stock Market India) શેરબજાર ખૂલતાની સાથે બ્લૂચિપ શેરોમાં વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. જેથી શેરોના ભાવમાં ધીમો પણ મક્કમ ગતિએ સુધારો આવ્યો હતો. તેમજ યુએસ ફેડરલ રીઝર્વની એફઓએમસીની બેઠક હોવાથી આજે મોડીરાતે ફેડ રેટમાં શું નિર્ણય લેવાય છે, તેના પર નજર હતી, અને બજારમાં સાવચેતીનો મૂડ પણ હતો. નવી વેચવાલીનો અભાવ હતો. તેમજ મંદીવાળા ખેલાડીઓએ શોર્ટ કવરિંગ કર્યું હતું.

આઈટી અને ફાર્મા સ્ટોક ઘટ્યા

આઈટી અને ફાર્મા સેકટર છોડીને બાકીના તમામ સેક્ટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. જ્યારે આઈટી સ્ટોક કાલે ઉછળ્યા હતા, જેથી તેમાં આજે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. ફાર્મા સ્ટોક નવી લેવાલીના અભાવે ઘટ્યા હતા.

શેરબજારમાં સુધારો આવવાના કારણો

(1) વેલ્યૂ બાઈંગઃ ગઈકાલે મંગળવારે ઈન્ટ્રા-ડે હાઈથી મોટો કડાકો બોલી ગયો હતો. જેને પગલે આજે બ્લૂચિપ શેરોમાં ઘટ્યા મથાળે નવી લેવાલી આવી હતી.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 1.08 ડૉલર ઘટી 107.67 ડૉલર થયો હતો. ક્રૂડ ઓઈલ 1.71 ડૉલર ઘટી 104.12 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડ ઓઈલ ઘટીને આવતાં ભારતીય શેરબજારનું (Stock Market India)સેન્ટિમેન્ટ સામાન્ય પોઝિટિવ થયું હતું.

(3) ગ્લોબલ સંકેત પોઝિટિવ રહ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પોઝિટિવ હતા અને સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસમાં હતા. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 62 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતો હતો. આથી ભારતીય શેરોમાં નવી વેચવાલી અટકી ગઈ હતી.

(4) આજે મોડીરાતે યુએસ ફેડરલ રીઝર્વની એફઓએમસીની બેઠક મળનાર છે, જેમાં ફેડ રેટ અંગે નિર્ણય લેવાશે. સામાન્ય અનુમાન છે કે ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો વધારો કરાશે. પરિણામે મંદીવાળા ખેલાડીઓએ વેચાણો કાપ્યા હતા.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે બુધવારે મીડકેપ ઈન્ડેક્સ માત્ર 4 પોઈન્ટ નરમ બંધ થયો હતો. જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 34 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1688 શેરના ભાવ વધ્યા હતા અને 1855 શેરના ભાવ ઘટ્યા હતા.

199 સ્ટોકમાં લોઅર સર્કિટ

53 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, તેમજ 242 શેર બાવન વીક લો પર બંધ હતા. 86 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 199 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એચડીએફસી લાઈફ(2.73 ટકા), એસબીઆઈ લાઈફ(2.65 ટકા), એસબીઆઈ(2.42 ટકા), આઈટીસી(2.38 ટકા) અને નેસ્લે(1.65 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

ટીસીએસ(2.76 ટકા), વિપ્રો(1.83 ટકા), ઈન્ફોસીસ(1.58 ટકા), ટેક મહિન્દ્રા(1.14 ટકા) અને એલએન્ડટી(1.12 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો આવ્યો છે. ટેકનિકલી માર્કેટ હજી વીક છે. જ્યાં સુધી નિફ્ટી 23,500 અને સેન્સેક્સ 74,950 ઉપર બંધ ન આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. જેથી હાલ શેરબજારની ચાલ ખરડાયેલી છે. નવી પોઝિશન લઈને ઘરે આવવું નહી. તેજીનો ટ્રેડ કરો તો સ્ટોપલોસ ખાસ રાખજો. યુએસ ફેડરલ રીઝર્વની બેઠક અને યુએસ- ઈરાન વચ્ચે શું સમાચાર છે, જેના પર નજર રાખવી પડશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment