Stock Market India: શેરબજારમાં રોકેટ ગતિએ તેજી સાથે વિક્રમ સંવત 2082ને વિદાય, નવી તેજીનો આશાવાદ

સેન્સેક્સમાં 1718 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીએ 25,000ની સપાટી કૂદાવી

by Gujarati biz news
Stock Market India
Stock Market India

Image generated by AI

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સાતમાં દિવસે રોકેટ ગતિએ તેજી થઈ હતી. ધનતેરસના દિવસે શેરબજારમાં ધન વર્ષા થઈ હતી. ધનતેરસના દિવસે શેરબજારમાં જશ્નનો માહોલ હતો. વિક્રમ સંવત 2082ને તેજી સાથે વિદાય આપી છે. નવા વિક્રમ સંવત 2083માં નવી તેજીનો આશાવાદ રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 1718 પોઈન્ટ મોટો ઉછાળો આવી 81,028 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 493 પોઈન્ટનો જંગી ઉછાળો આવી 25,030 બંધ થયો હતો. બેંક નિફ્ટી 1312 પોઈન્ટ ઉછળી 59,086 બંધ થયો હતો. ગ્લોબલ સ્ટોક માર્કેટમાં મોટો કડાકો છતાં ભારતીય શેરબજારમાં મોટો ઉછાળો નોંધાયો હતો. સાતમાં દિવસે તેજી થવાના કયા 6 સોલીડ કારણો? વિક્રમ સંવત 2083નું નવું વર્ષ કેવું જશે? ટેકનિકલી હવે સેન્સેક્સ અને નિફ્ટી ઊંચામાં કયા લેવલ બતાવશે? નવા વર્ષ માટે બેસ્ટ બાય?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 1718 પોઈન્ટનો જંગી ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 79,413ના મથાળે ખલીને શરૂમાં ઘટી 79,016 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 81,028.02ના દિવસના હાઈ લેવલ પર બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 1718.01નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી ઈન્ડેક્સમાં 493 પોઈન્ટનો ભડકો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,538ના મથાળે ખૂલીને શરૂમાં ઘટી 24,388 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 25,000ની અતિમહત્વની સપાટી કૂદાવીને 25,03035 દિવસના હાઈ લેવલ પર જ બંધ થયો હતો. જે ગઈકાલની બંધ સામે 493.75નો ઉછાળો દર્શાવે છે.

ગ્લોબલ માર્કેટમાં કડાકો, પણ ભારતીય શેરબજારની મજબૂત તાકાત

બેંક શેરોની આગેવાની હેઠળ શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ લેવાલી આવી હતી. બજાર ખૂલ્યા પછી શરૂમાં વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. પણ ઘટાડે જોરદાર નવી લેવાલી નીકળતાં શેરોના ભાવ ઝડપી ઉછળ્યા હતા. બીજી તરફ ગ્લોબલ માર્કેટમાં મોટો કડાકો હતો. તેમ છતાં ભારતીય શેરબજારે તેની મજબૂત તાકાત દર્શાવીને મોટો ઉછાળો દર્શાવ્યો હતો. આજે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 1.70 લાખ કરોડનો વધારો થયો હતો.

અમેરિકા, એશિયા અને યુરોપના સ્ટોક માર્કેટ તૂટ્યા

ગઈકાલ મોડી રાતે(તારીખ 5-11-2026)ના રોજ યુએસ ડાઉ જોન્સમાં 1833 પોઈન્ટ અને નેસ્ડેકમાં 1421 પોઈન્ટનો મોટો કડાકો બોલી ગયો હતો. નેસ્ડેક તો 19 મહિનાની લો પર હતો. જેને પગલે આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ભારે કડાકા સાથે ખૂલ્યા હતા. તેની સાથે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ તટ્યું હતું. એઆઈ રીલેટેડ કંપનીઓના શેરોમાં જંગી વેચવાલી ફરી વળી હતી. જેને કારણે ગ્લોબલ માર્કેટ તૂટ્યા હતા. પણ આ ફેક્ટર ભારતીય શેરબજારે ટોટલી ડિસ્કાઉન્ટ કર્યું હતું.

વિક્રમ સંવત 2082માં નેગેટિવ રીટર્ન

ગત વર્ષની દિવાળીથી દિવાલીની સરખામણીએ તો શેરબજારે નેગેટિવ રીટર્ન આપ્યું છે. ગત વર્ષે 20 ઓકટોબરે દિવાળી હતી, તેની સરખામણીએ જોઈએ તો સેન્સેક્સ 3,355 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. નિફ્ટી પણ 813 પોઈન્ટ ઘટ્યો હતો. જો કે હવે વર્ષના અંતભાગમાં સારી તેજી થઈ છે અને નવા વિક્રમ સંવત 2083 માટે નવી તેજીનો આશાવાદ ઉભો થયો છે.

Stock Market India તેજી થવાના સોલીડ કારણો

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 97 ડૉલર અને ક્રૂડ ઓઈલ ઘટીને 89 ડૉલર પર આવી ગયું છે. ભારત 85 ટકા કાચુ તેલ આયાત કરે છે. ક્રૂડની કીમતો ઘટતાં હવે ભારતના આયાત બિલમાં ઘટાડો થશે. જે ભારતીય અર્થવ્યવસ્થા માટે પોઝિટિવ છે.

(2) યુએસ બોન્ડ યીલ્ડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. યુએસ 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ 5.02 ટકાથી ઘટીને 4.83 ટકા આવી ગયું છે. બોન્ડનું યીલ્ડ ઘટતાં વિદેશી રોકાણકારો ભારત તરફ રોકાણ કરવા આવે તેવી ધારણા છે.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત વધી રહ્યો છે. રૂપિયો 64 પૈસા વધી 93.84 પર ટ્રેડ કરતો હતો. આરબીઆઈએ કડક પગલા લીધા પછી રૂપિયો સતત સ્ટ્રોંગ થઈ રહ્યો છે. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી છે.

(4) એફઆઈઆઈની જંગી લેવાલી આવી છે. 5 નવેમ્બરે એફઆઈઆઈએ રૂપિયા 14,974 કરોડની ખરીદી કરી છે. આમ પાંચ ટ્રેડિંગ સેશનમાં કુલ 35,806 કરોડની જંગી ચોખ્ખી ખરીદી કરી છે. પરિણામે તેજીવાળા(બુલ) ઓપરેટરોએ પણ જંગી લેવાલી કાઢી હતી. સેબીએ નાણા મંત્રાલયને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ કાઢી નાંખવા માટે કે તેમાં રાહત આપવા માટે દરખાસ્ત મોકલી છે, તે પછી જ એફઆઈઆઈએ ભારતીય શેરબજાર પર નવેસરથી વિશ્વાસ મુક્યો છે.

(5) ભારતીય કંપનીઓના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ અનુમાન કરતાં પ્રોત્સાહક આવ્યા છે. જેથી વિદેશી રોકાણકારો ફરીથી આકર્ષાયા છે.

(6) આઈટી કંપનીઓના શેરોમાં ધૂમ લેવાલીથી શુક્રવારે તેજી થઈ હતી. વિદેશમાં એઆઈ અને ચિપ બનાવતી કંપનીઓના ખર્ચ પર કે રોકાણ પર ડેમોક્રેટ લગામ લગાવશે, જે ધારણા પાછળ એઆઈ કંપનીઓના શેરમાં તેજીનો બબલ ફૂટ્યો છે. તો તેની સામે ભારતીય ટેક કંપનીઓની બોલબાલા વધી છે.

ટોપ ગેઈનર્સ શેરો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(5.11 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(4.75 ટકા), એચડીએફસી લાઈફ(3.95 ટકા), એચડીએફસી બેંક(3.72 ટકા) અને ટીટાન(3.42 ટકા).

નવું વિક્રમ સંવત 2083 કેવું જશે?

હાલ શેરબજારમાં નવી તેજીનો આશાવાદ સર્જાયો છે. એફઆઈઆઈ ફરીથી પરત ફરી છે, અને મિડલ ઈસ્ટમાં સર્જાયેલી તંગદિલી હળવી થશે તો શેરબજારમાં નવી તેજી થશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. નિફ્ટીમા 24,500નો સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 25,000 કૂદાવતાં 25,500 અને તેની ઉપર 26,000 થઈ શકે છે. તેવી જ રીતે બેંક નિફ્ટીમાં 58,500 સપોર્ટ લેવલ રહેશે, ઉપરમાં 60,000 અને ત્યાર બાદ ઐતિહાસિક નવું લેવલ બતાવે તો નવાઈ નહી. જો કે એકતરફી તેજી પછી આગામી સપ્તાહે પ્રત્યાઘાતી ઘટાડો આવવો જરૂરી બન્યો છે. માર્કેટ હાલ હાઈલી ઓવરબોટ પોઝીશનમાં આવ્યું છે, જેથી ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવવું જરૂરી બન્યું છે.

નવા વર્ષ માટે બેસ્ટ બાય

નવા વર્ષ માટે બેસ્ટ બાય આઈટી, કન્ઝયુમર ડ્યુરેબલ, કન્ઝુયુમર ગુડ્ઝ, એફએમસીજી અને ડીફેન્સ સેકટર રહેશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment