અમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે રેકોર્ડ તેજી રહી હતી. બીએસઈ સેન્સેક્સ 2008 પોઈન્ટ ઉછળી 79,310 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 576 પોઈન્ટ ઉછળી 24,536 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 1860 પોઈન્ટ ઉછળી 57,773 બંધ હતો. ધનતેરસની પહેલા દિવસે શેરબજારમાં 7.85 લાખ કરોડના ધનની વર્ષા થઈ છે. ઑલરાઉન્ડ બાઈંગથી તમામ સેકટરના શેરોમાં મોટો ઉછાળો આવ્યો હતો. કાલે શુક્રવારે વિક્રમ સંવત 2082ના કામકાજનો છેલ્લો દિવસ કેવો રહેશે? શેરબજારમાં જોરદાર તેજી થવાના પાંચ કયા સોલીડ કારણો? શુક્રવારે શેરબજાર કેવું રહેશે? પ્રોફિટ બુકિંગ કયારે આવશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં 2008 પોઈન્ટનો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,910ના ભારે ઊંચા મથાળે ખૂલીને શરૂમાં પ્રોફિટ બુકિંગ આવતાં સામાન્ય ઘટી 78,520 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 79,000ની સપાટી કૂદાવી 79,470ની હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 79,310.01 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 2008 પોઈન્ટ(2.6 ટકા)નો રેકોર્ડ ઉછાળો દર્શાવે છે.
નિફ્ટીમાં 576 પોઈન્ટનો રેકોર્ડ ઉછાળો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,378ના ભારેખમ ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 24,296 થઈ અને ત્યાં ચિક્કાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 24,579 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,536.60 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સામે 576 પોઈન્ટ(2.4 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત આવશે?
ધનતેરસ પૂર્વ સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. તેમજ ક્રૂડના ભાવ ઘટતા ભારતની ઓઈલ કંપનીઓ હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરે તેવો આશાવાદ પણ હતો. તેમજ નાણાપ્રધાન સ્ટોક માર્કેટ માટે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત આપે તેવી પણ ધારણા છે.
44 વર્ષ પછી ડાઉ જોન્સમાં સૌથી મોટો ઉછાળો
04 નવેમ્બરે યુએસ પ્રેસિડેન્સિયલ મીડ ટર્મ પોલના પરિણામમાં ટ્રમ્પનો પક્ષ રીપબ્લિકનની હાર થઈ છે, અને વિપક્ષ ડેમોક્રેટિક પક્ષને અમેરિકાના બન્ને સદનોમાં બહુમતી થઈ ગઈ છે. હવે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પાંખો કપાઈ ગઈ હોય તેવી સંખ્યા બન્ને સદનમાં થઈ છે. જેને પગલે ગત મોડી રાતે અમેરિકન સ્ટોક માર્કેટ ખુશખુશાલ થયું હતું. યુએસ ડાઉ જોન્સમાં 1569 પોઈન્ટ(3 ટકાથી વધુ)નો ઉછાળો આવ્યો હતો. આ ઉછાળો 44 વર્ષ પછીનો સૌથી મોટો ઉછાળો હતો. યુએસ નેસ્ડેકમાં 364 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. આમ અમેરિકન સ્ટોક માર્કેટની રેકોર્ડબ્રેક તેજી પછી ગુરુવારે ભારતીય શેરબજારમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો હતો.
મોટાપાયે શોર્ટ કવરિંગ થયું
તમામ સેકટરના શેરોમાં ઑલરાઉન્ડ લેવાલી આવી હતી. તેની સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ચિક્કાર લેવાલી આવી હતી. મીડકેપ ઈન્ડેક્સમાં 1115 પોઈન્ટનો ભારે ઉછાળો આવ્યો હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ વધુ 106 પોઈન્ટ વધ્યો હતો. તેજીવાળા ખેલાડીઓએ ઊંચા ભાવે પણ નવી લેવાલી ચાલુ રાખી હતી. તેમજ ગુરુવારે સેન્સેક્સની વીક્લી એક્સપાયરી હતી, જેથી મંદીવાળા ઓપરેટરોએ મોટાપાયે શોર્ટ કવરિંગ કર્યું હતું. જેને પગલે ઝડપી ઉછાળો આવ્યો હતો.
તેજી થવાના કારણો
(1) યુએસ મીડટર્મ પોલમાં ટ્રમ્પના પક્ષની હાર થઈ હતી, અને વિપક્ષની બન્ને સદનમાં જીત સાથે બહુમતી હાંસલ કરી છે, જેને પગલે અમેરિકન સ્ટોક માર્કેટમાં 44 વર્ષ પછીનો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. જેની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી. સવારે જ સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઊંચા મથાળે ગેપમાં જ ખુલ્યા હતા.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીમતમાં 9 ટકાનું ગાબડું પડ્યું હતું. ડેમોક્રેટિક પક્ષે બહુમતી મેળવ્યા પછી ઈરાન સાથે શાંતિ વાર્તા કરવાનો ધારણા વ્યક્ત કરી હતી. જેથી ક્રૂડના ભાવમાં કડાકો બોલી ગયો હતો. બ્રેન્ટ ક્રૂડ 95 ડૉલર અને ક્રૂડ ઓઈલ 88 ડૉલર પર ટ્રેડ કરતું હતું. તેમજ ભારત માટે આનંદના સમાચાર એ હતા કે ઈરાને ભારત માટે હોર્મુઝનો રસ્તો ખોલી નાંખ્યો છે. એટલે ભારત માટે બેવડી ખુશીના ન્યૂઝ હતા.
(3) ડૉલર ઈન્ડેક્સ ઘટીને 101.50 અને યુએસ 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ ઘટીને 4.88 ટકા પર આવી ગયું છે. ડૉલર ઘટ્યો અને બોન્ડનું યીલ્ડ ઘટયું છે, તે ભારત માટે પોઝિટિવ ફેક્ટર બન્યું હતું.
(4) એફઆઈઆઈએ જંગી બાઈંગ કર્યું છે. 4 નવેમ્બરના રોજ વિદેશી રોકાણકારોએ રૂપિયા 7,284 કરોડનું નેટ બાઈંગ કર્યું હતું. કુલ ચાર ટ્રેડિંગ સેશનમાં થઈને કુલ રૂપિયા 20,382 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જેથી ભારતીય શેરબજારમાં તેજીવાળા ખેલાડીઓ હાઈ જોશમાં આવી ગયા હતા.
(5) ભારતીય કંપનીઓના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામે અનુમાન કરતાં પ્રોત્સાહક આવી રહ્યા છે. વિપરીત સંજોગો વચ્ચે પણ ભારતીય કંપનીઓએ પોઝિટિવ પરિણામો દર્શાવે છે. બેંક, ઓટો અને એફએમસીજી સેકટરના શેરોમાં ભારે લેવાલીથી સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.
સૌથી વધુ ઊંચકાયેલા શેરો
બજાજ ફાઈનાન્સ(7.65 ટકા), શ્રી રામ ફાયનાન્સ(6.08 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(5.59 ટકા), મારૂતિ(5.68 ટકા) અને તાતા મોટર પેસેન્જર વ્હીકલ(5.46 ટકા)
શુક્રવારે શેરબજાર કેવું રહેશે?
કાલે શુક્રવારે સપ્તાહના કામકાજનો અંતિમ દિવસ છે, તેમજ વિક્રમ સંવત 2082ના વર્ષના કામકાજનો છેલ્લો દિવસ છે. હવે છ દિવસની એકતરફી અને ઝડપી તેજી પછી કાલે શુક્રવારે સામાન્ય નફારૂપી વેચવાલીથી પ્રત્યાઘાતી ઘટાડો આવી શકે છે. જો કે ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. નિફ્ટીએ 24,200 અને 24,400ના રેઝિસ્ટન્સ લેવલને ક્રોસ કર્યું છે, હવે ઉપરમાં 24,800 અને ત્યાર બાદ 25,000 ના લેવલના રેઝિસ્ટન્સ લેવલ આવે છે. નિફ્ટીએ 24,400 કૂદાવ્યું છે, તો હવે ઉપરમાં 24,800 અને 25,000 થવાનો રસ્તો ખુલ્યો છે. બીજી તરફ બેંક નિફ્ટીએ 57,500નું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કર્યું છે, જેથી હવે આગામી દિવસોમાં વધીને 58,000 થવાની ધારણા છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

