Stock Market India: અમેરિકામાં ટ્રમ્પના પક્ષની હાર પછી શેરબજારમાં પાંચમાં દિવસે તેજી

રોકાણકારોની મૂડીમાં રૂ.6.53 લાખ કરોડનો વધારો

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ 383 પોઈન્ટ વધી 77,301 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 149 પોઈન્ટ વધી 23,960 બંધ થયો હતો. બેંક નિફ્ટી 373 પોઈન્ટ વધી 55,913 બંધ હતો. યુએસમાં મીડટર્મ પોલમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ છે. ટ્રમ્પની હાર પછી વિશ્વના સ્ટોક માર્કેટ ઝુમી ઉઠ્યા હતા. ટ્રમ્પની હારની શેરબજાર પર શું અસર પડશે? ટ્રમ્પની હારથી ભારત અમેરિકાના સંબધો પર શું અસર પડશે? શેરબજારમાં એકતરફી તેજી પાછળ કયા કારણો? શું કાલે નફારૂપી વેચવાલી આવશે? ટેકનિકલી માર્કેટમાં શું લાગે છે?

જૂઓ વીડિયો…. 

સેન્સેક્સમાં વધુ 383 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 76,853ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઘટી 76,604 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 77,396 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,301.40 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 383.55ની મજબૂતી દર્શાવે છે.

નિફ્ટી વધુ 149 પોઈન્ટ ઉછળ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ સવારે 23,742ના લો લેવલ પર ખૂલીને શરૂમાં ઘટી 23,696 થઈ અને ત્યાં ભારે લેવાલીથી ઝડપી ઉછળી 23,960.80 દિવસની હાઈ પર બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 149.75નો ઉછાળો દર્શાવે છે.

દરેક ઘટાડે નવી લેવાલી ચાલુ રહી

સવારે ભારતીય શેરોના ભાવ સવારે નીચા મથાળે ખુલ્યા હતા. શરૂમાં સામાન્ય નફારૂપી વેચવાલી રહી હતી. જો કે ઘટાડે નવી લેવાલી નીકળતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઝડપથી ઊંચકાયા હતા. સેન્સેક્સે 77,000 અને નિફ્ટીએ 23,900ની સપાટી કૂદાવી દીધી હતી. મીડિયા, મેટલ, રીયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જિ અને એફએમસીજી સેકટરના શેરોમાં ધૂમ લેવાલીથી ઉછાળો આવ્યો હતો. તેમજ ગોલ્ડ અને ગોલ્ડ ફાઈનાન્સ સાથે જોડાયેલ કંપનીના શેરોમાં ચિક્કાર લેવાલીથી તેજીનો કરંટ આવ્યો હતો. એક માત્ર આઈટી સ્ટોકમાં વેચવાલી હતી. આઈટી ઈન્ડેક્સ 489 પોઈન્ટ(1.50 ટકા) ઘટ્યો હતો.

રોકાણકારોની મૂડી 6.53 લાખ કરોડ વધી

સતત પાંચમાં દિવસે તેજી આગળ વધી હતી, જો કે બુધવારે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી પણ આવી હતી, જેથી ઈન્ડેક્સ ઊંચા મથાળેથી પાછા પડ્યા હતા. જો કે ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં ફરીથી નવી લેવાલી નીકળતાં ફરીથી પાછો ઉછાળો આવ્યો હતો. આમ બે તરફી વધઘટ હતી. માર્કેટ કેપિટલાઝેશનમાં રૂપિયા 6.53 લાખ કરોડનો વધારો થયો હતો એટલે કે રોકાણકારોની મૂડીમાં 6.53 લાખ કરોડ વધ્યા હતા.

યુએસ મીડટર્મ પોલનું પરિણામ જાહેર

અમેરિકાના મીડટર્મ ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા, જેમાં ટ્રમ્પની રીપબ્લિક પાર્ટીની હાર થઈ હતી. જ્યારે વિપક્ષ ડેમોક્રેટ્સે યુએસના બન્ને સદનોમાં બહુમતી મેળવી લીધી હતી. જેને પગલે નિષ્ણાતોએ એવી ધારણા રજૂ કરી હતી કે એઆઈ કંપનીઓ અને ચિપ બનાવતી કંપનીઓ પર નિયમનકારીઓની સખત નજર રહેશે. જેથી કોરિયા, તાઈવાન અને જાપાન, સિંગાપોર સ્ટોક માર્કેટમાં શરૂમાં ગાબડુ પડ્યું હતું, જો કે પાછળથી રીકવરી આવી હતી અને ગ્લોબલ સ્ટોક માર્કેટ મજબૂત મથાળે બંધ રહ્યા હતા.

ટ્રમ્પ અને રોકાણકારોએ રણનીતિ બદલવી પડશે

પ્રેસિડેન્ટ ટ્રમ્પના પક્ષની હાર થતાં હવે ટ્રમ્પના નિર્ણયો પર સદનમાં વિપક્ષોને જવાબ આપવો પડશે. તેમજ રાજનીતિક વિરોધ વધશે. ટ્રમ્પની મનમાની હવે નહી ચાલે. ટ્રમ્પ સહિત રોકાણકારોએ પોતાની રણનીતિ બદલવી પડશે.

સદનમાં વિપક્ષની બહુમતી

પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભારત પર વારંવાર 100 ટકાની ટેરિફની નાંખવાની ધમકી આપતા રહ્યા છે. તેમજ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકી નથી. જેનો સવાલ સદનમાં વિપક્ષો ઉઠાવી શકે છે. તેની સાથે વેપાર, રક્ષા સહયોગ, એચ વન બી વીઝા, રશિયા પાસેથી તેલ ખરીદીના મામલાઓ સદનમાં ટ્રમ્પના પક્ષે જવાબ આપવા પડશે. જો કે કોઈપણ નીતિવિષયક નિર્ણયના સંદર્ભે ટ્રમ્પની મનમાની હવે નહી ચાલે. જો કે આ પહેલા કેટલાક મીડિયા રીપોર્ટ હતા કે ટ્રમ્પ વીટો વાપરશે. ટ્રમ્પ હાર સ્વીકારે તેનામાં નથી.

એફઆઈઆઈની જંગી લેવાલી

એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં નેટ બાયર રહી છે. 3 નવેમ્બરે એફઆઈઆઈએ રૂપિયા 6,836 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ ત્રણ ટ્રેડિંગ સેશનમાં કુલ 13,548 કરોડની ખરીદી કરી છે. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 102 ડૉલર અને ક્રૂડ ઓઈલ 95 ડૉલર પર ટ્રેડ કરતાં હતા. તેમજ ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 10 પૈસા વધી 94.64 પર ટ્રેડ કરતો હતો. આ બન્ને કારણો પોઝિટિવ હતા.

સૌથી વધુ ઊંચકાયેલા શેરો

બીઈએલ(4.71 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(4.47 ટકા), ટિટાન(4.22 ટકા), જિઓ ફાયનાન્સ(3.73 ટકા) અને મેક્સ હેલ્થકેર(3.53 ટકા)

સૌથી વધુ ગગડેલા શેરો

ટીસીએસ(2.52 ટકા), એચસીએલ ટેક(2.37 ટકા), બીએસઈ(1.75 ટકા), ઈન્ફોસીસ(1.73 ટકા) અને ઈટરનલ(1.42 ટકા)

ગુરુવારે શેરબજાર કેવું રહેશે?

ગુરુવારે સેન્સેક્સની એક્સપાયરી છે. તેમજ પાંચ દિવસની એકતરફી તેજી પછી ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવી શકે છે. જો પ્રત્યાઘાતી ઘટાડો આવશે તો શેરબજારની તેજી સ્ટ્રોંગ બનશે. કદાચ ઈન્ટ્રા-ડેમાં પણ પ્રત્યાઘાતી ઘટાડો આવી શકે છે. જો કે ટેકનિકલ્સ અપટ્રેન્ડનું મોમેન્ટમ બતાવે છે. નિફ્ટીમાં 23,700 સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 24,000નું રેઝિસ્ટન્સ લેવલ છે. જો નિફ્ટી 24,000 કૂદાવશે તો 24,200 સુધી જઈ શકે છે. બેંક નિફ્ટી 55,800ના રેઝિસ્ટન્સ લેવલને કૂદાવી ગયો છે. જેથી ઉપરમાં 56,000 અને તેની ઉપર 56,200 થઈ શકે છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment