અમદાવાદ- Stock Market India શેરબજારમાં મોટો ઉછાળો આવ્યો હતો. શેરોની જાતે-જાતમાં જોરદાર લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1533 પોઈન્ટ ઉછળી 74,315 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 374 પોઈન્ટ ઉછળી 22,997 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 494 પોઈન્ટ વધી 55,810 બંધ થયો હતો. શેરબજારમાં મોટો ઉછાળો આવવાના કયા 5 કારણો?આગામી દિવસોમાં શેરબજારનો(Share Market) ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે, તો હવે તેજી કેટલી આગળ વધશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સે 74,000ની સપાટી કૂદાવી
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 72,965ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 72,896 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતા ઝડપથી ઉછળી 74,000ની સપાટી કૂદાવીને 74,330ની હાઈ બનાવીને અને ટ્રેડિંગ સેશનને અંતે 74,315.61 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 1533.72નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટીએ 23,000ની સપાટી વટાવી
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 22,671ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 22,637 થઈ અને નવી લેવાલીથી ઉછળી 23,056 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,997.35 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 374.65નો ઉછાળો દર્શાવે છે.
મોટાપાયે વેચાણો કપાયા
Stock Market India ગુરુવારે સવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ખૂલ્યા હતા, શરૂમાં વેચવાલીથી સામાન્ય ઘટાડો આવ્યો હતો. પણ તુરંત જ હેવી વેઈટ શેરોમાં જોરદાર લેવાલી નીકળી હતી. આઈટી સેકટર અને રીલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝની આગેવાની હેઠળ તોફાની તેજી થઈ હતી. મંદીવાળા ખેલાડીઓએ વેચાણો કાપ્યા હતા, તો બીજી તરફ તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી.
મીડકેપ અને સ્મોલકેપ ઘટ્યા
ઓટોમોબાઈલ, આઈટી, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફ્રા, બેંક અને રીયલ્ટી સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી તેજી થઈ હતી. જ્યારે મીડિયા અને પીએસયુ બેંક શેરોમાં સામાન્ય વેચવાલીથી નરમ રહ્યા હતા. ઈન્ડેક્સ હેવીવેઈટ શેરોમાં તોફાની તેજી હતી, પણ મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી રહી હતી. પરિણામે મીડકેપ ઈન્ડેક્સ 211 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 253 પોઈન્ટ તૂટ્યો હતો. જેને કારણે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1343 શેરના ભાવ વધ્યા હતા અને 2218 શેરના ભાવ ઘટ્યા હતા.
શેરબજારમાં તેજીના કારણો
(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 2.39 ડૉલર ઘટી 103.67 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલનો ભાવ વધુ ઘટી 94.66 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.
(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત ચોથા સેશનમાં મજબૂત થયો હતો. ડૉલર સામે રૂપિયો વધુ 14 પૈસા વધી 95.14 રહ્યો હતો.
(3) આઈટી સ્ટોકમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી. એચસીએલ ટેકનોલોજી અને ટીસીએસના કવાર્ટર ટુના પ્રોત્સાહક પરિણામ પછી આઈટી સેક્ટરના શેરોમાં નવી લેવાલી નીકળી હતી. યુએસમાં મોંઘવારી દર વધીને આવ્યો હતો. સીપીઆઈ ડેટા 3.4 ટકાથી વધી 3.7 ટકા આવ્યો હતો. જેથી ડાઉ જોન્સ અને નેસ્ડેક તૂટીને આવ્યા હતા. તેમજ એઆઈ આધારિત સ્ટોકમાં હેવી સેલીંગથી એશિયાઈ સ્ટોક માર્કેટમાં કોરિયા, જાપાન, તાઈવાન, હોંગકોંગ, જાકાર્તા, સાંઘાઈ, થાઈલેન્ડ તમામ સ્ટોક માર્કેટ ઘટ્યા હતા. પણ તે ભારતીય સ્ટોક માર્કેટ માટે પોઝિટિવ ફેકટર ગણાતું હતું. એઆઈમાં વિદેશી રોકાણકારો પૈસા પરત ખેંચી ભારતીય શેરબજારમાં નાણા રોકવા આવશે, તેવી ધારણા વ્યકત કરાતી હતી.
(4) નાણાંપ્રધાન નિર્મલા સીતારમન લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ અંગે પુનઃવિચાર કરશે. કદાચ બજેટમાં તેમાં ઘટાડો કરે શકે અથવા તો દૂર કરશે, તેવો આશાવાદ છે. જેથી શેરબજારમાં નવી લેવાલી નીકળી હતી.
(5) કંપનીઓના બીજા ત્રિમાસિક પરિણામ ધારણા કરતાં પ્રોત્સાહક આવી રહ્યા છે. નેસ્લેનો નફો 35 ટકા વધીને આવ્યો હતો. પોલીકેબનો નફો 43 ટકા વધ્યો હતો. યુકો બેંકનો નફો 26 ટકા વધ્યો હતો. જેથી શેરબજારનો માહોલ તેજીનો રહ્યો હતો.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
ટેક મહિન્દ્રા 4.75 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 3.80 ટકા, રીલાયન્સ ઈન્ડ. 3.44 ટકા, ભારતી એરટેલ 3.31 ટકા અને બીએસઈ 2.70 ટકા.
કાલે શેરબજાર કેવું રહેશે?
Stock Market India શેરબજારમાં ગુરુવારે તોફાની તેજી થઈ છે, જેથી હવે શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે પ્રોફિટ બુકિંગથી પ્રત્યાઘાતી નરમાઈ આવી શકે છે. જો કે ટેકનિકલી માર્કેટ ખૂબ જ સ્ટ્રોંગ થયું છે. નિફ્ટીમાં 22,600નો સ્ટોપલોસ રાખીને દરેક ઘટાડે નવું બાઈંગ કરી શકાય. બેંક નિફ્ટી પણ 55,500 ઉપર બંધ આવ્યો છે, જે પોઝિટિવ છે. હવે આગામી દિવસોમાં દરેક ઘટાડે નવી લેવાલી આવ્યા કરશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

