અમદાવાદ- શેરબજારમાં નફારૂપી વેચવાલીથી પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટી 82,031 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 159 પોઈન્ટ ઘટી 25,227 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 234 પોઈન્ટ ઘટી 62,038 બંધ થયો હતો. શેરબજાર કેમ ઘટીને આવ્યું? પોઝિટિવ કારણો વચ્ચે પણ વેચવાલી આવી? કાલે શેરબજાર કેવું રહેશે? શું કાલે શેરબજારમાં તેજી આગળ વધશે? ટેકનિકલી માર્કેટ કેવું લાગે છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 82,376 ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલી આવતાં વધી 82,578 થઈ અને ઊંચે નફારૂપી વેચવાલી ફરી વળતાં ઘટી 81,780 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે રીકવર થઈ 82,031.81 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 500.38નું ગાબડું દર્શાવે છે.
નિફ્ટી 159 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,323 ના નીચા લેવલે ખૂલી શરૂમાં સામાન્ય સુધરી 25,390 થઈ અને ભારે વેચવાલીથી ઘટી 25,141 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,227.95 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 159.45નો ઘટાડો દર્શાવે છે.
માર્કેટ કેપ 4 લાખ કરોડ ઘટી
સવારે શેરોના ભાવ માઈનસમાં જ ખૂલ્યા હતા. જો કે શરૂમાં ઘટાડે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, જેથી સામાન્ય સુધારો આવ્યો હતો. પણ આ સુધારો ઝાઝુ ટકી શક્યો ન હતો. ઊંચા મથાળે તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી ફરી વળી હતી, અને શેરોના ભાવ ઘટ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓટો, બેંક, આઈટી અને મેટલ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી, જ્યારે મીડિયા, ફાર્મા અને પીએસયુ બેંકમાં નવી લેવાલીથી સુધારો આગળ વધ્યો હતો. શેરબજાર ઘટીને આવતાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 4 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
સેબી ચેરમેનનું નિવેદન
સેબી ચેરમેને કહ્યું હતું કે સેબી ફ્રી ફ્લોટના હિસાબથી એમટીએફ લીમીટ નક્કી કરવા પર વિચાર કરી રહ્યું છે. આ નિવેદનને પગલે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલ શેરોમાં ધૂમ વેચવાલીથી ભાવ ઘટ્યા હતા. બીએસઈ, એન્જલ વન અને મોતીવાલ ઓસવાલના શેરના ભાવ ઘટ્યા હતા.
ગોલ્ડ સાથે જોડાયેલા સ્ટોક ઘટ્યા
ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં કડાકો બોલી ગયો છે, જેથી શેરબજારમાં ગોલ્ડ સાથે જોડાયલ શેરોમાં ભારે વેચવાલી આવી હતી.
ગ્લોબલ સ્ટોક માર્કેટ તૂટ્યા
ગ્લોબલ સ્ટોક માર્કેટમાં સતત બીજા દિવસે ગાબડા રહ્યા હતા. યુએસ ડાઉ જોન્સ અને નેસ્ડેક વધુ તૂટીને આવ્યા હતા. જેથી એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ નરમ રહ્યા હતા. પરિણામે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી ફરી વળી હતી.
એફઆઈઆઈની જંગી લેવાલી
બીજી તરફ પોઝિટિવ સમાચારો પણ આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 92 ડૉલર અને ક્રૂડ ઓઈલ 84 ડૉલર પર ટ્રેડ કરતું હતું. તેમજ એફઆઈઆઈનું શેરબજાર સતત બાઈંગ ચાલુ રહ્યું હતું. એફઆઈઆઈએ નવેમ્બર મહિનામાં રૂપિયા 88,362 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. તદઉપરાંત ડૉલર સામે રૂપિયા વધુ ચાર પૈસા મજબૂત થઈ 93.44 પર હતો. આમ પોઝિટિવ કારણો વચ્ચે પણ શેરબજારમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એસબીઆઈ(2.38 ટકા), સિપ્લા(2.09 ટકા), તાતા કન્ઝ્યુમર(1.66 ટકા), એપોલો હોસ્પિટલ(1.15 ટકા) અને આઈટીસી(1.13 ટકા).
સૌથી વધુ ગગડેલા શેર
સૌથી વધુ ગગડેલા શેરમાં ટિટાન(5.30 ટકા), એચડીએફસી લાઈફ(3.29 ટકા), હિન્દાલકો(2.99 ટકા), બીએસઈ(2.83 ટકા) અને તાતા મોટર પેસેન્જર વ્હીકલ(2.57 ટકા).
કાલે શેરબજાર કેવું રહેશે?
આજે ગુરુવારે શેરબજારમાં ઘટાડે નવી લેવાલી આવશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. નિફ્ટીમાં 25,000નો સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 25,200 બંધ છે, જે વધુ તેજીની તાકાત દર્શાવે છે. ઉપરમાં 25,550 કૂદાવશે તો નવી તેજી થશે. બેંક નિફ્ટીમાં 60,800 સપોર્ટ લેવલ રહેશે. ઉપરમાં 62,000 ઉપર છે, તે પોઝિટિવ નિશાની દર્શાવે છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.
આ પણ વાંચો….
શેરબજારમાં તેજીની આગેકૂચ, બેંક નિફ્ટી ઑલ ટાઈમ હાઈ, કાલે નફારૂપી વેચવાલી આવશે?

