ભારે વેચવાલીથી શેરબજારના સેન્સેક્સમાં 1483 પોઈન્ટ અને નિફ્ટીમાં 450 પોઈન્ટનો કડાકો

by Gujarati biz news
Stock Market India

Stock Market India Closingઅમદાવાદ- શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે કડાકો બોલી ગયો હતો. એક મહિનાની ભારે તેજી પછી સોમવારે ઊંચા મથાળે હેવી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પરિણામે બીએસઈ સેન્સેક્સમાં 1483નો કડાકો બોલી 82,435 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 450 પોઈન્ટ તૂટી 25,349 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી 2049 પોઈન્ટ ગબડી 62,585 બંધ થયો હતો. આજે એક જ ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં 6.32 લાખ કરોડનો ઘટાડો થયો હતો એટલે કે રોકાણકારોની મૂડીમાં 6.32 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.

સેન્સક્સમાં 1483 પોઈન્ટનો કડાકો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 84,421 ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 84,662 થઈ અને ત્યાં જોરદાર નફારૂપી વેચવાલી નીકળતાં ઝડપી તૂટી 82,395 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,435.99 બંધ થયો હતો. જે ગત શુક્રવારના બંઘની  સરખામણીએ 1483.72(1.77 ટકા)નો કડાકો બોલી ગયો હતો.

નિફ્ટી 450 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,929ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 25,992 થઈ અને ત્યાં હેવી વેચવાલી આવતાં ઘટી 25,343 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,349.65 બંધ થયો હતો. જે ગત શુક્રવાની સરખામણીએ 450.95 (1.75 ટકા) તૂટ્યો હતો.

એક મહિનામાં 12 ટકાની તેજી

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. શરૂમાં નવી લેવાલીથી વધુ વધ્યું હતું, પણ ઊંચા મથાળે ભારે નફારૂપી વેચવાલી ફરી વળી હતી. પરિણામે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઝડપથી તૂટ્યા હતા. શેરબજારમાં સંળગ એક મહિનાની ફુલગુલાબી તેજી પછી પહેલીવાર આટલી મોટી ભારે વેચવાલી આવી હતી. એક મહિનામાં શેરબજારમાં 12 ટકા જેટલો ઉછાળો આવ્યો છે, જેથી પ્રોફિટ બુકિંગ મોટાપાયે આવ્યું હતું.

કાલે મંગળવારે શેરબજાર બંધ

મંગળવારે ગુરુનાનક જ્યંતિ અને દેવદિવાળીને કારણે શેરબજારમાં રજા છે, જેથી સોમવારે નિફ્ટીની વીક્લી એક્સપાયરી હતી. પરિણામે નવી લેવાલીનો અભાવ હતો, અને તેજીવાળા ખેલાડીઓએ સાવચેતીરૂપી વેચવાલી કાઢી હતી. બીજી તરફ ગુરુવારે અમેરિકામાં થેન્કસ ગીવિંગ ડે છે, જેથી ગુરુવારે યુએસના સ્ટોક માર્કેટ બંધ રહેશે. આમ બજારોની રજાઓને કારણે ખેલાડીઓએ સાવેચતીનું વાતાવરણ અપનાવ્યું હતું.

ઈરાન પર ફરીથી હૂમલા કરવાની ધમકી

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરીથી હૂમલા કરવા ધમકી આપી છે. ઈરાન સાથે સમજૂતિ નહી થાય તો અમે નવા વર્ષમાં ઈરાન પર હૂમલો કરવા વિચાર કરીશું. જે નિવેદન કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

આઈટી સેકટરમાં ઉછાળો

સોમવારે આઈટી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલીથી કડાકો બોલી ગયો હતો. ખાસ કરીને બેંક અને મેટલ સેકટરના શેરોમાં હેવી સેલીંગ પ્રેશર રહ્યું હતું. એક માત્ર આઈટી સેકટરનો ઈન્ડેક્સ 528 પોઈન્ટ(1.69 ટકા) ઊંચકાયો હતો.

જાપાનના નિકકી ઈન્ડેક્સમાં 3007 પોઈન્ટનો કડાકો

એશિયાઈ સ્ટોક માર્કેટની વાત કરીએ તો જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 3007 પોઈન્ટ(5.33 ટકા) ગબડ્યો હતો. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 161 પોઈન્ટ(3.43 ટકા) તૂટ્યો હતો. જો કે બપોરે યુરોપયન સ્ટોક માર્કેટ પ્લસ હતા અને ડાઉ જોન્સ ફ્યુચર 878 પોઈન્ટ પ્લસ હતું, પણ શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું હોવાથી નવી લેવાલીનો તદન અભાવ રહ્યો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

મીડકેપ ઈન્ડેક્સ 627 પોઈન્ટ તૂટ્યો હતો તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 129 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1179 શેરના ભાવ વધ્યા હતા, અને 2454 શેરના ભાવ ઘટ્યા હતા. 126 શેર બાવન વીક લો પર બંધ હતા અને 143 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ લુઝર્સ

સૌથી વધુ ગગડેલા શેરોમાં તાતા સ્ટીલ(8.43 ટકા), એક્સિસ બેંક(3.97 ટકા), એચડીએફસી બેંક(3.33 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(3.32 ટકા) અને હિન્દાલકો(3.13 ટકા).

ટોપ ગેઈનર્સ

ટીસીએસ(3.53 ટકા), શ્રી રામ ફાયનાન્સ(2.46 ટકા), ટેક મહિન્દ્રા(1.79 ટકા), એચસીએલ ટેકનોલોજી(1.48 ટકા) અને ટિટાન(1.30 ટકા)

બુધવારે શેરબજાર કેવું રહેશે?

મંગળવારે શેરબજાર બંધ છે, જેથી હવે ગુરુવારે શેરબજાર મજબૂત મથાળે જ ખૂલશે. કારણ કે નફારૂપી વેચવાલી આવી ગઈ છે. ઓવરબોટ પોઝિશન હળવી થઈ છે. અને હવે ઘટાડે નવી લેવાલી નીકળતાં તેજી આગળ વધશે. ટેકનિકલી નિફ્ટીમાં 25,100નો સપોર્ટ રહેશે, તેમજ બેંક નિફ્ટીમાં 61,800નો સપોર્ટ રહેશે. એફઆઈઆઈ સ્ટ્રોંગલી ભારતીય શેરબજારમાં બાયર છે, જેથી ગમે તેવા નેગેટિવ કારણો હશે તો તેની બજાર અવગણના કરશે. એફઆઈઆઈએ 23 નવેમ્બર, 2026ના રોજ એટલે કે આજે રૂપિયા 5672 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ નવેમ્બર મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 1,17,621 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.

You will also like

Leave a Comment