Stock Market Live Update: સેન્સેક્સ 1000 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યો, લાવ લાવનો નાદ

by Gujarati biz news
Stock Market Live Update

Stock Market Live Updateઅમદાવાદ- Stock Market Live Update શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે ઉછાળો આવ્યો છે. બજાર ખૂલતાની સાથે લાવ લાવનો નાદ હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 900થી વધુ પોઈન્ટ ઉછળી 74,700ની સપાટી કૂદાવી ગયો છે. તેમજ એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 250થી વધુ પોઈન્ટ ઉછળી 23,400થી સપાટી કૂદાવી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ યુદ્ધ અટકયું છે અને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે પીસ ડીલ(શાંતિ સમજૂતિ) થવાની શક્યતાઓ વધી છે. જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું છે. એક તબક્કે સેન્સેક્સ 1000 પોઈન્ટનો મોટો ઉછાળો આવ્યો હતો.

સેન્સેક્સ ખૂલતા જ ભડકો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) ગઈકાલના બંધ 73,832.55ની સામે આજે વહેલી સવારે 74,709ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો અને નવી લેવાલી ચાલુ રહેતાં ઉછળીને 74,859ની હાઈ બનાવી હતી. એક તબક્કે સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાઈ ગયો હતો. સવારે 9.40 કલાકે સેન્સેક્સ 893 પોઈન્ટના ઉછાળા સાથે 74,708 પર ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટીમાં ઉછાળો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) ગઈકાલના બંધ 23,261ની સામે આજે સવારે 23,412ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધુ ઝડપથી ઉછળી 23,455ની હાઈ બનાવી હતી. એક તબક્કે નિફ્ટીમાં 294 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. 9.41 કલાકે નિફ્ટી 218 પોઈન્ટના ઉછાળા સાથે 23,378 પર ટ્રેડ કરી રહ્યો હતો.

બેંક નિફ્ટીમાં 840 પોઈન્ટનો ઉછાળો

બેંક નિફ્ટી ગઈકાલના બંધ 55,176ની સામે આજે સવારે 55,934ના ઊંચા ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધુ ઉછળી 56,016 થયો હતો. એક તબક્કે નિફ્ટી બેંકમાં 840 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

ઈરાન સામે મિલીટ્રી સ્ટ્રાઈક રદ કરી

અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતિ થઈ જશે તેવા આશાવાદ વચ્ચે ગ્લોબલ માર્કેટમાં તેજી જોવા મળી હતી. તેની પાછળ ભારતીય શેરબજારમાં પણ નવી લેવાલી આવી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પ્લાન કરેલ મિલીટ્રી સ્ટ્રાઈક રદ કરી છે, જેને પગલે વિશ્વના સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી હતી.

યુએસ અને એશિયાઈ સ્ટોક માર્કેટમાં ભડકો

ગત મોડી રાતે અમેરિકાનો ડાઉ જોન્સ 929 પોઈન્ટ(1.86 ટકા) ઉછળીને 50,848 બંધ થયો હતો. તેમજ નેસ્ડેક ઈન્ડેક્સ 640 પોઈન્ટ(2.54 ટકા) ઉછળી 25,809 બંધ રહ્યો હતો. જેની પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ભડકીને આવ્યા હતા. સવારે 9.51 કલાકે જાપાનનો નિક્કી 2169 પોઈન્ટ(3.38 ટકા)નો ઉછાળો નોંધાયો હતો. હોંગકોંગનો હેંગસેંગ 485 પોઈન્ટ(1.96 ટકા)નો ઉછાળો આવ્યો હતો. સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ 19 પોઈન્ટ વધીને આવ્યા હતા. તાઈવાનનો તેઈપેઈ 1025 પોઈન્ટ(2.37 ટકા) ઉછળ્યો હતો. કોરિયાનો કોસ્પી 646 પોઈન્ટ(8.33 ટકા) ભડકીને આવ્યો હતો. જાકાર્તાનો ઈન્ડેક્સ 142 પોઈન્ટ(2.42 ટકા) અને થાઈલેન્ડને સેટ કમ્પોઝિટ 12 પોઈન્ટ વધ્યા હતા. ચીનને સાંઘાઈ 62 પોઈન્ટ(1.56 ટકા) વધ્યો હતો.

ક્રૂડ ઓઈલમાં કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ તૂટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 1.67 ડૉલર તૂટી 88.71 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 1.45 ડૉલર ઘટી 86.26 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

ડૉલર સામે રૂપિયો 45 મજબૂત 

યુએસ ડોલર ઈન્ડેક્સ 99.77 પર ટ્રેડ કરતો હતો. તેમજ ડૉલર સામે રૂપિયો 45 પોઈન્ટ વધી 95.31 પર ટ્રેડ કરતો હતો.

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી 

બજારમાં મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી નીકળી હતી. નિફ્ટી મીડકેપ ઈન્ડેક્સ 9.58 કલાકે 656 પોઈન્ટ પ્લસ હતો. અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 233 પોઈન્ટ વધ્યો હતો.

You will also like

Leave a Comment