મુંબઈ- National Stock Exchange દેશના સૌથી મોટા નેશનલ સ્ટોક એક્સચેન્જે નિફ્ટી અહિંસા ઈન્ડેક્સ(Nifty500 Ahimsa Index) લોન્ચ કર્યો છે. મૂડી બજારમાં એથિકલ રોકાણ વધારવા માટે નેશનલ સ્ટોક એક્સચેન્જે નિફ્ટી 500 અહિંસા ઈન્ડેક્સની શરૂઆત કરી છે. જેમાં નિફ્ટી 500માં એવી કંપનીઓને સામેલ કરાઈ છે કે જે પોતાના બિઝનેસમાં જાણી જોઈને જાનવરોને નુકસાન નથી કરતી. એનએસઈનું કહેવું છે કે Ahimsagain ફાઉન્ડેશનની સાથે મળીને તેમના અહિંસા ઈન્વેસ્ટમેન્ટ મુવમેન્ટ(AIM) ફ્રેમવર્કની જેમ તૈયાર કરાયું છે.
એક બેન્ચમાર્કનું કામ કરશે
આ ફ્રેમવર્ક એવી વાતની તપાસ કરે છે કે કોઈ કંપનીની પ્રોડક્ટ્સ, સર્વિસ અને કામકાજની પદ્ધતિ અહિંસાના સિદ્ધાંતોની કેટલું નજીક છે. આ ઈન્ડેક્સ એસેટ મેનેજર્સ માટે એક બેન્ચમાર્કનું કામ કરશે. એ મદદથી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ(ઈટીએફ), ઈન્ડેક્સ ફંડ્સ અને રોકાણના અન્ય નવા વિકલ્પો તૈયાર કરી શકાશે.
Nifty500 Ahimsa Index
હેતુઃ એવી કંપનીઓની પસંદગી કરવી કે જે બિઝનેસમાં અહિંસાના સિદ્ધાંતોનું પાલન કરે
કોને સ્થાનઃ સોફ્ટવેર, ઓટોમોબાઈલ, રીયલ એસ્ટટે જેવી કંપનીઓ સામેલ
કોને પ્રવેશ નહીઃ રીલાયન્સ ગ્રૂપની કંપનીઓ અને તમામ બેંક આ ઈન્ડેક્સમાંથી બહાર
ત્રણ રંગોમાં વિભાજિત
આ સીસ્ટમ અનુસાર કંપનીઓને ત્રણ રંગોમાં ગ્રીન, ઓરેન્જ અને રેડ બેન્ડમાં વિભાજિત કરવામાં આવે છે. જે કંપની ઓરેન્જ અને રેડ કેટેગરીમાં આવે છે, તેમને આ ઈન્ડેક્સમાંથી બહાર રાખવામાં આવે છે. National Stock Exchange (એનએસઈ) ઈન્ડાઈસેઝની વેબસાઈટ પર રહેલા ડેટા અનુસાર અહિંસા ઈન્ડેક્સમાં કોઈપણ બેંકનો શેર અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રૂપના કોઈપણ શેર સામેલ નથી.
કરુણા અને દયાનો ભાવ
જો કે દેશની સૌથી મોટો સોફટવેર કંપનીઓ, ઓટોમોબાઈલ, રીયલ એસ્ટેટ અને બીજા અનેક સેકટરની કંપનીઓને આ ઈન્ડેક્સમાં જગ્યા મળી છે. Ahimsagain અનુસાર આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાનો હેતું મૂડીને કરુણા અને દયા તરફ વાળવાનો પ્રયાસ છે. નૈતિકતાને ધ્યાનમાં રાખીને રોકાણ કરનાર રોકાણકારોની પાસે સ્પષ્ટ વિકલ્પોની અછત છે. જેથી હવે National Stock Exchange (એનએસઈ)નો નિફ્ટી 500 અહિંસા ઈન્ડેક્સ રોકાણ માટે મદદ કરશે, અને તેઓ કરુણા અને દયાના ભાવ સાથે આ અહિંસા ઈન્ડેક્સમાં સહેજ પણ ખચકાયા વગર રોકાણ કરી શકશે.
જૈનો માટે ખાસ ઉપયોગી
ખાસ કરીને જૈનો જીવની હિંસા કરતી હોય તેવી કંપનીઓના શેરોમાં રોકાણ કરતાં હોતા નથી. આ ચુસ્ત જૈનો માટે આ અહિંસા ઈન્ડેક્સ ખૂબ જ મદદગાર થશે. જૈનો આ અહિંસા ઈન્ડેક્સમાં રોકાણ કરવાની ચોઈસ મળશે અને તેવો કોઈપણ ખચકાટ વગર રોકાણ કરી શકશે. તો ધર્મનું પાલન પણ થશે અને કરુણા દયાનો ભાવ પણ સચવાશે.

