અમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત પાંચમાં દિવસે ઘટાડો આવ્યો હતો. જો કે સપ્તાહના છેલ્લા દિવસે લૉ લેવલ પર શોર્ટ કવરિંગ આવ્યું હતું. પરિણામે લૉ લેવલથી માર્કેટમાં રીકવરી જોવાઈ હતી. પણ ઓવરઓલ બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 331 પોઈન્ટ ઘટી 76,059 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 102 પોઈન્ટ ધટી 23,767 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 101 પોઈન્ટ વધી 56,693 બંધ રહ્યો હતો. આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? પાંચ દિવસના ઘટાડા પછી શું બજારમાં પ્રત્યાઘાતી સુધારો આવશે? ટેકનિકલી માર્કેટ વીક છે, પણ વેલ્યૂ બાઈંગ આવશે? ભારતીય શેરબજાર(Share Market India) માટે કઈ બાબત પોઝિટિવ છે? આગામી સપ્તાહે કઈ બાબત પર ફોક્સ રાખશો?
જૂઓ વીડિયો…
સેન્સેક્સ વધુ 331 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 75,708ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ તૂટી 75,474 થઈ અને લૉ લેવલ પર નવી લેવાલી નીકળતાં ઉછળીને 76,210 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,059.77 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 331.62નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 102 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 23,666ની નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 23,606 થઈ અને ત્યાં નવી લેવાલીથી ઉછળી 23,823 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,767.45 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 102.15નો ઘટાડો દર્શાવે છે.
સેન્સેક્સમાં લૉ લેવલથી 736 પોઈન્ટની રીકવરી
સપ્તાહના કામકાજના છેલ્લા દિવસે શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું, શરૂમાં વેચવાલીનો દોર હતો. પણ ટ્રેડિંગ સેશનના છેલ્લા બે કલાકમાં લો લેવલ પર વેચાણ કાપણી આવી હતી. જેથી ઘટયા મથાળેથી સારી એવી રીકવરી જોવા મળી હતી. સેન્સેક્સ ઘટયા મથાળેથી 736 પોઈન્ટની રીકવરી રહી હતી. નિફ્ટીમાં લો લેવલથી 217 પોઈન્ટની રીકવરી રહી હતી. બેંક નિફ્ટીમાં લો લેવલથી 600થી વધુ પોઈન્ટની રીકવરી રહી હતી. જો કે ઓવરઓલ જોઈએ તો સેન્સેક્સ અને નિફ્ટી માઈનસમાં જ ક્લોઝ હતા. માત્ર બેંક નિફ્ટી 101 પોઈન્ટ પ્લસ બંધ રહ્યો હતો.
ચાર સેકટરના શેરોમાં નવી લેવાલી
આજે શુક્રવારે મીડિયા, આઈટી, બેંક અને એફએમસીજી સેકટરના શેરોમાં નવી લેવાલીથી આ સેકટરના ઈન્ડેક્સ પ્લસ બંધ હતા. જ્યારે ઓટો, મેટલ, ફાર્મા, એનર્જિ, રીયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફ્રા સેકટરના શેરોમાં વેચવાલી રહી હતી.
સવારે વેચવાલી આવવાના કારણો
(1) ગત મોડીરાતે ડાઉ જોન્સ 506 પોઈન્ટ અને નેસ્ડેક 553 પોઈન્ટ તૂટીને આવ્યા હતા. ટેક કંપનીઓના અર્નિંગ અપડેટ આવ્યા છે, જેમાં એઆઈના વધતાં જતાં ખર્ચની જોગવાઈ છે. જે એઆઈના ખર્ચને કારણે ચિંતાની સ્થિતિ છે. જેથી ટેકનોલોજી સ્ટોકમાં ભારે સેલીંગ પ્રેશર રહ્યું હતું. જેની ભારતીય શેરબજાર પર નેગેટિવ અસર પડી હતી.
(2) યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઈરાન અને તેમના સહયોગી હૂતીઓને સૌથી મોટી મીલીટ્રી સજા કરવાનો વાયદો કર્યો છે. તેમજ યમનોએ રેડ સી પર સાઉદી અરબના ઓઈલ ટેન્કરો પર હૂમલો કર્યો હતો. આમ યુએસ ઈરાન વચ્ચે તંગદિલી વધુ વકરી છે.
(3) આંતરરાષ્ટ્રીય બજારમાં સવારે ક્રૂડ ઓઈલ 100 ડૉલરને પાર કર્યાના સમાચાર હતી. ક્રૂડના ભાવ વધતાં હવે મોંઘવારી વધશે તેવી ધારણાએ માહોલ મંદીમય બન્યો હતો.
(4) આજે એશિયાઈ સ્ટોક માર્કેટમાં નવો કડાકો હતો. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 406 પોઈન્ટ(6.07 ટકા) તૂટ્યો હતો. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 1,991 પોઈન્ટ(3.09 ટકા) ગબડ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 260 પોઈન્ટ, તાઈવાનનો તેઈપેઈ 1,195 પોઈન્ટ, જાકાર્તાનો ઈન્ડેક્સ 118 પોઈન્ટ, ચીનનો શાંઘાઈ 62 પોઈન્ટ તૂટ્યા હતા. આમ એશિયાઈ સ્ટોક માર્કેટ પાછળ ભારતીય શેરબજારમાં હેવી સેલીંગ પ્રેશર રહ્યું હતું.
લૉ લેવલ પર રીકવરી આવવાના કારણો
(1) પાંચ દિવસના શેરબજારમાં ઘટાડા પછી આજે લૉ લેવલ પર વેલ્યૂ બાઈંગ અને સાથે વેચાણ કાપણી નીકળી હતી. જેથી સારી એવી રીકવરી જોવા મળી હતી.
(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો આવ્યો હતો. રૂપિયો પાંચ પૈસા વધી 96.53 રહ્યો હતો.
(3) આંતરરાષ્ટ્રીય બજારમાં બપોર બાદ ક્રૂડના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 3.89 ડૉલર ઘટી 96.80 ડૉલર રહ્યો હતો. ક્રૂડ ઓઈલ 3.27 ડૉલર ઘટી 88.92 ડૉલર પર ટ્રેડ કરતો હતો.
(4) ભારતમાં ચોમાસાની પ્રગતિ ખૂબ સારી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પુરા ભારતવરસમાં વાવણીલાયક વરસાદ થયો છે.
(5) બેંક શેરોમાં લૉ લેવલ પર જોરદાર ખરીદી આવી હતી. જેને પગલે બેંક નિફ્ટી શરૂના ઘટાડા પછી ટ્રેડિંગ સેશનને અંતે 101 પોઈન્ટ પ્લસ બંધ રહ્યો હતો. જેની સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર થઈ હતી.
સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 2,092 પોઈન્ટનો કડાકો
શેરબજારમાં વીતેલા સપ્તાહના પાંચ દિવસ સળંગ ઘટાડો રહ્યો હતો. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 2,092 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી 567 પોઈન્ટ અને બેંક નિફ્ટી 1,828 પોઈન્ટ તૂટ્યા હતા.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 62 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 61 પોઈન્ટ ઘટ્યા હતા. જો કે રીકવરીને કારણે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1703 શેરના ભાવ વધ્યા હતા અને 1596 શેરના ભાવ ઘટ્યા હતા.
98 સ્ટોકમાં લોઅર સર્કિટ
આજે 58 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 79 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 77 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 98 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એચસીએલ ટેકનોલોજી(1.95 ટકા), સિપ્લા(1.15 ટકા), વિપ્રો(0.99 ટકા), આઈટીસી(0.96 ટકા) અને એચડીએફસી લાઈફ(0.88 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
ઈટરનલ(2.47 ટકા), એમ એન્ડ એમ(2.00 ટકા), બજાજ ફાયનાન્સ(2.00 ટકા), શ્રી રામ ફાયનાન્સ(1.93 ટકા) અને બજાજ ઓટો(1.63 ટકા)
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે પાંચ દિવસના ઘટાડા પછી માર્કેટમાં પુલબેક(રીબાઉન્ડ) આવશે. જો કે માર્કેટ ટેકનિકલી વીક છે. પણ નિફ્ટીમાં 23,600 ખૂબ જ અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ બની રહેશે. અને ઉપરમાં 23,800-24,000 કૂદાવશે તો સારી રીકવરી જોવા મળી શકે. હાલ તો 23,600ના સ્ટોપલોસે ખરીદી કરી શકાય. ભારતીય શેરબજાર માટે લોંગ ટર્મ તેજીના કારણો જોઈએ તો મોનસૂન ખૂબ સારું છે. કંપનીઓના કવાર્ટર વનના અર્નિંગ અનુમાન કરતાં પ્રોત્સાહક છે, ડૉલર સામે રૂપિયામાં સ્થિરતા છે અને ભારતીય ઈકોનોમી ગ્રો કરી રહી છે. હા એક માત્ર ક્રૂડના ભાવ અને યુએસ-ઈરાન વચ્ચે યુદ્ધના સમાચાર આ બે ફેકટરનું ધ્યાન રાખવાનું છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

