Gujarat Rain Latest Update: ગુજરાતમાં અનરાધાર વરસાદ, નવસારીમાં 95 ટકા અને વલસાડમાં 90 ટકા વરસાદ

અંબિકા નદી ગાંડીતૂર બની, ભયજનક સપાટી ઉપર વહી રહી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી

by Gujarati biz news
Gujarat Rain Latest Update

Gujarat Rain Latest Updateગાંધીનગર- Gujarat Rain Latest Update ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જાણે ગુજરાત પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે શુક્રવાર સવારથી વરસાદનું જોર ધીમું પડ્યું છે. તેમ છતાં હજી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ આવવાની આગાહી છે. જોકે સરકાર અને તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી હજી ભરાયેલા છે અને ભારે તારાજી સર્જાઈ છે. અમદાવાદમાં શુક્રવાર સવારે 10 વાગ્યા સુધી હજી છ અંડરપાસ બંધ હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ અપટેડ….

  • નવસારીની કાવેરી નદીમાં પૂરના પાણીમાં રેસ્કયૂ દરમિયાન ચાર લોકોના મૃતદેહ મળ્યા, પાંચથી વધુ લોકો લાપત્તા છે.
  • અમદાવાદમાં 25 જુલાઈએ તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ
  • દક્ષિણ ગુજરાતમાં બચાવ કામગીરી પૂર્ણતાના આરે: હવે રાહત અને પુનઃસ્થાપન પર ફોકસ વધાર્યું છે.
  • વલસાડ જિલ્લામાં છેલ્લા 30 વર્ષના મોસમના સરેરાશ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં 90.98 ટકા સરેરાશ વરસાદ વરસ્યો – નવસારીમાં 95.13 ટકા સરેરાશ વરસાદ થયો.
  • હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં મધ્ય ગુજરાત -ઉત્તર ગુજરાત – અમદાવાદ – સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક-વ્યાપક વરસાદની આગાહીને પગલે સંબંધિત જિલ્લા તંત્રને સંપૂર્ણ એલર્ટ મોડ પર રહેવા સૂચના.
  • અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
  • 365 માર્ગો પુર્વવત કરાયા – સુરત-વલસાડ અને નવસારીમાં માર્ગોના કામોના મોનિટરીંગ અને માર્ગદર્શન માટે ચીફ એન્જિનીયર અને ઓ.એસ.ડી.ને ખાસ ફરજ સોંપવામાં આવી.
  • 225 જે.સી.બી., 1500થી વધુ મશીનરી સાથે 1500 જેટલા કર્મચારીઓ માર્ગો પુર્વવત કરવામાં સેવારત.
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો શુક્રવારે રાત્રી સુધીમાં યુદ્ધના ધોરણે પુર્વવત કરવા 350 ટીમો અને 1,000 વીજ કર્મીઓ ફરજરત થયા.
  • અમદાવાદ-વલસાડ અને નવસારીમાં આર્મીની 2-2 ટુકડીઓ પ્રશાસનની મદદમાં.
  • સમગ્ર રાજ્યમાં એન.ડી.આર.એફ.ની 17 અને એસ.ડી.આર.એફ.ની 32 ટીમો બચાવ-રાહત કાર્યોમાં જોડાઈ.
  • અસરગ્રસ્તો માટે કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂ. 40 કરોડની ફાળવણી
  • નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના તવડી ખાતે સોલાર પ્લાન્ટમાં ફસાયેલા આઠ અસરગ્રસ્તોને બચાવાયા, અસરગ્રસ્તોમાં 3 પુરુષો, 2 સ્ત્રી અને 3 બાળકોનો સમાવેશ, જલાલપોર મામલતદારની ટીમ અને નવસારી મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે હાથ ધરી બચાવ કામગીરી
  • નવસારી જિલ્લાના મેંધર ગામમાં રેસ્ક્યૂ ઓપરેશનનો બીજો તબક્કો પૂર્ણ, ભારતીય કૉસ્ટ ગાર્ડે બે હૅલિકોપ્ટરની મદદથી 30 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. એક નાના બાળકનો પણ સમાવેશ, બાકીના 6 લોકોને બચાવવા ડિઝાસ્ટર રેસ્ક્યૂ ટીમ રવાના કરાઈ. અત્યારસુધીમાં કુલ 170 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ.
  • રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદની સ્થિતિ અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. નાગરિકોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા, રાજ્યમાં પોલીસ અને વહીવટી તંત્ર એક ટીમ બનીને રાહત-બચાવ માટે શ્રેષ્ઠ કાર્ય કરી થઈ છે: રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક
  • – ભારે વરસાદ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાની ત્વરિત રાહત કામગીરી. વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં 8,900થી વધુ ફૂડ અને નાસ્તાના પેકેટનું વિતરણ. ગોતા હાઉસિંગમાં 1,500, અસારવામાં 1,000 અને મધુમાલતી વિસ્તારમાં 1,200 પેકેટનું વિતરણ. સરખેજ, દુધેશ્વર, વિરાટનગર, શંકર ભુવન છાપરા, મલાવ તળાવ, ગોતા તળાવ અને નીતિનગર સહિત અનેક વિસ્તારોમાં રાહત પહોંચાડાઈ.
  • સુરત જિલ્લામાં કુલ 4,290 અસરગ્રસ્તોનું સ્થળાંતર, કુલ 228 લોકોને બચાવવામાં આવ્યા. સુરત -ગ્રામ્ય વિસ્તારોમાં 3,290 અસરગ્રસ્તોનું સ્થળાંતર,152 લોકોને બચાવાયા – સુરત- મનપા વિસ્તારમાં 1,631 અસરગ્રસ્તોનું સ્થળાંતર, 76 લોકોને બચાવાયા
  • નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને NDRF નુ સંયુક્ત ઓપરેશન. પાણીમાં ફસાયેલા 9 નાગરિકોને બચાવાયા. બંદર રોડ પર આવેલી રેલવે ઓફિસ પાસે ભરાયેલા પાણીમાંથી નાગરિકોનો બચાવ. અંદાજે 2 કલાક ચાલેલું રેસ્ક્યૂ ઓપરેશન બપોરે 2.40 પૂર્ણ થયું.
  • રેસ્ક્યૂ કરવામાં આવેલા નાગરિકોની યાદી:
    1. ઉમર સિંઘ (ઉંમર: 30 વર્ષ)
    2. વિપિન કુમાર (ઉંમર: 25 વર્ષ)
    3. બબલુ (ઉંમર: 28 વર્ષ)
    4. અશ્વની કુમાર (ઉંમર: 22 વર્ષ)
    5. નવનીત (ઉંમર: 28 વર્ષ)
    6. વિકાસ ચંદ (ઉંમર: 21 વર્ષ)
    7. સંજય કુમાર (ઉંમર: 45 વર્ષ)
    8. જિતેન્દર કુમાર (ઉંમર: 36 વર્ષ)
    9. પવનેશ (ઉંમર: 18 વર્ષ)
  • અમદાવાદ જિલ્લાના બાવળા સ્થિત રજોડા ખાતે આવેલા ‘ગેલોપ્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક’માં ભારે વરસાદને કારણે મોટા પાયે પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલી 45 દીકરીઓ અને 02 સ્ટાફના સભ્યોને આર્મીના જવાનો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત. મુખ્યપ્રધાને મહાનગરપાલિકા, પોલીસ સહિતના વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેર મેયર હિતેશ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની, સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. મુખ્યપ્રધાને શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો
  • અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે AMCની ઝડપી કામગીરીથી શહેરમાં જનજીવન યથાવત. ઝાડ અને ડાળીઓ પડવાની કુલ 166 ફરિયાદોનો સ્થળ પર જ તાત્કાલિક નિકાલ. 129 ઝાડ અને 52 ડાળીઓ પડવાની ઘટનાઓમાં ત્વરિત પ્રતિસાદ. શહેરમાં હાલ ઝાડ પડવાના કારણે એકપણ માર્ગ બંધ નથી.
  • ભારે વરસાદને કારણે બોપલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું.

અંબિકા નદી ભયજનક

સુરત જિલ્લાના ગડત ખાતે તાપીથી તાદરી બેસિન સુધી પશ્ચિમ તરફ વહેતી નદીઓમાં અંબિકા નદી આજે સવારે 8 વાગ્યે ભારે પૂરની સ્થિતિમાં વહી રહી છે. અંબિકા નદી સવારે 8 વાગ્યાની સ્થિતિએ 14.05 મીટરના સ્તર પર વહી રહી છે, જે 12.00 મીટરના ભયજનક સ્તરથી 2.05 મીટર ઉપર પાણી વહી રહ્યું છે.

ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain Latest Update હવામાન વિભાગના આજે સવારના 10 વાગ્યાના બુલેટિનમાં જણાવ્યા પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, અરવલ્લી, મહીસાગર, ખેડા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 41-61 કિલીમીટર સુધીના ભારે પવન સાથે અતિભારે વરસાદ આવવાની આગાહી છે. આ જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના લેટેસ્ટ અપડેટ પ્રમાણે 24 જુલાઈને વહેલી સવારે 8 વાગ્યા સુધીમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં 4.41 ઈંચ વરસાદ વરસ્યો છે. વાવ-થરાદ જિલ્લાના દીઓદરમાં 2.87 ઈંચ, ભાભરમાં 2.48 ઈંચ, રાજકોટના જામકંડોરણામાં 2.17 ઈંચ, ખેડામાં 1.93 ઈંચ, પાટણના રાધનપુરમાં 1.89 ઈંચ, બનાસકાંઠાના હડાદમાં 1.73 ઈંચ, અમરેલીના બગસરામાં 1.73 ઈંચ, નડિયાદમાં 1.69 ઈંચ અને ધોળકામાં 1.50 ઈંચ વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે.

સીઝનનો સૌથી વધુ વરસાદ કપરાડામાં 102 ઈંચ

Gujarat Rain Latest Update વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક જ દિવસમાં ઈતિહાસમાં સૌથી વધુ 1064 મી.મી. એટલે કે, 42.56 ઈંચ પડયો છે અને સીઝનનો સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 2566 મી.મી. એટલે કે, 102.64 ઈંચ વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં એક જ દિવસમાં 12,376 લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

હર્ષ સંધવી વલસાડમાં

વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ભારે તારાજી સર્જાતા  મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના(Gujarat CM Bhupendra Patel) દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષભાઈ સંઘવી(Gujarat Dy. CM Harsh Sanghavi) મોડી રાત્રે વલસાડની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આવતાની સાથે જ તેમણે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લામાં પૂરની સ્થિતિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિત અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પ્રધાન કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની સ્થિતિ

મધુબન ડેમમાંથી પાણી છોડાયું

જિલ્લા કલેકટર નીતિન સાંગવાને ગુરૂવારના રોજ જિલ્લામાં અને ખાસ કરીને ઉમરગામમાં એક જ દિવસમાં ઈતિહાસમાં સૌથી વધુ 1064 મી.મી. એટલે કે, 42.56 ઈંચ પડવા અંગે અને સીઝનનો સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 2566 મી.મી. એટલે કે, 102.64 ઈંચ પડવા અંગે માહિતી આપી હતી. ધોધમાર વરસાદ અને મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બંને કાંઠે વહી હતી. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એક જ દિવસમાં 12,376 લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

સાફ સફાઈની પ્રાથમિકતા

હર્ષ સંઘવીએ જણાવ્યું કે,(Gujarat Rain Latest Update) નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સૌથી મોટી અને મહત્વની કામગીરી હવે સાફ સફાઈ અને દરેક નાગરિકના સ્વાસ્થ્યની દરકાર લેવાની રહેશે. સાફ સફાઈ માટે જરૂરી મેન પાવર અને જેસીબી તેમજ ટ્રક સહિતની સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય પાલિકાને વધારાના હંગામી સ્ટાફ રોકી યુધ્ધના ધોરણે સફાઈ કરી ગંદકીના થર ઉલેચવા માટે કામ શરૂ કરવાની પ્રાથમિકતા છે.

આરોગ્ય ચેકઅપ માટે કેમ્પ

આ દરમિયાન ઉમરગામ વિસ્તારમાં પણ સાફ સફાઈ અંગે વિશેષ ભાર મુકયો હતો. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનો નિકાલ કરવામાં આવે અને જ્યાં અસરગ્રસ્ત વિસ્તાર વધુ હોય ત્યાં આરોગ્ય ચેકઅપ માટે કેમ્પ લગાવવા માટે કહ્યું હતું. રોગચાળો ન ફેલાય તે માટે ઘર વખરીનો તમામ સામાન અને સડેલા અનાજનો જથ્થો સુવ્યવસ્થિ ઢબે નિકાલ કરવા માટે જણાવ્યું હતું.

કેશડોલ્સ અને રાશનની કીટ

પાણી ઓસર્યા બાદ પૂર અસરગ્રસ્તોને ત્વરિત કેશડોલ્સ અને રાશનની કીટ મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગોઠવવા માટે તંત્રને આદેશ કર્યા હતા. આ કામગીરીમાં કોઈપણ દૂર ગામનો છેવાડાનો વ્યકિત સહાયથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું.

વીમા કંપની સાથે બેઠક કરવી

રાજ્ય સરકાર દ્વારા પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે 17 જેટલા ઉચ્ચ અધિકારીઓની ફાળવણી વલસાડ જિલ્લામાં કરવામાં આવી છે તેમના દ્વારા વલસાડ જિલ્લો ઝડપભેર બેઠો થાય તેવી આશા ડે.સીએમ દ્વારા વ્યક્ત કરાઈ હતી. પૂરની સ્થિતિમાં વેપારી તેમજ દુકાનદારોને જે નુકસાન થયું હોય તે અંગે વીમા કંપની સાથે બેઠક કરી વહેલી તકે લોકોના ક્લેઈમ મંજૂર થાય તેવા પ્રયાસ કરવા સૂચન કર્યુ હતું.

વલસાડની ટીમ કાર્યરત

આ મુલાકાત વેળા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, રેંજ આઈજી પ્રેમવીરસિંહ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને પ્રોબેશનરી આઈએએસ પિયુષ ઘટાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ રેલવે સ્ટેશન અને ઔરંગા નદીની મુલાકાત

નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ભારે વરસાદને કારણે ટ્રેનો રદ્દ થતા વલસાડ રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોની મુલાકાત કરી તેઓ સાથે આત્મીયતા ભર્યો સંવાદ કર્યો હતો. આ સાથે જ સ્ટેશન માસ્ટર સાથે વાતચીત કરતાં સ્ટેશન માસ્ટરે મુંબઈ તરફની લાઈન ચાલુ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે વલસાડ સ્ટેશન પર અટવાયેલા યાત્રીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યપ્રધાને વલસાડના છીપવાડ અને ઔરંગા નદીના પુલ પર પહોંચી પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું.

ડાંગ જિલ્લામાં 23 માર્ગો ખુલ્લા થયા

Gujarat Rain Latest Update ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા ભારે વરસાદને પગલે અનેક કોઝવે અને નાના પુલો ઉપરથી પાણી વહેતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. જેને પગલે ગઈકાલે સાંજે જિલ્લાના 41 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગની તારીખ 24 જુલાઈ, 2026ના સવારે 8:00 વાગ્યાની સ્થિતિ મુજબ આ 41 માર્ગો પૈકી આજ સવારે 8 વાગ્યા સુધી જિલ્લાના 23 માર્ગો ઉપરથી પાણી ઓસરતાં તેને ચાલુ કરી દેવામાં આવ્યા છે, તેમ છતાં હજી કુલ 18 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ છે.

વઘઈ તાલુકાના રસ્તા બંધ

બંધ કરાયેલા મોટાભાગના માર્ગો વઘઈ તાલુકાના છે, જ્યાં કોઝવે, માઇનોર બ્રિજ અને સ્લેબ ડ્રેન ઉપરથી પાણી ઓવરટોપિંગ થવાને કારણે સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર અટકાવવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગોની પણ વ્યવસ્થા કરવામાં છે, અને પાણીનું સ્તર ઘટતા માર્ગો પુનઃ શરૂ કરવામાં આવશે.

ડાંગ જિલ્લાનો સરેરાશ વરસાદ

જિલ્લા કન્ટ્રોલ રૂમના વરસાદના અહેવાલ મુજબ(Gujarat Rain Latest Update) તારીખ 23 જુલાઈના છેલ્લા 24 કલાક દરમિયાન વઘઈ તાલુકામાં 367 મી.મી., આહવામાં 212 મી.મી. અને સુબીરમાં 211 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાનો સરેરાશ વરસાદ 263.33 મી.મી. નોંધાયો છે.

જિલ્લા વહીવટી તંત્રની અપીલ

જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને નદી, નાળા અને કોઝવે પરથી પાણી વહેતું હોય ત્યારે પસાર થવાનો પ્રયાસ ન કરવા જણાવ્યું છે. બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ હવામાન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. માર્ગો અંગેની નવીનતમ માહિતી માટે સંબંધિત વિભાગ તથા જિલ્લા કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

રસ્તા બંધ છે તેની માહિતી

ડાંગ જિલ્લાના જે માર્ગો આજ સવારની સ્થિતિએ બંધ રહ્યા છે તેમાં, (1) ડુંગરડા વી.એ. રોડ, (2) દોડીપાડા–બરડા રોડ, (3) વઘઈ–દોડીપાડા–દગડીઆંબા–ભેંડમાળ રોડ, (4) દોડીપાડા–ચિકાર ફળિયા રોડ, (5) દગડીઆંબા–બરડા રોડ, (6) નીચલા ફળિયા–કોયલીપાડા રોડ, (7) વાંઝટાંબા–કોયલીપાડા રોડ, (8) ગીરાદાબદર રોડ, (9) પાઢરમળ–ઉપલા ફળિયા રોડ, (10) ખાતળ ફાટક–ધોડી રોડ, (11) ભેંસકાત્રી મેઇન રોડ–આસરિયા ફળિયા રોડ (જૂનો રોડ), (12) ગોદડિયા–પાંઢરમાળ રોડ, (13) કાલીબેલ–પાંઢરમાળ–વાંકણ રોડ, (14) માછલી–ચીખલા–દિવડયાવન રોડ, (15) સુસરદા વી.એ. રોડ, (17) ઘોડવહળ વી.એ. રોડ, (18) આહેરડી–બોરદહાડ રોડ, અને (18) બાજ મેઇન રોડ–મલીન રોડ નો સમાવેશ થાય છે.

You will also like

Leave a Comment