ગાંધીનગર- Gujarat Shipbuilding Policy 2026 ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી “ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026”નું ગાંધીનગરમાં સોમવારે વિધિવત લોન્ચિંગ કર્યું છે. શું છે જોગવાઈઓ આ પોલિસીની તે તમામ વિગતો જાણીએ.(Gujarat Shipbuilding and Repair Policy 2026 launched, what is the special feature?)
2340 કિલોમીટર લાંબો દરિયાકિનારો
દેશમાં સૌથી વધુ 2340 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી, સસ્ટેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી પોલીસીઝના આધારે ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે આ પોલીસી પ્રસ્થાપિત કરશે.
નવા વીઝન સાથે પોલિસી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને ગુજરાત આ મહત્વાકાંક્ષી પોલિસીથી સાકાર કરશે. એટલું જ નહીં, Gujarat Shipbuilding Policy 2026 આ પોલીસી ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્સિયલ એસસીસ્ટન્ટ સ્કીમ-2025 SBFAS અને મેરીટાઇમ વિઝન 2047 તેમજ આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે.
સ્ટાર્ટઅપ્સ અને R&Dને પ્રોત્સાહન
રાજ્યનું વિકસિત બંદર માળખું, મજબૂત ઔદ્યોગિક પરિસ્થિતિ અને સમૃદ્ધ દરિયાઈ વારસો એ આ નીતિના મુખ્ય આધારસ્તંભો છે. આ નીતિ અન્વયે મુખ્ય સ્તંભો પર આધારિત બહુઆયામી વિકાસ વ્યૂહરચના અપનાવવામાં આવશે જેમા શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને ગ્રીન શિપયાર્ડ્સને પ્રોત્સાહન, શિપયાર્ડ્સને સ્માર્ટ શિપયાર્ડ્સમાં રૂપાંતરિત કરવું તથા શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને R&Dને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે.
પોલિસીનું મહત્ત્વનું આકર્ષણ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરેલી Gujarat Shipbuilding Policy 2026 નીતિનું એક મહત્વપૂર્ણ આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક (IMSP)નો વિકાસ છે. આ પાર્કને વિશ્વસ્તરીય દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવશે, તેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ, પરીક્ષણ સુવિધાઓ, લોજિસ્ટિક્સ સપોર્ટ, R&D કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનો પણ સમાવેશ થશે.
કુછડીમાં મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે. આ અંગેના DPR પણ મેરિટાઈમ બોર્ડ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે જે પૂર્ણ થતાં પ્રોજેક્ટ અમલીકરણમાં વેગ આવશે. આ ક્લસ્ટરમાં બે થી ત્રણ વિશ્વસ્તરીય શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનું મજબૂત નેટવર્ક વિકસાવવામાં આવશે. આ શિપયાર્ડ્સના વિકાસથી પણ અંદાજે રૂપિયા 23,700 કરોડનું ખાનગી રોકાણ આકર્ષિત થવાની સંભાવના છે.
માળખાકીય સુવિધાઓ વિકસાવાશે
આ વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને બળ આપવા માટે આશરે રૂપિયા 3,300 કરોડની સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવાશે. આ હેતુસર ભારત સરકારની Shipbuilding Development Scheme (SbDS) યોજના તથા ગુજરાત સરકાર દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓમાં બ્રેકવોટર્સ, ફ્લોટિંગ ક્રેન્સ, હેવી લિફ્ટ શિપસ, ડ્રેજિંગ, હાર્બર બેસિન વિકાસ, નેવિગેશન ચેનલો, રસ્તાઓ, વીજળી, પાણી પુરવઠો અને અન્ય સંયુક્ત ઉપયોગની સુવિધાઓનો સમાવેશ કરાશે.
ગુજરાતની સ્પર્ધાત્મકતા વધશે
આ સમગ્ર સંકલિત અભિગમને પરિણામે રોકાણકારો માટે માળખાકીય ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા પ્રોજેક્ટ અમલીકરણ ઝડપી બનશે અને વૈશ્વિક શિપબિલ્ડિંગ તથા મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર તરીકે ગુજરાતની સ્પર્ધાત્મકતા વધશે.
વિશેષ પ્રોત્સાહનો
રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે Gujarat Shipbuilding Policy 2026 નીતિ હેઠળ વિવિધ નાણાંકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે, તેમાં મૂડી સહાય (Capital Assistance), સ્ટેમ્પ ડ્યુટીની પરતફેર, વ્યાજ સહાય (Interest Subvention), ડ્રેજિંગ સહાય, MSMEs પાસેથી ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસિડી, વીજળી દરમાં સહાય, પાણીના ચાર્જમાં સબસિડી, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ માટે વિશેષ પ્રોત્સાહનો ઉપરાંત, નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસકાર્યો શરૂ કરનારા અર્લી બર્ડ રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહનો આપશે.
સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ
આ પોલિસી અન્વયે સરળ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તથા સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ વિકસાવવામાં આવશે, તેનાથી ઉદ્યોગોને સરળતાથી જરૂરી મંજૂરીઓ મળી રહેશે અને પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ થઈ શકેશે.
5 લાખથી વધુ વ્યક્તિઓને તાલીમ
Gujarat Shipbuilding Policy 2026 નીતિ ગુજરાત રાજ્યમાં શિપબિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા 50 લાખ ડેડ વેઇટ ટનેજ (DWT)થી વધુ સુધી વધારવા, બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે.
ગાઈડલાઈન્સ પણ તૈયાર
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ પોલિસી અંગેની ગાઈડ લાઈન્સ પણ તૈયાર કરી દેવામાં આવી છે. જેથી ડેવલપર્સ અને રોકાણકારો માટે અરજી કરવા સહિતની પ્રક્રિયાઓ વધુ સરળ થશે તેમજ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશનમાં પણ ગતિ આવશે.
શિપ બિલ્ડીંગ ઈકોસિસ્ટમનું નિર્માણ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરેલી આ પોલિસીથી આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના વીઝનમાં ગુજરાત વિકસિત ગુજરાત-2047થી સક્રિય સહભાગી થઈને વૈશ્વિક સ્તરે એક સ્પર્ધાત્મક શિપ બિલ્ડીંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરશે.
Gujarat Shipbuilding Policy 2026 લોન્ચ થઈ
આ પોલિસી લોન્ચીંગ અવસરે મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યપ્રધાનના સલાહકાર અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચેરમેન એસ.એસ. રાઠૌર, મુખ્યપ્રધાનના અગ્ર સચિવ સંજીવ કુમાર, બંદરો અને વાહન વ્યવહાર અગ્ર સચિવ હારિત શુક્લ, મુખ્યપ્રધાનના સચિવ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને સી.ઈ.ઓ. ડૉ. અજય કુમાર વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

