Stock Market India: પાંચ દિવસના ઘટાડા પછી સેન્સેક્સમાં 776 પોઈન્ટનો ઉછાળો, મંગળવારે નિફ્ટી વીક્લી એક્સપાયરી

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ– Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે અને પાંચ દિવસના ઘટાડા પછી ઉછાળો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 776 પોઈન્ટ ઉછળી 76,835 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 228 પોઈન્ટ ઉછળી 23,995 બંધ રહ્યો હતો. તેમજ બેંક નિફ્ટી(Nifty Bank) 393 પોઈન્ટ વધી 57,087 બંધ થયો હતો. શેરબજારમાં ઉછાળો આવવા પાછળ કયા કારણો? ટેકનિકલી બજાર મજબૂત થયું કે નહી? આગળ કયું રેઝિસ્ટન્સ લેવલ પાર કરવાનું રહે છે? તેજી આગળ વધશે કે નહી? Share Market India કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે તો શું થશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 776 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 76,608ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 76,517 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 76,901 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,835.78 બંધ રહ્યો હતો. જે વીતેલા શુક્રવારની સરખામણીએ 776.01નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 228 પોઈન્ટ ઉછળ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 23,928ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઘટી 23,891 થઈ અને ત્યાં જોરદાર લેવાલીથી ઉછળી 23,995.95 બંધ થયો હતો. વીતેલા શુક્રવારના બંધ નિફ્ટીની સરખામણીએ 228.50નો ઉછાળો દર્શાવે છે.

તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી

આજે સપ્તાહના પ્રથમ દિવસે પાંચ દિવસના એકતરફી ઘટાડા પછી બજાર ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. ત્યાર બાદ દરેક ઘટાડે નવી લેવાલી નીકળી હતી. મોટાભાગના તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલી આવી હતી. પરિણામે આજે આઈટી સેકટરની આગેવાની હેઠળ એફએમસીજી, મીડિયા, રીયલ્ટી, મેટલ, બેંક, ઈન્ફ્રા, ઓટો, ફાર્મા સહિત તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. જો કે ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં સામાન્ય નરમાઈ રહી હતી. કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી હોવાથી મોટાભાગે શોર્ટ કવરિંગ પણ વધારે હતું.

ઉછાળો આવવાના કારણો

(1) યુએસ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. પણ છેલ્લા 24 કલાક દરમિયાન નવા હૂમલા થયા નથી. જેને પગલે વિશ્વના સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ ઊંચકાયા હતા. બપોરે યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 535 પોઈન્ટ પ્લસ હતો. જેથી ભારતીય શેરબજારમાં પણ વેલ્યૂ બાઈંગથી સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યા હતા.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 9 ડૉલર ઘટી 88.69 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 7 ડૉલર ઘટી 83.24 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. આમ ક્રૂડના ભાવમાં કડાકો આવતાં શેરબજારનો માહોલ તેજીનો થયો હતો.

(3) ડૉલરમાં નરમાઈ રહી હતી. ડૉલર ઈન્ડેક્સ 101.27  પર ટ્રેડ કરતો હતો.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 66 પૈસા વધી 95.91 પર હતો. જેથી શેરબજાર પર પોઝિટિવ અસર પડી હતી.

(5) આજે આઈટી સ્ટોક હોટ ફેવરીટ રહ્યા હતા. તમામ આઈટી સ્ટોકમાં હેવી બાઈંગ આવ્યું હતું. પરિણામે આઈટી ઈન્ડેક્સ 673 પોઈન્ટ(2.34 ટકા) નો ઉછાળો નોંધાયો હતો. જેને પગલે શેરબજારની રીકવરીમાં વધુ ઝડપ આવી હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સમાં 681 પોઈન્ટ(1.11 ટકા) અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 247 પોઈન્ટ(1.31 ટકા)નો ઉછાળો આવ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2259 શેરના ભાવ વધ્યા હતા અને 1072 શેરના ભાવ ઘટ્યા હતા.

96 સ્ટોકમાં અપર સર્કિટ

103 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 46 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 96 સ્ટોકમાં અપર સર્કિટ અને 89 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં કાલે મંગળવારે નીફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેથી ઉભી પોઝિશન સુલટાવારૂપી કામકાજ વિશેષ જોવા મળશે. પરિણામે બે તરફી વધઘટ જોવા મળશે. ટેકનિકલી બજાર ટ્રેડંગ રેન્જમાં છે. નિફ્ટી 23,800 અને 24,100ની રેન્જમાં અથડાઈ છે. જો નિફ્ટી 24,100 કૂદાવશે તો તેજીની આગેકૂચ રહેશે. અન્યથા ઊંચા મથાળે નફો બુક કરવા વેચવાલી આવશે. બેંક નિફટીમાં 57,400 રેઝિસ્ટન્સ લેવલ છે, આ લેવલ કૂદાવશે તો નવી તેજી થશે. હાલ રાતવાસી મોટી પોઝિશન લેવી જોખમી છે. જેથી ઈન્ટ્રા-ડે ટ્રેડ કરવો વધુ હિતાવહ રહેશે. હાલ યુએસ-ઈરાન યુદ્ધ, ક્રૂડ ઓઈલના ભાવ અને ડૉલર સામે રૂપિયો આ ત્રણ ફેકટર પર નજર રાખવી પડશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment