Stock Market India: સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે હાઈથી 1442 પોઈન્ટનો કડાકો, 10 લાખ કરોડ મૂડીનું ધોવાણ

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં શરૂના ઉછાળા પછી કડાકો બોલી ગયો હતો. શેરોની જાતે-જાતમાં દરેક ઊંચા મથાળે જોરદાર વેચવાલી ફરી વળી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ 777 પોઈન્ટ(1.04 ટકા) તૂટી 74,003.82 બંધ થયો હતો. ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સમાં 1442 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 279.50 પોઈન્ટ(1.19 ટકા) તૂટી 23,118.60 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી 811 પોઈન્ટ ગબડી 55,794.75 બંધ થયો હતો. એક માત્ર આઈટી સેક્ટરના શેરોમાં ભારે લેવાલીથી તેજીનો કરંટ રહ્યો હતો. અન્યથા બાકીના તમામ સેકટરના શેરોના ભાવ તૂટ્યા હતા.

સેન્સેક્સ 777 પોઈન્ટ તૂટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આજે મંગળવારે સવારે 75,369ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઉછળી 75,436 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 73,994 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,003.82 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 777.94નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટીમાં 279 પોઈન્ટનું ગાબડુ 

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,576ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 23,592 થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી ઝડપી તૂટી 23,118.60 દિવસના લો લેવલ પર જ બંધ રહ્યો હતો. જે આગલા બંધની સરખામણીએ 279.50નું ગાબડુ દર્શાવે છે.

નિફ્ટીની વીક્લી એક્સપાયરી

Stock Market India ત્રણ દિવસના લાંબા વીકએન્ડ પછી આજે મંગળવારે સવારે શેરબજાર મજબૂત ખૂલ્યું હતું. સવારે આઈટી શેરોમાં નવી લેવાલીના ટેકાથી બજાર વધુ ઊંચકાયું હતું. પણ આ સુધારો ઝાઝુ ટકી શક્યો ન હતો. નીફ્ટીની વીકલી એક્સપાયરીનો દિવસ હતો. જેથી મંદીવાળા ઓપરેટરોએ નવી વેચવાલી કાઢી હતી અને સવારે લઈ ગયેલા તેજીવાળાઓઓ શેરબજાર તૂટતાં ભારે વેચવાલી કાઢી હતી. પરિણામે બજાર તૂટી પડ્યું હતું.

10 લાખ કરોડ રૂપિયાની મૂડીનું ધોવાણ

શેરોની જાતેજાતના ભાવ તૂટીને આવતાં(Stock Market India) શેરબજારના માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 10 લાખ કરોડનું ધોવાણ થયું હતું.  એક માત્ર આઈટી સેકટરના ઈન્ડેક્સમાં 633 પોઈન્ટ(2.19 ટકા)નો ઉછાળો દર્શાવે છે.

શેરબજાર તૂટવા પાછળના કારણો

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતોમાં નવો ઉછાળો આવ્યો છે. ઈરાન સાથે તંગદિલી વધુ વધી છે. વૈશ્વિક એનર્જિ સપ્લાય શોર્ટ થયો છે. ઈરાનને સપોર્ટ કરનાર યમન હુથી વિદ્રોહીઓએ સાઉદી અરબ પર નવો હૂમલો કર્યો છે. તેઓ લાલ સાગરના કિનારે યમનના પશ્ચિમી તટ પર પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યા છે. ખાડીના અરબ દેશોએ ઈરાન સાથેની વાતચીતને હાલ ટાળી દીધી છે. જેને કારણે હવે સ્થિતિ વધુ વણસી છે. પરિણામે બ્રેન્ટ ક્રૂડની કીમત 2.34 ડૉલર વધી 107.98 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 2.70 ડૉલર વધીને 104.09 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

(2) 16 સપ્ટેમ્બરે યુએસ ફેડરલ રીઝર્વની એફઓએમસીની બેઠક મળનાર છે. જેમાં ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો વધારો થાય તેવી ધારણા છે. તેમજ ભારતમાં મોંઘવારી દર સતત વધુ વધીને આવ્યો છે. જેથી હવે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરશે તેવી ભીતિ પાછળ ભારતીય શેરોમાં ધૂમ વેચવાલી ફરી વળી હતી.

(3) યુએસમાં બોન્ડ યીલ્ડ ઓકટોબર, 2023 પછી પહેલી વખત 5 ટકાની ઉપર નીકળ્યું છે. યુએસના 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ વધીને 5.03 ટકા રહ્યું હતું. આમ અમેરિકાની ઈકોનોમીના હાલત જોઈએ તેટલી સારી નથી. જેથી ગત મોડીરાતે ડાઉ જોન્સ અને નેસ્ડેક તૂટીને આવ્યા હતા.

(4) વૈશ્વિક સ્ટોક માર્કેટના સંકેત નેગેટિવ હતા. આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ માઈનસ હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ તૂટીને આવ્યા હતા, તેમજ બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 292 પોઈન્ટ માઈનસ હતો. આમ ભારતીય શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.

મીડકેપ અને સ્મોલકેપ તૂટ્યા

આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 1318 પોઈન્ટ તૂટ્યો હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 483 પોઈન્ટ ગબડી ગયો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતા. 754 શેરના ભાવ વધ્યા હતા અને 2824 શેરના ભાવ ઘટ્યા હતા.

199 સ્ટોકમાં લોઅર સર્કિટ

112 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 212 શેર બાવન વીક લો પર બંધ હતા. 117 શેરમાં અપર સર્કિટ આવી હતી, જ્યારે 199 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ગગડેલા શેર

બીઈએલ(5.30 ટકા), શ્રી રામ ફાયનાન્સ(4.74 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(4.29 ટકા), ઈન્ડિગો(3.96 ટકા) અને ગ્રાસિમ(3.38 ટકા)

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એચસીએલ ટેકનોલોજી(3.95 ટકા), ઈન્ફોસીસ(3.79 ટકા), ટીસીએસ(2.28 ટકા), ટેક મહિન્દ્રા(2.26 ટકા) અને વિપ્રો(1.55 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે? 

ટેકનિકલી બજાર વીક છે. આ અગાઉ આ જ કોલમમાં ચેતવણી આપી હતી, તે મુજબ ટેકનિકલી શેરબજાર ઘટી રહ્યું છે. નીચામાં 23,000નું લેવલ દર્શાવે તેવું વાતાવરણ સર્જાયું છે. હાલ શેરબજારમાં અવિશ્વાસનું વાતાવરણ છે. કાલે ઈન્ટ્રા-ડે લોથી બજારમાં સુધારો જોવા મળી શકે છે. નિફ્ટીમાં 23,000નું સપોર્ટ લેવલ આવે છે. જે મથાળે બજાર સપોર્ટ મેળવશે. ઘટાડે બ્લૂચિપ શેરોમાં વેલ્યૂ બાઈંગ આવી શકે છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment