અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટને અંતે મિશ્ર ટોન રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 21 પોઈન્ટ ઘટી 74,314 બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 53 પોઈન્ટ ઉછળી 23,270 બંધ થયો હતો. જો કે બેંક નિફ્ટી(Nifty Bank) 236 પોઈન્ટ ઘટી 56,055 બંધ રહ્યો હતો. લેવાલી અને વેચવાલી એમ બેઉ તરફી ટ્રેડિંગ રહ્યા હતા. શેરબજારની(Share Market India) કોઈ ચોક્કસ દિશા દેખાઈ ન હતી. તેમ છતાં આજે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજીનો ચમકારો આવ્યો હતો. માર્કેટ કેપિટલાઈઝેશનમાં 3.50 લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
સેન્સેક્સ 21 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 74,182.62ના નીચા મથાળે ગેપમાં જ ખૂલ્યો હતો, શરૂમાં વધુ ઘટી 74,163.95 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં વધી 74,677.56 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે પાછો પડી 74,314.59 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 21.86 ઘટ્યો હતો.
નિફ્ટી 53 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty_ 23,195.25ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઘટી 23,193 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઉછળી 23,363.55 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,270.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 53 પોઈન્ટની મજબૂતી દર્શાવે છે.
જુલાઈ 2023 પછી ફેડ રેટમાં વધારો
યુએસ ફેડરલ રીઝર્વે ત્રણ વર્ષથી વધુના સમય બાદ એટલે કે જુલાઈ 2023 પછી વ્યાજ દરમાં(ફેટ રેટ)માં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે એફઓએમસીની બેઠકમાં ફેડ રેટમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે પછી બે તરફી ભારે વધઘટ બાદ ડાઉ જોન્સ વધુ 631 પોઈન્ટ 51,461 બંધ રહ્યો હતો. તેમજ નેસ્ડેક 3 પોઈન્ટ ઘટી 25,978 રહ્યો હતો. આથી સવારે ભારતીય શેરબજાર(Stock Market India) નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું.
યુએસમાં મોંઘવારી સામે લડત
યુએસ પોલિસી બનાવનારાઓએ મોંઘવારી સામેની લડાઈ વધુ ઝડપી કરી દીધી છે અને સંકેત આપ્યો છે કે આવનારા મહિનામાં લોન લેવાની પડતર વધુ વધી શકે છે. એફઓએમસીની બેઠકમાં ફેડ રેટ 3.50-3.75 ટકાથી વધારીને 3.75-4 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમા 12-0થી સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો. ફેડરલ રીઝર્વના નવા ચેરમેન કેવિન વૉર્શના કાર્યકાળમાં સૌ પહેલી વાર ફેડ રેટમાં વધારો કરાયો છે, તેમણે મે-2026માં પદભાર સંભાળ્યો હતો.
શેરબજારમાં સુધારો આવવાના કારણ
(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. મિડલ ઈસ્ટમાં એનર્જિ સપ્લાય ધીમી ગતિએ શરૂ થયો છે, સઉદી અરબ દ્વારા ઓમાન દ્વારા વધારાના ક્રૂડ કાર્ગોની રજૂઆતના સમાચાર પાછળ બ્રેન્ટ ક્રૂડ 1.45 ડૉલર ઘટી 104.38 ડૉલર થયો હતો. ક્રૂડ ઓઈલ 1.01 ડૉલર ઘટી 101.42 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જેની(Stock Market India) શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.
(2) ઓટો શેરોની રાહબરી હેઠળ દરેક ઘટાડે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. ગઈકાલની જેમ આજે પણ વેલ્યૂ બાઈંગ ચાલુ રહ્યું હતું.
(3) ટેકનિકલી માર્કેટમાં થોડીક મજબૂતી જોવાઈ છે. નિફ્ટી 23,200થી ઘટશે નહી તેવી ધારણાએ તેજીવાળા ખેલાડીઓએ હળવી નવી લેવાલી કાઢી હતી અને શેરબજારને(Stock Market India) ટેકો આપ્યો હતો.
બેંક શેરોમાં નફારૂપી વેચવાલી
સેકટર પ્રમાણે જોઈએ તો આજે નિફ્ટી રીયલ્ટી, ઓટોમોબાઈલ અને મેટલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જ્યારે બેંક સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી.
મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે લેવાલી
આજે બુધવારે મીડેકપ અને સ્મોલકેપ શેરોમાં ભારે લેવાલીથી નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સમાં 557 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 147 પોઈન્ટ ઊંચકાયો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2262 શેરના ભાવ વધ્યા હતા, જ્યારે 1279 શેરના ભાવ ઘટ્યા હતા.
111 શેરમાં અપર સર્કિટ આવી
72 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 106 શેર બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 111 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 109 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એચડીએફસી લાઈફ(5.05 ટકા), તાતા મોટર પેસેન્જ વ્હીકલ(4.49 ટકા), એસબીઆઈ લાઈફ(4.06 ટકા), ડૉ. રેડ્ડી લેબ(3.07 ટકા) અને બીઈએલ(2.51 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
ઓએનજીસી(1.85 ટકા), ટાઈટન(1.38 ટકા), એચડીએફસી બેંક(1.18 ટકા), કૉલ ઈન્ડિયા(1.01 ટકા) અને હિન્દુસ્તાન યુનીલીવર(1.01 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં આજે થોડોક તેજીનો કરંટ આવ્યો છે, પણ વૈશ્વિક સ્ટોક માર્કેટ નરમ હતા. બપોરે ડાઉ જોન્સ ફ્યયુર 415 પોઈન્ટ પ્લસ હતો, જેથી આજે મોડી રાતે યુએસ સ્ટોક માર્કેટ ઉછળીને આવશે. જેને પગલે કાલે ભારતીય શેરબજાર ઊંચા મથાળે ગેપમાં ખૂલી શકે છે. પણ તે કેટલું ટકે છે, અને નવી લેવાલી નીકળે છે કે નહી, તેના પર બજારની ચાલ નિર્ભર રહેશે. ટેકનિકલી માર્કેટ વીક છે. જ્યાં સુધી નિફ્ટી 23,500 ઉપર બંધ ન થાય ત્યાં સુધી તેજી બોલવી મુશ્કેલ છે. જ્યારે નીચામાં નિફ્ટી 23,200 તોડશે તો 23,000નું લેવલ બતાવી શકે છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

