Stock Market India: શેરબજારમાં નવી લેવાલીથી સેન્સેક્સમાં 564 પોઈન્ટનો ઉછાળો, કાલે પ્રોફિટ બુકિંગ આવશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે ઉછાળો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 564 પોઈન્ટ ઉછળી 74,858 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 67 પોઈન્ટ વધી 23,414 બંધ રહ્યો હતો. તેમજ બેંક નિફ્ટી(Bank Nifty) 111 પોઈન્ટ વધી 56,470 બંધ થયો હતો. જો કે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી.

સેન્સેક્સ 564 પોઈન્ટ ઉછળ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 74,535ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 74,454 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઉછળી 74,987 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,858.99 બંધ થયો હતો, જે 564.03નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી ઈન્ડેક્સ 67 પોઈન્ટ ઊંચકાયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,330ના મથાળે ખૂલીને શરૂમાં સાવ સામાન્ય ઘટી 23,314 થઈ અને ત્યાં નવી લેવાલીથી ઉછળી 23,466 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,414.30 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 67.90નો ઉછાળો દર્શાવે છે.

મંદીવાળા ઓપરેટરોનું શોર્ટ કવરિંગ

Stock Market India શેરબજારમાં આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે અને મંગળવારે નિફ્ટી વીકલી એક્સપાયરીના અગાઉના દિવસે શેરોની જાતે-જાતમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. ખાસ કરીને આજે તેજીવાળા ખેલાડીઓની બ્લૂચિપ શેરોમાં લેવાલી આવી હતી, તો બીજી તરફ મંદીવાળા ઓપરેટરોએ શોર્ટ કવરિંગ કર્યું હતું. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 692 પોઈન્ટ ઉછળીને આવ્યો હતો. જો કે બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. રીયલ્ટી, ફાર્મા, એફએમસીજી અને બેંક શેરોમાં લેવાલીથી ઉછાળો નોંધાયો હતો.

શેરબજારમાં તેજી થવાના કારણો

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ ઘટીને આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 2.57 ડૉલર ઘટી 101.30 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 2.54 ડૉલર ઘટી 97.76 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડનો ભાવ ઘટીને 100 ડૉલરની નીચે જતાં શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

(2) વૈશ્વિક સ્ટોક માર્કેટના સંકેત પોઝિટિવ હતા. આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટમાં ઉછાળો આવ્યો હતો. તેમજ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 440 પોઈન્ટ પ્લસ હતો. આમ વૈશ્વિક સ્ટોક માર્કેટમાં તેજી થતાં(Stock Market India) ભારતીય શેરબજાર પર તેની પોઝિટિવ અસર પડી હતી.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર રૂપિયા મજબૂત થયો હતો. ડૉલર સામે રૂપિયો 7 પૈસા વધી 95.81 પર ટ્રેડ કરતો હતો. જેને પગલે ભારતીય શેરોમાં લેવાલી જળવાઈ રહી હતી.

(4) એફઆઈઆઈની નવી લેવાલી આવી હતી. 18 સપ્ટેમ્બરે એફઆઈઆઈએ કુલ રૂપિયા 599 કરોડની નેટ બાઈંગ કર્યું હતું. જેથી ઓવરઓલ સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે મીડકેપ ઈન્ડેક્સ 178 પોઈન્ટ માઈનસમાં બંધ હતો, તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 14 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1735 શેરના ભાવ વધ્યા હતા અને 1858 શેરના ભાવ ઘટ્યા હતા.

184 શેરમાં અપર સર્કિટ

125 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 103 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 184 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર આવી હતી, તો સામે 91 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ઈટરનલ(2.77 ટકા), એચસીએલ ટેકનો(2.54 ટકા), આઈટીસી(1.79 ટકા), સન ફાર્મા(1.72 ટકા) અને રીલાયન્સ(1.71 ટકા).

સૌથી વધુ ગગડેલા શેર

ભારતી એરટેલ(3.33 ટકા), અદાણી પોર્ટ(2.02 ટકા), બજાજ ફાઈનાન્સ(1.83 ટકા), પાવરગ્રીડ(1.55 ટકા) અને અદાણી એન્ટરપ્રાઈઝ(1.49 ટકા).

કાલે શેરબજાર કેવું રહેશે?

કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી આવે છે. જેથી ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા છે. તેમ છતાં ટેકનિકલી માર્કેટ થોડુક મજબૂત લેવલ પર આવ્યું છે. આવતીકાલે મંગળવારે નિફ્ટી 23,450 કૂદાવીને ઉપર બંધ આવશે તો શેરબજારમાં ઝડપી ઉછાળો આવી શકે છે. હાલના તબક્કે નિફ્ટીમાં 23,450 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતિની પડદા પાછળ ચર્ચા ચાલુ છે. જેને કારણે ક્રૂડના ભાવ ઘટ્યા છે. જેથી પછીના દિવસોમાં અમેરિકા ઈરાન વચ્ચેના ડેવલપમેન્ટ અને ક્રૂડ ઓઈલની કીમત પર શેરબજારની તેજીની ચાલનો આધાર રહેશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

આ પણ વાંચો…

Crude Oil Crisis: અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનમાં ડીઝલના રેકોર્ડ ઊંચા ભાવ, અનેક પેટ્રોલ પંપો બંધ

You will also like

Leave a Comment