ગુજરાત એસટીની ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ

દેશભરમાં ડિજિટલ બુકિંગમાં 'નંબર 1 એસ.ટી.યુ.' બનવાનું ગૌરવ ગુજરાતને મળ્યું

by Gujarati biz news

ગાંધીનગર- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ અને આવક મેળવવાનો નવો ઇતિહાસ રચાયો છે. આ સાથે GSRTC એ સળંગ 7માં વર્ષે આ ગૌરવપૂર્ણ સ્થાન જાળવી રાખીને સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે.

ભાઈબીજે તમામ રેકોર્ડ તૂટ્યા

આ ઐતિહાસિક સિદ્ધિ અંતર્ગત તારીખ 11 નવેમ્બરે ભાઈબીજે એક જ દિવસમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા છે. આ દિવસે રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ 1,46,875 સીટોનું બુકિંગ થયું છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ છે. આ ઉપરાંત, માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ 99402 સીટોનું બુકિંગ નોંધાયું છે, જે મુસાફરોમાં ડિજિટલ માધ્યમો પ્રત્યેનો વધતો વિશ્વાસ દર્શાવે છે.

એક જ દિવસમાં 13 કરોડથી વધુ આવક

ડિજિટલ બુકિંગની સાથે-સાથે આવકના મામલે પણ GSRTC એ નવો સીમાચિહ્ન સર કર્યો છે. આ એક જ દિવસમાં નિગમ દ્વારા કુલ રૂપિયા 3.55 કરોડની ડિજિટલ આવક થઈ છે. આ આવકમાં મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી જ રૂપિયા 2.27 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને વધુ મજબૂત બનાવે છે. જ્યારે એક જ દિવસની કુલ આવક 13 કરોડથી વધુ થઈ છે.

વાર્ષિક કલેક્શનના આંકડા

GSRTC ના આ અદ્ભુત પ્રદર્શનનો ઇતિહાસ જોઈએ તો, વર્ષ 2019 માં 74,368 સીટો અને રૂપિયા 1,53,10,717 ની આવકથી શરૂ થયેલી આ સફર ક્રમશઃ આગળ વધીને વર્ષ 2026 માં સર્વોચ્ચ શિખરે પહોંચી છે. ગત વર્ષોના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2022 માં 114,880 સીટોની રૂપિયા 2.10 કરોડ, વર્ષ 2023 માં 132,177 સીટો રૂપિયા 2.97 કરોડ, વર્ષ 2024 માં 1,41,468 સીટો રૂપિયા 3.15 કરોડ અને વર્ષ 2025 માં 133,043 સીટો રૂપિયા 3.19 કરોડનું બુકિંગ થયું હતું, જેને આ વર્ષે પાછળ છોડીને નવો વિક્રમ સ્થાપિત થયો છે.

હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા બદલ નિગમના તમામ એસ.ટી. ડ્રાઈવર, કન્ડક્ટર તથા મિકેનિક સહિતના સમગ્ર સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તહેવારોના આ અવસરે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના, મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજ બદલ તેમણે તમામ કર્મચારીઓનો વિશેષ આભાર પણ માન્યો છે.

ગુજરાતનું ગૌરવ વધાર્યું

દેશભરની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગમાં ‘નંબર 1 એસ.ટી.યુ.’ બનવાનું આ ગૌરવ ગુજરાત રાજ્યને મળ્યું છે. મુસાફરોને અત્યાધુનિક, સરળ અને પારદર્શક સુવિધાઓ પૂરી પાડવા માટે GSRTC કટિબદ્ધ છે અને આ સિદ્ધિ બદલ નિગમે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો છે.

You will also like

Leave a Comment