Gold Silver Market: સોના ચાંદીમાં સુધારો, આગામી સપ્તાહે તેજી આગળ વધશે?

by Gujarati biz news
Gold Silver Market
Gold Silver Market

Image Generated by AI

અમદાવાદ- Gold Silver Market દિવાળી પહેલા સોના ચાંદી બજારમાં સુધારો આવ્યો હતો. ત્રણ સપ્તાહના કડાકા પછી નવી લેવાલી આવી હતી. પરિણામે ગોલ્ડમાં 181 ડૉલર અને ચાંદીમાં 3 ડૉલરનો ઉછાળો નોંધાયો હતો. ગોલ્ડ સિલ્વરમાં સુધારો આવવાના કયા પાંચ સોલીડ કારણો?ગોલ્ડ સિલ્વરમાં તેજી માટે કયું એક રિસ્ક ફેકટર છે? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર બજાર કેવું રહેશે? ગોલ્ડ સિલ્વરમાં ફરીથી તેજી આવશે ખરી? ગોલ્ડ સિલ્વરમાં ટેકનિકલ શું કહી રહ્યા છે?

જૂઓ વીડિયો….

અમદાવાદ સોના ચાંદી બજાર

અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 4,500 વધી રૂપિયા 1,47,000 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂપિયા 6,000 વધી રૂપિયા 1,88,000 રહ્યો હતો.

MCX ના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન બંધ થઈ ત્યારે ગોલ્ડ 1,42,364 રૂપિયા રહ્યું હતું. તેમજ સિલ્વરનો ભાવ રૂપિયા 1,84,977 રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચરમાં 181 ડૉલરનો ઉછાળો

Gold Silver Market આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહના પ્રારંભે ઘટી 3889 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4155 ડૉલર થયો હતો અને સપ્તાહને અંતે 4079 ડૉલર બંધ રહ્યો હતો, જે વીતેલા સપ્તાહના બંધ ભાવની સરખામણીએ 181 ડૉલર(4.63 ટકા) ઊંચકાયો હતો.

સ્પોટ ગોલ્ડમાં 4.93 ટકાનો ઉછાળો

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 3875 ડૉલર થઈ અને ત્યાં ભારે લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 4147 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4070 ડૉલર પર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 195 ડૉલર(4.93 ટકા)નો ઉછાળો દર્શાવે છે.

સિલ્વર ફ્યુચરના ભાવમાં 2.70 ડૉલરનો વધારો

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 48.62 ડૉલર થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઉછળી 53.49 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 51.97 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહના છેલ્લા બંધભાવની સરખામણીએ 2.70 ડૉલર(5.46 ટકા( વધ્યો હતો.

સ્પોટ સિલ્વરમાં 5.66 ટકાનો ઉછાળો

સ્પોટ સિલ્વર સપ્તાહના પ્રારંભે ઘટી 48.57 ડૉલર થઈ અને તે મથાળે નવી ખરીદી નીકળતાં ઝડપથી ઉછળી 53.49 ડૉલર થઈ સપ્તાહને અંતે 51.95 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના બંધભાવની સામે 2.83 ડૉલરનો(5.66 ટકા) ઉછાળો દર્શાવે છે.

શોર્ટ પોઝિશન કવર થઈ

Gold Silver Market છેલ્લા ત્રણ સપ્તાહના ઘટાડા પછી વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઈંગ આવતાં સુધારો આવ્યો હતો. વીતેલા સપ્તાહે ગોલ્ડ 12 મહિનાની લો સપાટીએ પહોંચી ગયું હતું, જેથી રોકાણકારો માટે ખરીદી કરવાની ઉત્તમ તક હતી. તેમજ કારણો પણ એવા આવ્યા કે ગોલ્ડ સિલ્વરમાં નવેસરની લેવાલીની સાથે શોર્ટ પોઝિશન પર કવર થઈ હતી. વીતેલા સપ્તાહે ટ્રેડિંગ વોલ્યૂમ પણ સાવ નોર્મલ રહ્યું હતું.

દિવાળીના તહેવારોની ઓછી ઘરાકી

ભારતમાં રવિ પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળીના તહેવારો વચ્ચે ગોલ્ડ સિલ્વરની ખરીદી જોઈએ તેટલી જોવા મળી નથી. દિવાલી પહેલા સોના ચાંદીના ભાવ ઘટ્યા હોવા છતાં પણ નવી ખરીદીમાં જોશ જોવા મળ્યો ન હતો. બજારના વર્તુળોના કહેવા પ્રમાણે મોંઘવારી વધી છે, જેથી આ વખતે જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં પૈસા વપરાઈ ગયા હતા. જો કે જેમના ઘરમાં પ્રંસગ આવે છે, તેવા લોકોએ ખરીદીના શ્રીગણેશ કર્યા હતા.

સોનાચાંદીમાં તેજી આવવાના કારણો

(1) યુએસ મીડટર્મ પોલના પરિણામો જાહેર થયા હતા, જેમાં યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રીપબ્લિકનની હાર થઈ હતી. તેમજ વિપક્ષીદળ ડેમોક્રેટિકની ભવ્ય જીત થઈ હતી. આમ બન્ને સદનોમાં વિપક્ષ ડેમોક્રેટિક્સની બહુમતી થઈ છે. આમ ટ્રમ્પની સત્તાની પાંખો કપાઈ ગઈ છે. તેઓ ધાર્યું કરી શકશે નહી. જેને પગલે ગોલ્ડ સિલ્વરમાં નીચા મથાળે જોરદાર નવી ખરીદી નીકળી હતી, અને ભાવ ઝડપી સુધર્યા હતા.

(2) યુએસમાં બોન્ડ યીલ્ડ 5 ટકાથી ઘટીને 4.83 ટકા પર આવી ગયું હતું. આમ બોન્ડમાંથી રોકાણ પરત નીકળ્યું છે અને તે રોકાણ ગોલ્ડ સિલ્વર તરફ આવે તેવી શકયતાઓ છે. જે ધારણા પાછળ ગોલ્ડ સિલ્વરમાં ઘટાડે ખરીદી આવી હતી.

(3) યુએસ ડૉલર નબળો પડ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ ઘટીને 102 પર આવી ગયો હતો. અને નિષ્ણાતોના મતે ડૉલર હજી વધુ ઘટી શકે છે.

(4) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતો વધુ ઘટી હતી. ઈરાન સાથે ડેમોક્રેટિક પાર્ટી શાંતિ સમજૂતિ માટે ચર્ચા કરે અથવા તો ટ્રમ્પ હવે ઈરાન સામેનું વલણ થોડુ હળવું કરે તેવી પણ શક્યતા ઉભી થઈ છે. બીજી તરફ ઈરાને પણ હોર્મુઝનો રસ્સો અમુક દેશો માટે ખોલી આપ્યો છે, જેમાં ભારત સામેલ છે. હવે ક્રૂડની કીમતો ઘટતાં વિશ્વના દેશોમાં મોંઘવારી ઘટશે અને અર્થવ્યવસ્થાની સ્થિતીમાં સુધારો જોવા મળે તેવી ધારણા છે.

(5) અમરિકાનું દેવું 40 ટ્રિલિયન ડૉલરના ખતરનાક સ્તરને પાર કરી ગયું હતું. પણ યુએસના બન્ને સદનોમાં ડેમોક્રેટિકની બહુમતી થઈ છે, જેથી તેઓ ફેડરલ સ્પેન્ડિંગ(સરકારી ખર્ચ) પર અંકુશ લગાવી શકે છે. વધતાં જતાં ખર્ચ પર સાંસદોનું નિયંત્રણ રહેશે. જેને કારણે અમેરિકાનું દેવું ઘટે તેમ પણ બની શકે છે. આ કારણને પગલે ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી.

રિસ્ક ફેકટર

Gold Silver Market વીતેલા સપ્તાહે યુએસમાં ઓકટોબર મહિનાનો નોન ફાર્મ પેરોલ ડેટા આવ્યા હતા. જે અનુસાર ઓકટોબરમાં 1,65,000 નવી નોકરીઓનું સર્જન થયું હતું, જે ધારણા કરતાં વધારે છે. બેરોજગારીદર 4.1 ટકા રહ્યો હતો. લેબર માર્કેટના ડેટા મજબૂત આવ્યા છે, જેથી હવે ડીસેમ્બરમાં ફેડરલ રીઝર્વની બેઠકમાં વ્યાજ દર(ફેડ રેટ)માં 25 બેસીસ પોઈન્ટનો વધારો થવાની પ્રબળ શકયતાઓ છે. જો ફેડ રેટમાં વધારો થાય તો ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી આવી શકે છે.

આગામી સપ્તાહની ઈકોનોમિક ઈવેન્ટ

મંગળવારે યુએસનો ઓકટોબર મહિનાનો સીપીઆઈ ડેટા આવશે. ગુરુવારે યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા જાહેર કરશે, તેમજ હોમ સેલ્સ ડેટા પણ આવશે. શુક્રવારે ઓકટોબર મહિનાનો પીપીઆઈ રીપોર્ટ જાહેર થશે. તેના પર ગોલ્ડ સિલ્વર માર્કેટની નજર રહેશે.

આગામી સપ્તાહ કેવું રહેશે?

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં ઘટાડે નવી ખરીદીથી સુધારો આગળ વધશે. ટેકનિકલી માર્કેટમાં પ્રાઈમરી રીતે યુ ટર્ન દેખાઈ રહ્યો છે. ગોલ્ડમાં 4000 ડૉલર એ મજબૂત સપોર્ટ લેવલનું કામ કરશે અને 4150 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જો ગોલ્ડ 4150 ડૉલરનું લેવલ કૂદાવશે તો ઉપરમાં 4200-4225 ડૉલર થઈ શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં 50 ડૉલરનું સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 53.50 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ રહેશે.  જો સિલ્વર 53.50 ડૉલર કૂદાવશે તો 55 ડૉલર સુધી જઈ શકે છે.

આ પણ વાંચો….

Diwali 2026 Stock Market: દિવાળીના મુહૂર્તની “કેન” શેરબજારની ભાવી ચાલ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે!

You will also like

Leave a Comment