એકતા નગર- Statue of Unity ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગરમાં આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં(72nd National Film Awards Ceremony) ભાગ લેવા પધારેલા પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર રણદીપ હુડા(Film actor Randeep Hooda) અને કાર્તિક આર્યને(Film actor Kartik Aaryan) વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અખંડ ભારતના શિલ્પી, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમાના દર્શન કર્યા હતા.
સરદાર સાહેબને પુષ્પાંજલિ
આ અવસરે રણદીપ હૂડા અને કાર્તિક આર્યને સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી દેશના એકીકરણ માટેના તેમના અવિસ્મરણીય યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમના પરિવારજનો પણ તેમની સાથે સામેલ થયા હતા.
વ્યૂઈંગ ગેલેરી નિહાળી
Statue of Unity મુલાકાત દરમિયાન રણદીપ હૂડા અને કાર્તિક આર્યને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરનું અવલોકન કર્યું હતું. તેમણે 135 મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પરથી નર્મદા નદી, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓના મનમોહક દૃશ્યો નિહાળ્યા હતા. ઉપરાંત, સરદાર પટેલના જીવનચરિત્ર અને ભારતના એકીકરણના ઐતિહાસિક પ્રસંગોને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરતા એક્ઝિબિશન હોલની મુલાકાત લઈ રસપૂર્વક માહિતી મેળવી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત મારા માટે ભાવુક રહી
આ પ્રસંગે પોતાના મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવમાં રણદીપ હૂડાએ જણાવ્યું હતું કે, “Statue of Unity ની યાત્રા અત્યંત ભાવુક અને અભિભૂત કરનાર રહી, મારા બાળક અને પિતા સાથે એક જ સમયે મહાન વ્યક્તિત્વને સમર્પિત આ સ્મારકની મુલાકાત અત્યંત યાદગાર અવસર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા માટે, ગર્વનો અવસર છે કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની આજે પરિવાર સહ મુલાકાત લીધી છે, સરદાર પટેલે ભારતને એક કર્યું છે,પ્રત્યેક વ્યક્તિએ જરૂર મુલાકાત લેવી જોઈએ.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને ગર્વ થાય છે
Statue of Unity ની મુલાકાત અંગે પોતાના પ્રતિભાવમાં કાર્તિક આર્યને જણાવ્યું હતું કે, “આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિવાર સાથે મુલાકાત લીધી. એકતાના પ્રતિક સમાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને ગર્વ થાય છે. દરેક વ્યક્તિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવી જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મારી ફિલ્મને પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, જે મારા માટે ગર્વની વાત છે.”
હોળી અને રાઠવા નૃત્ય માણ્યું
મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી દ્વારા ખાસ આયોજિત નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના પ્રખ્યાત નાની દેવરૂપણના હોળી અને રાઠવા નૃત્યમાં સહભાગી થઈને ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને માણી હતી.
સ્મૃતિચિન્હ અર્પણ કર્યું
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ રણદીપ હૂડા અને કાર્તિક આર્યનને સ્મૃતિચિહ્ન તથા ફોટોગ્રાફ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા એકતાનગરના વિવિધ પ્રવાસન પ્રકલ્પો અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી.
આ પણ વાંચો….
Ambaji ST Bus Service: ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી જવા એસટીની 1,000 બસો દોડશે

